સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે નવા મંડળમાં કઈ રીતે ભળી શકો?

તમે નવા મંડળમાં કઈ રીતે ભળી શકો?

શું તમે કદી મંડળ બદલ્યું છે? જો એમ હોય તો તમને પણ કદાચ જૉન-ચાર્લ્સભાઈ જેવું લાગી શકે. તે કહે છે: “નવા મંડળમાં ભળી જવું સહેલું નથી હોતું. એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે કુટુંબમાં દરેકનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે. એ બધું સંભાળવું અઘરું હોય છે.” એક વ્યક્તિ જ્યારે નવી જગ્યાએ જાય છે, ત્યારે તેને રહેવા માટે ઘર, બાળકો માટે નવી સ્કૂલ શોધવાં પડે છે. બની શકે કે એ જગ્યાની આબોહવા, લોકોની રીતભાત અને પ્રચાર વિસ્તાર પણ અલગ હોય.

નિકોલસભાઈ અને સેલિનબહેન સામે એક અલગ જ પડકાર આવ્યો. તેઓએ ફ્રાંસ શાખા તરફથી મળેલી સોંપણી સ્વીકારી અને નવા મંડળમાં ગયાં. તેઓ જણાવે છે: “શરૂ શરૂમાં તો અમને ઘણી મજા આવી. પણ પછી અમને જૂના દોસ્તોની યાદ સતાવવા લાગી. નવા મંડળનાં ભાઈ-બહેનો હજી અમારાં સારાં દોસ્તો બન્યાં ન હતાં.” a એવા પડકારો હોવા છતાં, તમે કઈ રીતે ખુશ રહી શકો અને નવા મંડળમાં પૂરેપૂરો ટેકો આપી શકો? બીજાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ આપી શકે? તમે કઈ રીતે ઉત્તેજન મેળવી શકો અને બીજાઓને આપી શકો?

પડકારોનો સામનો કરવા ચાર સિદ્ધાંતો

યહોવા પર આધાર રાખો

૧. યહોવા પર આધાર રાખો. (ગીત. ૩૭:૫) જાપાનનાં કાઝૂમીબહેનનો વિચાર કરો, જે ૨૦ વર્ષથી એક જ મંડળમાં હતાં. તેમના પતિની નોકરીને લીધે, તેઓએ બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું. બહેને કઈ રીતે ‘પોતાના માર્ગો યહોવાને સોંપ્યા?’ તે કહે છે: “હું વારંવાર યહોવાને જણાવતી કે મને કેવું લાગે છે. હું કહેતી કે મને ચિંતા સતાવે છે, ડર અને એકલું એકલું લાગે છે. દરેક વખતે તે મને હિંમત આપતા.”

તમે કઈ રીતે યહોવા પર વધારે આધાર રાખી શકો? એક છોડને વધવા પાણી અને માટીમાં રહેલા પોષક તત્ત્વોની જરૂર પડે છે. એવી જ રીતે, આપણી શ્રદ્ધાને વધારવા કશાકની જરૂર પડે છે. આપણે અગાઉ નિકોલસભાઈ વિશે જોઈ ગયા. તેમણે ઇબ્રાહિમ, ઈસુ અને પાઉલના દાખલા પર મનન કર્યું, જેઓએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ઘણું જતું કર્યું હતું. તેઓના દાખલા પર વિચાર કરવાથી ભાઈને હિંમત મળી કે યહોવા ચોક્કસ તેમને સાથ આપશે. જો તમે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરશો, તો જીવનમાં આવતા ફેરફારોને સહેલાઈથી સ્વીકારી શકશો. એટલું જ નહિ, તમે જે શીખ્યા છો, એનાથી નવા મંડળમાં બીજાઓને પણ ઉત્તેજન આપી શકશો.

