સ્કીપ ટુ કન્ટેન્ટ

શું આ પૃથ્વીનો નાશ થઈ જશે?

શું આ પૃથ્વીનો નાશ થઈ જશે?

શાસ્ત્રમાંથી જવાબ

 ના. પૃથ્વીનો કદી નાશ નહિ થાય. એનો કદી અગ્‍નિથી નાશ નહિ થાય કે એની જગ્યાએ બીજો કોઈ ગ્રહ બનાવવામાં નહિ આવે. બાઇબલમાં જણાવ્યું છે કે માણસો પૃથ્વી પર હંમેશ માટે જીવે એ માટે ઈશ્વરે પૃથ્વી બનાવી છે.

  •   “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

  •   “[ઈશ્વરે] પૃથ્વીને એના પાયાઓ પર અડગ રાખી છે. પૃથ્વીને એની જગ્યાએથી સદાને માટે ખસેડી શકાશે નહિ.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૫.

  •   “પૃથ્વી કાયમ ટકી રહે છે.”—સભાશિક્ષક ૧:૪.

  •   ‘સાચા ઈશ્વરે પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી. તેમણે એને કંઈ એમ જ બનાવી નથી, પણ વસ્તીને માટે બનાવી છે.’—યશાયા ૪૫:૧૮.

શું માણસો પૃથ્વીનો નાશ કરશે?

 કદાચ એવું લાગી શકે કે માણસો પ્રદૂષણ, યુદ્ધો અથવા બીજી કોઈ રીતે પૃથ્વીનો નાશ કરી દેશે, પણ ઈશ્વર તેઓને એવું કરવા નહિ દે. તે તો ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરશે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮) એવું તે કઈ રીતે કરશે?

 માણસોની સરકારો પૃથ્વીનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. પણ ઈશ્વર એ સરકારોને દૂર કરશે અને પોતાનું રાજ્ય સ્થાપશે. એ રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરશે અને એની રાજ કરવાની રીત સૌથી ઉત્તમ હશે. (દાનિયેલ ૨:૪૪; માથ્થી ૬:૯, ૧૦) એ રાજ્યના રાજા ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત હશે. (યશાયા ૯:૬, ૭) પૃથ્વી પર હતા ત્યારે, ઈસુએ ચમત્કારો કરીને બતાવ્યું હતું કે પૃથ્વીના પરિબળો પર તેમનો કાબૂ હતો. (માર્ક ૪:૩૫-૪૧) ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ આ પૃથ્વી પર રાજ કરશે ત્યારે, પૃથ્વી અને એના પરિબળો પર તેમનો પૂરેપૂરો કાબૂ હશે. તે પૃથ્વીની હાલત સુધારીને એને નવી બનાવશે. તે ધરતીની રોનક પાછી લાવશે અને એને એદન બાગ જેવી સુંદર બનાવશે.—માથ્થી ૧૯:૨૮; લૂક ૨૩:૪૩.

શું બાઇબલ નથી શીખવતું કે પૃથ્વીને અગ્‍નિથી બાળી નાખવામાં આવશે?

 ના, બાઇબલ એવું નથી શીખવતું. એ ગેરસમજ ઊભી થવાનું કારણ એ છે કે લોકો ૨ પિતર ૩:૭ના શબ્દો સારી રીતે સમજતા નથી. ત્યાં લખ્યું છે, “હાલનાં આકાશો અને પૃથ્વીને અગ્‍નિથી નાશ કરવા રાખી મૂક્યાં છે.” એ કલમના શબ્દોનો ખરો અર્થ જાણવા, ચાલો બે મુખ્ય મુદ્દા પર ધ્યાન આપીએ:

  1.  ૧. બાઇબલમાં “આકાશો,” ‘પૃથ્વી’ અને ‘અગ્‍નિ’ એક કરતાં વધારે બાબતોને રજૂ કરે છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૩૩:૮ કહે છે, “આખી પૃથ્વી યહોવાનો ડર રાખે.” અહીં “પૃથ્વી” માણસોને રજૂ કરે છે.

  2.  ૨. બીજો પિતર ૩:૭ની આગળ-પાછળની કલમોથી આકાશો, પૃથ્વી અને અગ્‍નિનો ખરો અર્થ જાણવા મળે છે. કલમ ૫ અને ૬માં નૂહના સમયમાં આવેલા પૂર વિશે જણાવ્યું છે. એ સમયે પૂરથી “પૃથ્વી”નો, એટલે કે દુષ્ટ લોકોનો નાશ થયો હતો, પૃથ્વી ગ્રહનો નહિ. (ઉત્પત્તિ ૬:૧૧) એ સમયે “આકાશો,” એટલે કે માણસો પર રાજ કરનારાઓનો પણ નાશ થયો હતો. આમ, પૂરથી દુષ્ટ લોકોનો નાશ થયો, પૃથ્વી ગ્રહનો નહિ. એ પૂરમાં નૂહ અને તેનું કુટુંબ બચી ગયું અને તેઓથી પૃથ્વી પર વસ્તી થઈ.—ઉત્પત્તિ ૮:૧૫-૧૮.

 જેમ પૂરથી દુષ્ટ લોકોનો નાશ થયો હતો, તેમ ૨ પિતર ૩:૭માં જણાવેલા “અગ્‍નિથી” દુષ્ટ લોકોની દુનિયાનો નાશ થશે, પૃથ્વી ગ્રહનો નહિ. ઈશ્વરે વચન આપ્યું છે કે ‘નવાં આકાશ અને નવી પૃથ્વી’ હશે, “જ્યાં ચારે બાજુ સત્ય હશે.” (૨ પિતર ૩:૧૩) “નવી પૃથ્વી” એટલે કે માણસોના નવા સમાજ પર “નવું આકાશ” એટલે કે ઈશ્વરનું રાજ્ય રાજ કરશે. એ રાજમાં આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવામાં આવશે.—પ્રકટીકરણ ૨૧:૧-૪.