સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હું મારું દુઃખ લઈને કઈ રીતે જીવું?’

‘હું મારું દુઃખ લઈને કઈ રીતે જીવું?’

‘હું મારું દુઃખ લઈને કઈ રીતે જીવું?’

માઈકનો વિચાર કરો. તેના પપ્પા ગુજરી ગયા ત્યારે તેને કેવું લાગ્યું? તે કહે છે: ‘મને રડવાનું મન તો થયું, પણ મને લાગ્યું કે હું કંઈ પોચા મનનો થોડો છું. હું તો મરદ છું, મરદ.’ પરંતુ, તેને ભાન થયું કે એ દુઃખનો અગ્‍નિ અંદર બળ્યા જ કરતો હતો. થોડા સમય પછી, તેના દોસ્તના દાદા ગુજરી ગયા. માઈક કહે છે: “એક-બે વર્ષ પહેલાં મેં કહ્યું હોત કે ‘અરે યાર, એમાં રડવાનું શું?’ એના બદલે મેં તેને કહ્યું: ‘રડવું હોય તો રડી લે, દોસ્ત. એમાં કંઈ ખોટું નથી. તને કંપની જોઈએ તો રહું, નહિ તો પછી આવીશ. કોઈની ચિંતા ન કર.’”

હવે મેરીએનનો વિચાર કરો. તેના પતિનું અવસાન થયું ત્યારે તેણે શું કર્યું? તે કહે છે: “હું બીજાને દિલાસો આપવા માંગતી હતી. એટલે મેં આંખમાં એક આંસુ પણ આવવા ન દીધું. પરંતુ, મને ભાન થયું કે મેં મારું હૃદય પથ્થર જેવું કઠણ કરી નાખ્યું હતું. બીજાને મદદ કરવા જતાં, હું પોતાને વધારે દુઃખી કરતી હતી. મને થયું કે ‘મારે રડી લેવું જોઈએ, એનાથી મને જ મદદ મળશે.’ તેથી, હું રડી અને મારું મન હળવું થયું.”

માઈક અને મેરીએન બંને કહે છે: રડવું આવે તો મન થાય એટલું રડી લો! તેઓની વાત સો ટકા સાચી છે, કેમ કે મન હળવું કરવા દુઃખનો ભાર ઉતારવો જ જોઈએ. તમે પોતાની રીતે છૂટથી રડશો તો, જીવનની સફરમાં આગળ વધી શકશો.

ભલે કોઈનું મરણ અચાનક થાય કે બીમારીને લીધે થાય, કુટુંબને તેમની બહુ જ ખોટ સાલે છે. દરેક જણ અલગ અલગ રીતે શોક કરે છે. પણ એક વાત ખરી કે લાગણીઓને મનના પિંજરામાં કેદ કરવાથી પોતાને જ નુકસાન થાય છે. એને બદલે, કોઈ પણ રીતે હૈયું હળવું કરી લેવું જોઈએ. ચાલો આપણે જોઈએ કે એ વિષે ધર્મશાસ્ત્ર શું જણાવે છે.

કઈ રીતે દુઃખ હળવું કરવું?

કોઈ સાથે વાત કરો. ઈશ્વર ભક્ત અયૂબનો વિચાર કરો. તેમનાં દસ બાળકોને એકસાથે મોત ભરખી ગયું. એટલું ઓછું હોય તેમ, વળી એક પછી બીજી આફતો તેમના માથે આવી પડી. તેમણે કહ્યું: “મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ; મારા જીવની વેદનાએ હું બોલીશ.” (અયૂબ ૧:૨, ૧૮, ૧૯; ૧૦:૧) અયૂબ પોતાના દુઃખને મનમાં કેદ કરી શક્યા નહિ. તે બહાર ઠાલવી દઈને પોતાનું હૈયું હળવું કરવા માંગતા હતા. એટલે તેમણે ‘બોલવું જ’ પડ્યું! શેક્સપીયરે મૈકબેથ નામની એક વાર્તામાં લખ્યું: ‘દુઃખને શબ્દોની નદીમાં વહી જવા દો; નહિ તો તમે પોતે દુઃખોના સાગરમાં ડૂબી જશો.’

