સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ જીવન સુધારે છે

મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા

મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા
  • જન્મ: ૧૯૮૭

  • દેશ: અઝરબૈજાન

  • પહેલાં કેવા હતા: મુસ્લિમ પિતા અને યહુદી માતા

મારો ભૂતકાળ:

અઝરબૈજાનની રાજધાની બકુ શહેરમાં મારો જન્મ થયો હતો. બે બહેનોમાં હું સૌથી નાની હતી. મારા પિતા મુસ્લિમ અને માતા યહુદી હતાં. મારાં માબાપ એકબીજાને પ્રેમ કરતા હોવાથી એકબીજાની માન્યતાને સ્વીકારી હતી. પિતા રમજાનમાં ઉપવાસ કરતા ત્યારે, માતા તેમને મદદ કરતી. એવી જ રીતે, જ્યારે માતા પાસ્ખાપર્વ પાળતી, ત્યારે પિતા તેમને મદદ કરતા. ઘરમાં અમે કુરાન, તોરાહ અને બાઇબલ રાખતા.

હું પોતાને મુસ્લિમ ગણતી. ઈશ્વર છે એવું હું હંમેશાં માનતી. તોપણ, અમુક સવાલો મને મૂંઝવતા હતા. હું વિચારતી કે, ‘ઈશ્વરે શા માટે માણસોને બનાવ્યા? શું વ્યક્તિ કાયમ માટે નરકમાં પીડાવા આખી જિંદગી તકલીફો સહન કરે છે?’ લોકો કહે છે કે, ઈશ્વરની મરજી વગર પાંદડુંયે હલતું નથી. મને થતું કે, ‘શું આપણે ઈશ્વરના હાથની કઠપૂતળીઓ છીએ? આપણને તકલીફો સહન કરતા જોઈને શું તે ખુશ થાય છે?’

હું ૧૨ વર્ષની થઈ ત્યારે, મેં મુસ્લિમની પાંચ પ્રાર્થના એટલે કે નમાઝ પઢવાનું શરૂ કર્યું. લગભગ એ જ સમયમાં મારા પિતાએ મને અને મારી બહેનને યહુદી શાળામાં ભણવા મોકલ્યાં. અમને બીજા વિષયોની સાથે તોરાહના રિવાજો અને હેબ્રુ ભાષા પણ શીખવવામાં આવતાં. ક્લાસ શરૂ થતા પહેલાં અમારે યહુદી વિધિ પ્રમાણે પ્રાર્થના કરવી પડતી. તેથી, હું સવારે ઘરમાં નમાઝ પઢતી અને દિવસે શાળામાં યહુદીઓની પ્રાર્થનામાં જોડાતી.

હું મારા સવાલોના જવાબ શોધવા માંગતી હતી. એટલે, શાળામાં યહુદી શિક્ષકોને વારંવાર પૂછતી: “ઈશ્વરે શા માટે માણસોનું સર્જન કર્યું? ઈશ્વર મારા મુસ્લિમ પિતા વિશે કેવું વિચારે છે?” અમુક જવાબો મળ્યા પણ એ સમજાય એવા ન હતા અને મને એનાથી સંતોષ ના થયો.

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

૨૦૦૨માં ઈશ્વર પરથી મારો ભરોસો ઊઠી ગયો. અમે જર્મનીમાં રહેવા ગયા એના એક જ અઠવાડિયામાં મારા પિતાને સ્ટ્રોક આવ્યો. તે કોમામાં સરી પડ્યા. હું વર્ષોથી મારા કુટુંબની સારી તંદુરસ્તી અને સલામતી માટે પ્રાર્થના કરતી. હું માનતી કે, ફક્ત સર્વશક્તિમાન ઈશ્વરના હાથમાં જીવન અને મરણ છે. એટલે, હું મારા પિતાની જિંદગી માટે દરરોજ ઈશ્વરને આજીજી કરતી. હું વિચારતી કે, ‘નાની છોકરીની દિલની ઇચ્છા પૂરી કરવી ઈશ્વર માટે ચપટીનું કામ છે.’ મને પૂરી ખાતરી હતી કે, ઈશ્વર મારી પ્રાર્થનાનો જવાબ આપશે. પરંતુ, મારા પિતાનું મરણ થયું.

ઈશ્વરની નજરે આપણી કોઈ કિંમત નથી એનાથી હું પડી ભાંગી. મને થતું કે ‘હું ખોટી રીતે પ્રાર્થના કરું છું કે પછી, ઈશ્વરનું કોઈ અસ્તિત્વ જ નથી.’ મને એટલો આઘાત લાગ્યો કે, મેં નમાઝ પઢવાનું બંધ કરી દીધું. બીજો કોઈ ધર્મ યોગ્ય ન લાગતા હું માનવા લાગી કે, ઈશ્વર છે જ નહિ.