સરખામણી ન કરો

૨. સરખામણી ન કરો. (સભા. ૭:૧૦) જ્યારે જૂલ્સભાઈ બેનિન દેશથી અમેરિકા આવીને વસી ગયા, ત્યારે તેમણે જોયું કે બંને દેશની સંસ્કૃતિ એકદમ અલગ હતી. તે જણાવે છે: “ત્યાંના લોકોને મળતો ત્યારે મને એવું લાગતું કે મારે પોતાના વિશે બધું જ જણાવવું પડશે.” એ તેમને બહુ અજીબ લાગ્યું. તે ખૂબ હેરાન થઈ ગયા અને ભાઈ-બહેનોથી દૂર દૂર રહેવા લાગ્યા. પણ જ્યારે તેમણે ત્યાંનાં ભાઈ-બહેનોને ઓળખવાની કોશિશ કરી, ત્યારે તેમના વિચારો બદલાયા. તે કહે છે: “ભલે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોઈએ, આપણે બધા માણસો જ છીએ. બસ ફરક એટલો કે અમુકની બોલચાલની રીત અલગ છે. એટલે આપણે બીજાઓનો સ્વીકાર કરવો જોઈએ.” આપણે જૂના મંડળની સરખામણી નવા મંડળ સાથે કરવી ન જોઈએ. એ વિશે એન-લીઝ નામનાં પાયોનિયર બહેન જણાવે છે: “હું જૂની બાબતો શોધવા નવી જગ્યાએ આવી ન હતી. હું તો નવી બાબતો શોધવા આવી હતી.”

વડીલો, તમે પણ પોતાના જૂના મંડળની સરખામણી નવા મંડળ સાથે ન કરો. બની શકે કે નવા મંડળની અમુક રીતો થોડી અલગ હોય. પણ જરૂરી નથી કે જે અલગ છે, એ ખોટું છે. કોઈ સૂચન આપતા પહેલાં ત્યાંના સંજોગોની તપાસ કરો. (સભા. ૩:૧, ૭ખ) પોતાના વિચારો ભાઈઓ પર થોપી બેસાડવાને બદલે, સારું રહેશે કે તમે પોતાના સારા દાખલાથી તેઓને શીખવો.—૨ કોરીં. ૧:૨૪.

નવા મંડળમાં વ્યસ્ત રહો

૩. નવા મંડળમાં વ્યસ્ત રહો. (ફિલિ. ૧:૨૭) તમે નવી જગ્યાએ જાઓ ત્યારે ઘણું બધું કામ કરવાનું હોય છે. એમાં ઘણો સમય પણ જતો રહે છે. પણ શક્ય હોય એટલું જલદી તમે રૂબરૂ સભામાં જાઓ એ ખૂબ જરૂરી છે. જો તમે સભામાં નહિ જાઓ, તો ભાઈ-બહેનો તમને કઈ રીતે ઓળખશે? તમને કઈ રીતે મદદ કરશે? લુસિન્ડાબહેન પોતાની બે દીકરીઓ સાથે દક્ષિણ આફ્રિકાના એક મોટા શહેરમાં આવીને વસી ગયાં. તે યાદ કરતા જણાવે છે: “મારા મિત્રોએ મને સલાહ આપી હતી કે નવા મંડળનાં ભાઈ-બહેનો સાથે બને એટલું જલદી દોસ્તી કરી લઉં, તેઓ સાથે પ્રચારમાં જઉં અને સભામાં જવાબ આપું. અમે ભાઈઓને એ પણ જણાવ્યું કે તેઓ અમારા ઘરે પ્રચારની સભા રાખી શકે છે.”

જ્યારે તમે નવા મંડળનાં ભાઈ-બહેનો સાથે “ખભેખભા મિલાવીને” કામ કરશો, ત્યારે તમારી અને બીજાઓની “શ્રદ્ધા” વધશે. એન-લીઝબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. તેમના વડીલોએ સલાહ આપી કે તે નવા મંડળની દરેક વ્યક્તિ સાથે પ્રચારમાં જવાનો પ્રયત્ન કરે. એનું પરિણામ શું આવ્યું? તે કહે છે: “હું તરત પારખી શકી કે ભાઈ-બહેનો સાથે હળવા-મળવાની આ સારી રીત છે.” જ્યારે તમે પ્રાર્થનાઘરની સાફ-સફાઈ અને સમારકામમાં ભાગ લો છો, ત્યારે ભાઈ-બહેનો જોઈ શકશે કે આ મંડળ હવે તમારું મંડળ છે. તમે જેટલું વધારે આ કામોમાં વ્યસ્ત રહેશો, એટલું વધારે તમે ભાઈ-બહેનો સાથે ભળી જશો અને નવું મંડળ તમારું કુટુંબ બની જશે.