તેથી, તમારી લાગણી સમજીને ધીરજથી સાંભળે, એવા ‘સાચા મિત્ર’ સાથે વાત કરો. (નીતિવચનો ૧૭:૧૭, IBSI) ઘણી વખત વાત કરવાથી તમે પોતાને વધારે સારી રીતે સમજી શકશો અને તમને મનની શાંતિ મળશે. કદાચ તમારા મિત્ર સાથે વાત કરતા કરતા જાણવા મળે કે તેમણે પણ એવો જ અનુભવ કર્યો હતો. તેમના અનુભવમાંથી તમને હિંમત મળી શકે. બાળકના મરણના ગમમાં ડૂબેલી એક મા જણાવે છે: “મારી સખીના દુઃખનો પણ કોઈ પાર ન હતો. પરંતુ, તે ધીમે ધીમે એ સહન કરતા શીખી અને હવે પહેલાં જેવું જીવન જીવે છે. તેની સાથે વાત કરીને મને હિંમત મળી.”

પણ તમે બીજા કોઈ સામે પોતાનું દુઃખ ઠાલવી શકતા ન હોય તો શું? દાઊદનો વિચાર કરો. જ્યારે શાઊલ અને યોનાથાન માર્યા ગયા, ત્યારે દાઊદ દુઃખી દુઃખી થઈ ગયા. તેમણે પોતાનું દુઃખ એક ગીતમાં રેડ્યું. એ ગીત આપણને બીજા શમૂએલમાં વાંચવા મળે છે. (૨ શમૂએલ ૧:૧૭-૨૭; ૨ કાળવૃત્તાંત ૩૫:૨૫) આજે પણ કેટલાક લોકો એમ જ કરે છે. એક વિધવાએ જણાવ્યું કે તે પોતાની લાગણીઓ પેપર પર ટપકાવી લેતા. પછી થોડા દિવસ રહીને, એ વાંચતા. આ રીતે ધીમે ધીમે તેમનું દુઃખ હળવું થયું.

તમારી લાગણીઓ વિષે તમે વાત કરો કે લખો, પણ એ મનમાંથી બહાર કાઢશો, તો જ દુઃખ હળવું થઈ શકશે. વળી, કોઈ ગેરસમજ હોય તો એ પણ દૂર કરવી જોઈએ. બાળકના મરણનો શોક કરી રહેલી એક મા કહે છે: “બાળકની ખોટને કારણે ઘણા પતિ-પત્ની ગુસ્સે થાય છે. એકબીજા પર દોષનો ટોપલો ઢોળી દે છે. અરે, અમુક તો છૂટાછેડા પણ લઈ લે છે. અમે એવું કંઈ કરવા માંગતા ન હતા. તેથી અમને ક્યારેક ગુસ્સો આવે તોપણ, અમે વાત કરી લેતા. આમ, અમે એકબીજાના વધારે સારા દોસ્ત બન્યા.” આ રીતે બીજાઓ આગળ તમારું દિલ ઠાલવીને, તમે જોશો કે તમારી જેમ તેઓ પણ દુઃખી છે. ખરું કે દરેક પોતપોતાની રીતે શોક કરે છે.

પેટ ભરીને રડી લો. બાઇબલ કહે છે: “રડવાનો વખત” પણ હોય છે. (સભાશિક્ષક ૩:૧,) મરણ આપણા દિલોજાનને ઝૂંટવી જાય ત્યારે આપણને પોક મૂકીને રડવાનું મન થાય છે. એમાં કંઈ જ ખોટું નથી, એનાથી તો દિલનું દુઃખ હળવું થાય છે.

