સ્કીપ ટુ કન્ટેન્ટ

પ્રમુખ દૂત મિખાયેલ કોણ છે?

પ્રમુખ દૂત મિખાયેલ કોણ છે?

શાસ્ત્રમાંથી જવાબ

 સ્વર્ગમાં ઈસુ મિખાયેલ તરીકે ઓળખાય છે. a પૃથ્વી પર આવ્યા એ પહેલાં અને સ્વર્ગમાં ગયા એ પછી તેમને આ નામથી બોલાવવામાં આવે છે. મિખાયેલને કેટલાક ખ્રિસ્તીઓ “સંત મિખાયેલ” તરીકે પણ ઓળખે છે. મૂસાના મરણ પછી મિખાયેલ અને શેતાન વચ્ચે ઘણી દલીલો થઈ હતી. તેમણે એક સ્વર્ગદૂતની પણ મદદ કરી હતી, જેથી તે ઈશ્વરનો સંદેશો દાનિયેલ પ્રબોધક સુધી પહોંચાડી શકે. (દાનિયેલ ૧૦:૧૩, ૨૧; યહૂદા ૯) મિખાયેલ નામનો અર્થ થાય, “ઈશ્વર જેવું કોણ છે?” એ નામ તેમના માટે એકદમ યોગ્ય છે. શા માટે? કારણ કે, તે ઈશ્વરના રાજ કરવાના હક માટે લડે છે અને ઈશ્વરના દુશ્મનો સામે પણ લડે છે.—દાનિયેલ ૧૨:૧; પ્રકટીકરણ ૧૨:૭.

 ચાલો જોઈએ કે ઈસુને પ્રમુખ દૂત મિખાયેલ કહેવું કેમ યોગ્ય છે.

  •   મિખાયેલ “પ્રમુખ દૂત” છે. (યહૂદા ૯) બાઇબલની ફક્ત બે કલમોમાં આ ખિતાબ જોવા મળે છે. બંને જગ્યાએ એ શબ્દો એકવચનમાં છે. એનાથી ખબર પડે છે કે એ ખિતાબ ફક્ત એક દૂતને આપવામાં આવ્યો છે. એમાંની એક કલમ કહે છે કે માલિક ઈસુને જીવતા કરવામાં આવ્યા પછી, તે ‘પ્રમુખ દૂતના અવાજથી પોકાર કરતાં કરતાં સ્વર્ગમાંથી આવશે.’ (૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૬) અહીં ઈસુના અવાજને ‘પ્રમુખ દૂતનો અવાજ’ કહેવામાં આવ્યો છે. એ બતાવે છે કે તે જ પ્રમુખ દૂત મિખાયેલ છે.

  •   મિખાયેલ પાસે સ્વર્ગદૂતોની મોટી સેના છે. “મિખાયેલ અને તેમના દૂતોએ અજગર [એટલે, શેતાન] સામે યુદ્ધ કર્યું.” (પ્રકટીકરણ ૧૨:૭) બાઇબલમાં મિખાયેલને ‘મુખ્ય આગેવાનોમાંના એક’ કહેવામાં આવ્યા છે. એટલું જ નહિ, તેમને “મુખ્ય આગેવાન” પણ કહેવામાં આવ્યા છે. એ બતાવે છે કે બીજા દૂતો કરતાં તેમની પાસે વધારે અધિકાર છે. (દાનિયેલ ૧૦:૧૩, ૨૧; ૧૨:૧) બાઇબલના નવા કરારના એક નિષ્ણાંત ડેવિડ ઈ. ઑને કહ્યું, એ ખિતાબોથી ખબર પડે છે કે મિખાયેલ “સ્વર્ગદૂતોની સેનાના સેનાપતિ છે.”

     બાઇબલ પ્રમુખ દૂતનું બીજું એક નામ પણ જણાવે છે: “માલિક ઈસુ અગ્‍નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે.” (૨ થેસ્સાલોનિકીઓ ૧:૭, ૮; માથ્થી ૧૬:૨૭) “ખ્રિસ્ત હમણાં સ્વર્ગમાં ગયા છે અને . . . દૂતો, અધિકારો અને સત્તાઓ તેમને આધીન કરવામાં આવ્યાં છે.” (૧ પિતર ૩:૨૧, ૨૨) શું ઈસુ અને મિખાયેલ બંનેને ઈશ્વરે પ્રમુખ દૂત બનાવ્યા હશે, જેથી તેઓ એકબીજાની સામે થાય? ના, એવું ન બની શકે. એટલે એ કહેવું યોગ્ય કહેવાશે કે ઈસુ અને મિખાયેલ બંને એક જ વ્યક્તિ છે.

  •   “આફતનો સમય આવશે” ત્યારે મિખાયેલ “ઊભો થશે.” (દાનિયેલ ૧૨:૧) “ઊભો થશે” એ શબ્દો દાનિયેલના પુસ્તકમાં મોટા ભાગે એવા સમયે વાપરવામાં આવતા, જ્યારે રાજાઓ કોઈ મોટું પગલું ભરવાના હોય. (દાનિયેલ ૧૧:૨-૪, ૨૧) ઈસુ ખ્રિસ્ત જે “ઈશ્વરનો શબ્દ” છે, તે “રાજાઓના રાજા” તરીકે જલદી જ ઈશ્વરના દુશ્મનો વિરુદ્ધ પગલાં ભરશે અને ઈશ્વરના લોકોને બચાવશે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬) તે એવું ક્યારે કરશે? જ્યારે “મોટી વિપત્તિ આવશે” ત્યારે તે પગલાં ભરશે. એ વિપત્તિ ‘દુનિયાની શરૂઆતથી હમણાં સુધી કદી થઈ નથી.’—માથ્થી ૨૪:૨૧, ૪૨.

a બાઇબલમાં ઘણા લોકોને એકથી વધારે નામ આપ્યાં હતાં. જેમ કે, યાકૂબ (જેને ઇઝરાયેલ કહેવામાં આવ્યો હતો), પિતર (જેને સિમોન કહેવામાં આવ્યો હતો) અને થદ્દી (જેને યહૂદા કહેવામાં આવ્યો હતો).—ઉત્પત્તિ ૪૯:૧, ૨; માથ્થી ૧૦:૨, ૩; માર્ક ૩:૧૮; પ્રેરિતોનાં કાર્યો ૧:૧૩.