નવા દોસ્તો બનાવો

૪. નવા દોસ્તો બનાવો. (૨ કોરીં. ૬:૧૧-૧૩) ભાઈ-બહેનો સાથે વાત કરો અને તેઓને ઓળખવાની કોશિશ કરો. એ માટે સભાઓમાં થોડા વહેલા જાઓ અને સભા પછી ત્યાં થોડો સમય રોકાઓ. આમ ભાઈ-બહેનો જોઈ શકશે કે તમને તેઓની કેટલી પરવાહ છે અને તેઓ માટે તમારા દોસ્ત બનવું સહેલું બની જશે. ભાઈ-બહેનોનાં નામ યાદ રાખવાની કોશિશ કરો, તેઓ સાથે પ્રેમથી વાત કરો. આમ તેઓ પણ તમને ઓળખવા માંગશે. પછી કદાચ તમે સારા દોસ્તો બની શકશો.

આપણે ચાહીએ છીએ કે લોકો આપણને પસંદ કરે. એટલે બીજાઓને સારું લગાડવા આપણે કદાચ એ બધું કરીએ જે સામાન્ય રીતે કરતા ન હોઈએ. પણ એવું કરવાની જરૂર નથી. તમે જેવા છો એવા જ રહો. ભાઈ-બહેનોને એ જાણવાની તક આપો કે તમે કેવી વ્યક્તિ છો. તમે લુસિન્ડાબહેન જેવું કરી શકો. તે કહે છે: “અમે ભાઈ-બહેનોને અમારા ઘરે બોલાવતા. એટલે અમે સારા દોસ્તો બની શક્યા અને આજેય અમારી દોસ્તી એકદમ ગાઢ છે.”

“એકબીજાનો આવકાર કરો”

ધારો કે, કોઈ ભાઈ કે બહેન તમારા મંડળમાં નવાં આવ્યાં છે. તે પહેલી વાર પ્રાર્થનાઘરમાં આવે ત્યારે કદાચ તેમને અજાણ્યું લાગે. આટલા બધા નવા ચહેરા જોઈને કદાચ થોડો ડર લાગે. તમે કઈ રીતે એવા ભાઈ કે બહેનને મદદ કરી શકો? પ્રેરિત પાઉલે કહ્યું: “જેમ ખ્રિસ્તે તમારો આવકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો આવકાર કરો.” (રોમ. ૧૫:૭, ફૂટનોટ) વડીલો, તમે ખ્રિસ્તના પગલે ચાલી શકો અને નવાં ભાઈ-બહેનોનો આવકાર કરી શકો. (“ તમે નવા મંડળમાં જાઓ ત્યારે” બૉક્સ જુઓ.) જોકે, નાનાં-મોટાં, બધાં જ ભાઈ-બહેનો તેઓનો આવકાર કરી શકે, જેથી તેઓને મંડળ કુટુંબ જેવું લાગે.

બીજાઓનો આવકાર કરવાની એક રીત છે, મહેમાનગતિ બતાવવી. તમે નવાં ભાઈ-બહેનોને બીજી રીતે પણ મદદ કરી શકો છો. દાખલા તરીકે, જ્યારે એક બહેન નવા શહેરમાં રહેવા આવી, ત્યારે ત્યાંની એક બહેન પોતાનો સમય કાઢીને તેને શહેર બતાવવા લઈ ગઈ. ત્યાં બસ અને ટ્રેન ક્યાંથી પકડવી એ પણ બતાવ્યું. એ મદદને લીધે બહેન માટે નવા શહેરમાં અને નવા ઘરમાં ઢળવું સહેલું બની ગયું.