એક યુવતીનો વિચાર કરો. તેણે માની મમતા ગુમાવી ત્યારે, તેની ખાસ સહેલીએ બહુ જ મદદ કરી. એ યુવતી કહે છે: “મારી બહેનપણી મારી સાથે ને સાથે જ રહેતી. તે મારા દુઃખમાં દુઃખી હતી. હું રડી પડતી ત્યારે તેની આંખો પણ છલકાઈ જતી. હું તેની સાથે વાતો કરતા કે રડતા શરમાતી નહિ. મને ચિંતા ન હતી કે તેને કેવું લાગશે. હું મારી લાગણી છૂટથી બહાર કાઢી શકતી હતી.” (રૂમી ૧૨:૧૫ જુઓ.) ઈસુ ખ્રિસ્ત પણ રડ્યા હતા. બીજા ઘણા ઈશ્વર ભક્તો પણ પોક મૂકીને રડ્યા હતા, અને શોક કર્યો હતો. એટલે તમને પણ રડવું હોય તો, પેટ ભરીને રડી લો.—ઉત્પત્તિ ૫૦:૩; ૨ શમૂએલ ૧:૧૧, ૧૨; યોહાન ૧૧:૩૩, ૩૫.

વળી, એમ પણ બની શકે કે ગમે ત્યારે તમારી આંખો ભરાઈ આવે. એક બહેનનો વિચાર કરો. તે કાયમ પોતાના પતિ સાથે જ બજારમાં જતી હતી. પરંતુ, વિધવા બન્યા પછી, જ્યારે તે બજારમાં જતી ત્યારે અચાનક જ રડી પડતી. શા માટે? તે અજાણતા જ પોતાના પતિની મનગમતી વસ્તુ લેવા માંડતા. તેથી, જો તમને આવું થતું હોય તો હિંમત રાખો. તમારા આંસુ પી ન જાવ. રડવામાં કંઈ ખોટું નથી, પણ એ બહુ જ જરૂરી છે.

પોતાનો જ દોષ દેખાય તો શું?

આપણે જોઈ ગયા તેમ, અમુક જણ કોઈના મરણ માટે પોતાને દોષ આપતા હોય છે. તેઓની એ લાગણી તેઓને અંદરથી ઊધઈની જેમ કોતરી ખાય છે. ઈશ્વરભક્ત યાકૂબને પણ એવું જ લાગ્યું હતું. ચાલો આપણે બાઇબલમાંથી તેમના વિષે જોઈએ. યાકૂબે પોતાના પ્રાણ-પ્યારા દીકરા યુસફને એક કામ કરવા મોકલ્યો હતો. પરંતુ, જ્યારે તેમને ખબર પડી કે “કોઈ રાની પશુએ” યુસફને ફાડી ખાધો છે ત્યારે તેમનું કાળજું કપાઈ ગયું હશે. તેમનું મન વારંવાર ડંખતું હશે કે ‘મેં શા માટે યુસફને એકલો મોકલ્યો? મને ખબર હતી કે એ બાજુ તો જંગલી જાનવરો છે.’—ઉત્પત્તિ ૩૭:૩૩-૩૫.

તમને પણ એવું જ લાગી શકે કે ‘એ મારો જ વાંક હતો. મેં વધારે ધ્યાન રાખ્યું હોત તો, આમ ન થાત.’ ભલે તમારો દોષ હોય કે તમને ફક્ત એવું લાગતું હોય, છતાં પણ એ વિષે વાત કરવાથી મદદ મળી શકે. આવું દુઃખ મનમાં ભરી ન રાખો. તમારું હૈયું કોઈની આગળ ઠાલવો, એનાથી તમારું મન હળવું થશે.

જોકે, એક વાત સો ટકા સાચી છે: ભલે આપણે કોઈને દિલોજાનથી ચાહતા હોઈએ, આપણે તેઓને મોતના મોંમાંથી બચાવી શકતા નથી. આપણે કોઈ પણ એકબીજા પર આવી પડતી અણધારી આફત રોકી શકતા નથી! (સભાશિક્ષક ૯:૧૧) સંજોગો પ્રમાણે તમે જે કર્યું એ તેઓના ભલા માટે જ હતું. દાખલા તરીકે, શું તમે જાણી-જોઈને ડૉક્ટરને ન બોલાવ્યા, જેથી તે વ્યક્તિ વધારે બીમાર થઈને ગુજરી જાય? જરાય નહિ! તમે બને તેમ ડૉક્ટરને જલદી બોલાવ્યા હશે. તો પછી, જો તમારું કોઈ સગું-વહાલું મોતની નીંદરમાં ઊંઘી જાય, તો શું એ ખરેખર તમારો વાંક છે? ના.

એક માની લાડલી દીકરી કાર ઍક્સિડન્ટમાં મરણ પામી. તે કહે છે: “મેં તેને બજારમાં શોપીંગ કરવા મોકલી હતી, એટલે મને લાગ્યું કે એ મારો જ વાંક હતો. પરંતુ . . . તે તો તેના પપ્પા સાથે બજારમાં ગઈ હતી. હા, એ સંજોગો જ એવા બન્યા કે ભયંકર અકસ્માત તેને ઝૂંટવી ગયો.”

તમે કહેશો કે ‘કાશ, મેં આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો સારું થાત.’ પરંતુ, આપણામાંનું કોણ ભૂલ નથી કરતું? બાઇબલ જણાવે છે: “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે.” (યાકૂબ ૩:૨; રૂમી ૫:૧૨) તેથી, આપણે સર્વ ભૂલ તો કરવાના જ. તમે પોતાને માથે જ દોષ મૂક્યા કરશો તો, તમે શોકમાંથી બહાર આવવાને બદલે એમાં ડૂબતા જ જશો.

જોકે, હકીકતમાં તમારો જ વાંક હોય તો શું? તમને શું મદદ કરી શકે? બાઇબલ ગેરંટી આપે છે: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે? પરંતુ તારી પાસે માફી છે.” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪) હા, પરમેશ્વરની માફી માગો. જે બની ગયું એને આપણે બદલી શકવાના નથી. પણ આપણે ખરા દિલથી પસ્તાવો કરીને, પરમેશ્વરની માફીની ભીખ માંગી શકીએ. જો પરમેશ્વર પોતે તમારા પાપ માફ કરીને તમારું જીવન ચોખ્ખા સોના જેવું કરવા તૈયાર હોય, તો શું તમારે પોતાને માફી આપવી ન જોઈએ?—નીતિવચનો ૨૮:૧૩; ૧ યોહાન ૧:૯.

ગુસ્સો કાબૂમાં રાખવો

શું તમને ડૉક્ટર કે નર્સ પર ગુસ્સો આવે છે? મિત્રો પર, અરે મરણ પામેલી વ્યક્તિ પર પણ ગુસ્સો આવે છે? આપણે કોઈ વહાલી વ્યક્તિને ગુમાવીએ ત્યારે, એની ખોટને કારણે ગુસ્સો આવે એમાં નવાઈ નથી. એક લેખકે લખ્યું: ‘ગુસ્સો આવે તોપણ શાંત રહેવાની કોશિશ કરો. જેમ-તેમ કંઈ કરવા ન માંડો. નહિ તો તમે જ વધારે દુઃખી થશો.’