યહોવાની સેવામાં આગળ વધવાની તક

શું તમને ખબર છે કે તીડ ઊડી શકે એ પહેલાં તેણે ઘણી વાર પોતાની કાંચળી ઉતારવી પડે છે? એવી જ રીતે, તમે નવા મંડળમાં જાઓ છો ત્યારે તમારી બધી ચિંતા દૂર કરી દો, જેથી તમે યહોવાની સેવામાં ઊડી શકો. નિકોલસભાઈ અને સેલિનબહેન જણાવે છે: “નવા મંડળમાં ઘણું શીખવા મળે છે. નવી જગ્યા અને નવા લોકો સાથે રહેવા અમુક ફેરફારો કરવા પડે છે. પણ એમ કરવાથી અમે ઘણા સારા ગુણો કેળવી શક્યા છીએ.” જૉન-ચાર્લ્સભાઈ વિશે આગળ જોઈ ગયા. નવા મંડળમાં જવાથી તેમના કુટુંબને કઈ રીતે ફાયદો થયો? તે જણાવે છે: “અમારાં બાળકોએ નવા મંડળમાં પ્રગતિ કરી અને યહોવાની વધારે નજીક આવ્યાં. અમુક જ મહિનામાં અમારી દીકરી વિદ્યાર્થી ભાગ આપવા લાગી અને અમારો દીકરો બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બન્યો.”

બની શકે કે તમે બીજા મંડળમાં જવા માંગો છો, કદાચ એવા મંડળમાં જ્યાં વધારે જરૂર છે. પણ તમારા સંજોગોને લીધે તમે એમ નથી કરી શકતા. જો એમ હોય તોપણ તમે આ લેખમાં આપેલાં સૂચનો પાળી શકો અને હમણાંના મંડળમાં એક નવી શરૂઆત કરી શકો. જેમ કે, યહોવા પર ભરોસો રાખવાની સાથે સાથે મંડળનાં કામોમાં વ્યસ્ત રહો. એમ કરવા અલગ અલગ વ્યક્તિઓ સાથે પ્રચારમાં જાઓ, નવા મિત્રો બનાવો અથવા દોસ્તી પાકી કરો. કદાચ તમે જરૂર હોય એવાં અથવા તમારા મંડળમાં નવાં આવેલાં ભાઈ-બહેનોને મદદ કરવા પહેલ કરી શકો. સાચા ઈશ્વરભક્તોની ઓળખ પ્રેમ છે, એટલે બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે યહોવાની નજીક જઈએ છીએ. (યોહા. ૧૩:૩૫) તમે ખાતરી રાખી શકો કે “એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.”—હિબ્રૂ. ૧૩:૧૬.

ઘણાં ભાઈ-બહેનો નવા મંડળમાં જઈને વધારે કરી શક્યાં છે અને ખુશી મેળવી શક્યાં છે. તમે પણ એમ કરી શકો છો. એન-લીઝબહેન કહે છે: “નવા મંડળમાં જવાને લીધે મને દિલના દરવાજા ખોલવા મદદ મળી છે.” કાઝૂમીબહેન જણાવે છે: “તમે નવા મંડળમાં જાઓ ત્યારે જોઈ શકો છો કે યહોવા તમારી કેટલી સંભાળ રાખે છે. એ અનોખો અનુભવ હોય છે.” જૂલ્સભાઈ કહે છે: “આ મંડળમાં મેં એટલા પાકા દોસ્તો બનાવ્યા છે કે આ મંડળ હવે મને પોતાનું લાગે છે. હવે જો મારે આ મંડળ છોડવું પડે, તો એ મારા માટે બહુ અઘરું થઈ જશે.”

a જો તમને જૂના મંડળની યાદ આવતી હોય, તો તમે શું કરી શકો? એ વિશે વધારે જાણવા ઑક્ટોબર ૧૫, ૧૯૯૯, ચોકીબુરજ પાન ૨૬ પર આપેલા આ લેખના ફકરા ૧-૩ જુઓ: “શું તમે પરદેશમાં સેવા કરી શકો?