મનમાંથી ગુસ્સો બહાર કાઢવા, બીજા કોઈ સાથે વાત કરવી જરૂરી છે. પરંતુ, જેમ-તેમ બોલી જવું નહિ, કેમ કે એનાથી વધારે મનદુઃખ થાય છે. બાઇબલ ચેતવણી આપે છે કે લાંબા સમય સુધી મનમાં ભરી રાખેલો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટે છે. (નીતિવચનો ૧૪:૨૯, ૩૦) કેટલાકને ખાસ મિત્ર સાથે વાત કરીને મદદ મળી છે. તો વળી, કેટલાકને ઘરની બહાર થોડી વાર હરવા-ફરવાથી કે અમુક કસરત કરવાથી પણ ગુસ્સો શાંત કરવા મદદ મળી છે.—એફેસી ૪:૨૫, ૨૬ પણ જુઓ.

ખરું કે હૃદયનો ઊભરો ઠાલવવો જરૂરી છે, પણ સાથે સાથે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમારો ગુસ્સો બીજા પર ઢોળી ન દો. જાણે ઝેર કાઢતા હોય એ રીતે ગુસ્સો ન બતાવો. (નીતિવચનો ૧૮:૨૧) આવા સમયે દુઃખ પર જીત મેળવવાની એક ખાસ રીત છે. એની ચર્ચા હવે આપણે કરીશું.

દુખિયાનો બેલી ઈશ્વર

બાઇબલ જણાવે છે: ‘નિરાશામાં ડૂબેલાની પાસે પ્રભુ ધાય, ભાંગી પડેલા જનોનો પોતે ભેરુ [સાથી] થાય.’ (સ્તોત્રસંહિતા ૩૪:૧૮, સંપૂર્ણ બાઇબલ) ખરેખર, મરણ આપણા કોઈ સગાં-વહાલાને ઝૂંટવી લે, એવા સમયે પરમેશ્વરનો સહારો ટકાવી રાખે છે. અત્યાર સુધી આપણને જે સૂચનો મળ્યાં, એ પરમેશ્વરની સલાહ છે. એ પાળવાથી આપણને ખૂબ જ મદદ મળી શકે.

વળી, પ્રાર્થના દ્વારા આપણે પરમેશ્વર સાથે ચોવીસે કલાક વાતચીત કરી શકીએ. બાઇબલ અરજ કરે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આવા સમયે આપણે એકબીજાને મદદ આપવા કંઈ પણ કરવા તૈયાર થઈએ છીએ. તો પછી ‘સર્વ દિલાસાના દેવ’ તો એનાથી કેટલી વધારે મદદ કરશે!—૨ કોરીંથી ૧:૩.

પ્રાર્થના કરવાથી આપણું મન હળવું થાય છે. સાથે સાથે “પ્રાર્થનાના સાંભળનાર” યહોવાહ, આપણને શક્તિ પણ આપે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨; લુક ૧૧:૧૩) પરમેશ્વરની શક્તિ આપણને આ દુઃખનો દરિયો પાર કરવા જરૂર મદદ કરશે. (૨ કોરીંથી ૪:૭) ખરેખર, પરમેશ્વર પોતાના સેવકોને ગમે એવી મુશ્કેલીમાં આશરો આપશે!

એક મમ્મી-પપ્પાએ પોતાની દીકરી ગુમાવી. તેઓને કઈ રીતે મદદ મળી એ વિષે મમ્મી કહે છે: “કોઈ કોઈ વાર રાત્રે એની યાદ એટલી સતાવતી કે અમારી ઊંઘ ઊડી જતી. ત્યારે, અમે મોટેથી યહોવાહને પોકારી ઊઠતા. અમે સાથે ને સાથે જ બધે જતા હતા. એટલે અમારી વહાલી દીકરી વગર પહેલી મિટિંગ અને સંમેલનમાં જવું બહુ જ કઠિન હતું. તેથી, અમે હિંમત માટે યહોવાહને પ્રાર્થના કરતા. સવારે ઊઠીએ એટલે તેની ખોટ સાલે. તરત જ અમે યહોવાહને પ્રાર્થના કરતા. હું ઘરમાં એકલી પડું ત્યારે ઘર જાણે મને ખાવા દોડતું. તેથી, હું યહોવાહને પ્રાર્થના કરતી. આમ, અમને હિંમત અને મનની શાંતિ મળતી.” આ બહેન પોતાના અનુભવથી કહે છે કે પ્રાર્થનાથી તેઓને ખરેખર મદદ મળી છે. તમે પણ વારંવાર પ્રાર્થના કરીને અનુભવી શકો કે ‘દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૬, ૭; રૂમી ૧૨:૧૨.

પ્રેષિત પાઊલે પણ જણાવ્યું: ઈશ્વર “અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.” પરમેશ્વર આપણું દુઃખ લઈ નથી લેતા, પણ એ સહન કરવાની શક્તિ જરૂર આપે છે. એનો અર્થ એવો નથી કે તમને રડવું નહિ આવે કે તમે એ વ્યક્તિને સાવ ભૂલી જશો. પરંતુ, પરમેશ્વરની મદદથી તમે દુઃખ પર કાબૂ મેળવી શકશો. વળી, તમારા અનુભવથી તમે બીજાઓને પણ હમદર્દી બતાવી શકશો.—૨ કોરીંથી ૧:૪.

આ પ્રશ્નો વિચારો

તમારે શા માટે શોક કરવો જોઈએ?

કઈ રીતે તમે દુઃખ હળવું કરી શકો?

પોતાનો જ વાંક લાગે કે ગુસ્સો ચડે તો, બાઇબલ કઈ રીતે મદદ કરી શકે?

પરમેશ્વરનો સાથ કઈ રીતે તમને મદદ કરી શકે?

દુઃખ હળવું કરવા બીજું શું કરી શકાય?

[પાન ૧૮ પર બોક્સ]

જીવનની સફરમાં આગળ વધો

મિત્રોનો સહારો લો: કદાચ મિત્રોને સૂઝ નહિ પડે કે તમને કઈ રીતે દિલાસો આપી શકે. પરંતુ, હમદર્દી બતાવવા તેઓ મદદ કરવા માંગે તો, ‘ના, ના,’ ન કહો. પરંતુ, તેઓને કરવા દો. આવી રીતે તેઓ તમને પ્રેમ બતાવે છે.—નીતિવચનો ૧૮:૨૪.

તમારી તબિયત સંભાળો: શરૂઆતમાં તમને નબળાઈ આવી શકે. તેથી, તમને પૂરતો આરામ અને પૂરતા ખોરાકની જરૂર છે. તેમ જ, શક્ય એટલું હરવા-ફરવાનું રાખો. વળી, તમારા ડૉક્ટર પાસે ચેક-અપ પણ કરાવતા રહો.

મોટા મોટા નિર્ણયો તરત જ ન લો: આવા સમયે તમે ઘર વેચવા કે નોકરી બદલવા જેવા મોટા નિર્ણયો ન લો. (નીતિવચનો ૨૧:૫) એક વિધવા કહે છે: ‘મારા પતિના મરણ પછી, મેં તેમની ઘણી બધી વસ્તુઓ બીજાઓને આપી દીધી. પણ પછીથી મને ખ્યાલ આવ્યો કે હું મારા વહાલા પતિની પ્રિય નિશાનીઓ ગુમાવી બેઠી હતી.’

ધીરજ રાખો: ઘણા લાંબો સમય શોક કરે છે, ઘણા થોડો સમય. કોઈ પણ પ્રસંગે એ વ્યક્તિની યાદો તાજી થઈ જાય છે. વળી ફોટા, ગીતો, અમુક વાતોને લીધે પણ આંખમાંથી આંસુ વહેવા લાગે. એક (સાઇકોલૉજિસ્ટ) ડૉક્ટર કહે છે: ‘શોકમાં ડૂબેલી વ્યક્તિની લાગણીમાં ચઢાવ-ઉતાર આવી શકે. એક બાજુ તે યાદો ભૂલવાનો પ્રયત્ન કરે, તો વળી બીજી બાજુ લાંબા સમય સુધી અમુક યાદો મનમાં સંઘરી રાખે.’ આવા સમયે પણ યહોવાહનાં વચનોનો સહારો લઈને એના પર મનન કરો.—ફિલિપી ૪:૮, ૯.

બીજાઓને ધીરજ બતાવો: તમારા સગાં-વહાલાં, મિત્રોને સૂઝ પડતી ન હોય શકે કે શું કહેવું અને શું ન કહેવું. જો તેઓ એવું કંઈ કહી બેસે, જેનાથી બળતામાં ઘી રેડાય, તો ધીરજ રાખો અને ખોટું ન લગાડો.—કોલોસી ૩:૧૨, ૧૩.

દવા કે દારૂનો સહારો ન લો: દવા કે દારૂ કંઈ દુઃખ દૂર કરી શકતા નથી. જો ડૉક્ટર સલાહ આપે તો જ દવા લેવી જોઈએ. તેમ છતાં, ધ્યાન રાખો. ઘણી દવાઓ એવી હોય છે કે જેની લતે ચડી જવાય. એનાથી તો તમે ઊલમાંથી ચુલમાં પડશો. એક ડૉક્ટર ચેતવે છે: “જીવનમાં આવા કપરા સમયે દુઃખનો દરિયો પાર કરવા સિવાય છૂટકો જ નથી. દુઃખથી દૂર ભાગવા દવા-દારૂની આદત તો વધારે મુશ્કેલીમાં મૂકી દઈ શકે. વળી, કોઈને દવાની આડ-અસર પણ થઈ શકે છે.” યહોવાહનાં જીવંત વચનો પર મનન કરવાથી મૂરઝાયેલા જીવનમાં શક્તિ આવશે.—ગીતશાસ્ત્ર ૧:૨; ૧૧૯:૯૭.

રોજ-બ-રોજના કામમાં લાગી જાવ: તમને પહેલાં પહેલાં તો નોકરી પર જવાનું, શોપીંગ કરવાનું કે બીજું કંઈ પણ કરવાનું મન નહિ થાય. પરંતુ રોજ-બ-રોજના કામમાં બીઝી રહેવાથી તમને સારું લાગશે. તેમ જ બીજાને પરમેશ્વરના ભક્ત બનવા મદદ કરવાથી, તમારા જીવનને મહત્ત્વનો હેતુ મળશે.—૧ કોરીંથી ૧૫:૫૮.

દુઃખ હળવું થવા દો: અમુકને લાગે કે હવે દુઃખ ઓછું થતું લાગે છે તો, ગુજરી જનાર માટેનો પોતાનો પ્રેમ પણ ઓછો થઈ રહ્યો છે. પરંતુ, એમ માનીને ચિંતા ન કરો. એને બદલે, મનમાંથી દુઃખ દૂર થવા દેવાથી તો ગુજરી જનારની મીઠી યાદો આવી શકશે.—સભાશિક્ષક ૩:૧,.

ખોટી ચિંતા ન કરો: પરંતુ, શું તમને ચિંતા થાય છે કે ‘હવે મારું શું થશે?’ એક વિધવા બહેન કહે છે: “મારે માટે તો આજ માટે વિચારવું જ પૂરતું છે, કાલની વાત કાલે.” ઈસુએ પણ કહ્યું: “આવતી કાલને સારૂં ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.”—માત્થી ૬:૨૫-૩૪.

[પાન ૧૫ પર ચિત્ર]

બાઇબલમાં અનુભવો બતાવે છે કે પોતાની લાગણીઓ લખી લેવાથી, ધીમે ધીમે દુઃખ હળવું થઈ શકે છે

[પાન ૧૬ પર ચિત્ર]

દરેક સમાજમાં દુઃખમાં ડૂબેલાને દિલાસાની જરૂર પડે છે