છ મહિના પછી, મારા ઘરે યહોવાના સાક્ષીઓ આવ્યા. અમને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આદર ન હતો. મારી બહેન અને હું પ્રેમથી બતાવવા માંગતા હતા કે તેઓ ખોટા છે. તેથી, અમે તેઓને પૂછ્યું: “દસ આજ્ઞામાં મૂર્તિ પૂજા કરવાની સખત મનાઈ છે. તો ખ્રિસ્તીઓ શા માટે ઈસુ, ક્રોસ, મરિયમ અને બીજી મૂર્તિઓની ભક્તિ કરે છે?” તેઓએ બાઇબલમાંથી પુરાવો આપ્યો કે, સાચા ખ્રિસ્તીઓએ મૂર્તિપૂજા ન કરવી જોઈએ અને ફક્ત ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. એ જાણીને મને ખૂબ નવાઈ લાગી.

પછી અમે તેઓને પૂછ્યું: “ત્રૈક્ય વિશે તમે શું માનો છો? જો ઈસુ જ ઈશ્વર હોય, તો પૃથ્વી પર તે કઈ રીતે રહી શકે અને માણસો તેમને કઈ રીતે મારી નાંખી શકે?” ફરીથી, તેઓએ બાઇબલમાંથી બતાવ્યું કે ઈસુ ઈશ્વર નથી અને તે ઈશ્વર સમાન પણ નથી. એટલે, યહોવાના સાક્ષીઓ ત્રૈક્યમાં માનતા નથી. મને ઘણી નવાઈ લાગી અને હું વિચારવા લાગી કે, ‘આ ખ્રિસ્તીઓ તો સાવ અલગ જ છે.’

મારે જાણવું હતું કે લોકો શા માટે મરણ પામે છે અને ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. તેઓએ મને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે * પુસ્તક આપ્યું. એમાં મારા દરેક સવાલોના જવાબ આપતાં પ્રકરણ હતાં. તેઓએ તરત મને બાઇબલમાંથી શીખવવાનું શરૂ કર્યું.

દરેક બાઇબલ અભ્યાસમાં મને મારા સવાલોના બાઇબલ આધારિત અને સમજી શકાય એવા જવાબ મળ્યા. મને જાણવા મળ્યું કે, ઈશ્વરનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) અને તેમનો મુખ્ય ગુણ પ્રેમ છે. (૧ યોહાન ૪:૮) ઈશ્વરે માણસોને બનાવ્યા કારણ કે, તે માણસોને જીવનની ભેટ આપવા માંગતા હતા. હું સમજી શકી કે ભલે ઈશ્વર અન્યાય ચાલવા દે છે, પરંતુ તે એને સખત નફરત કરે છે અને જલદી જ દૂર કરશે. મને શીખવા મળ્યું કે, આદમ અને હવાના પાપને કારણે માણસોએ ભોગવવું પડે છે. (રોમનો ૫:૧૨) એટલે લોકો મરણ પામે છે. જેમ કે, મારા પિતા મરણ પામ્યા. જોકે, આવનાર નવી દુનિયામાં ઈશ્વર મરણ પામેલા લોકોને સજીવન કરશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા. હવે હું ઈશ્વરમાં ફરી માનવા લાગી. યહોવાના સાક્ષીઓને સારી રીતે ઓળખવાથી મને જોવા મળ્યું કે, તેઓ વચ્ચે સંપ છે. દુનિયા ફરતે તેઓનો પ્રેમ અને સંપ જોઈને હું ઘણી પ્રભાવિત થઈ. (યોહાન ૧૩:૩૪, ૩૫) યહોવા વિશે વધુ શીખવાથી હું તેમની ભક્તિ કરવા પ્રેરાઈ. તેથી, મેં યહોવાના એક સાક્ષી બનવાનું નક્કી કર્યું અને જાન્યુઆરી ૮, ૨૦૦૫માં બાપ્તિસ્મા લીધું.

મને કઈ રીતે ફાયદો થયો:

બાઇબલના સંતોષકારક જવાબોથી મારું જીવન બદલાઈ ગયું. બાઇબલમાંથી જવાબો મળવાથી મને મનની શાંતિ મળી. એમાં વચન આપેલું છે કે, મરણ પામેલાને ફરી જીવતા કરવામાં આવશે. મારા પિતાને ફરી જોઈ શકીશ એ જાણીને મને ઘણો દિલાસો મળ્યો અને ખુશી પણ થઈ.—યોહાન ૫:૨૮, ૨૯.

જોનાથાન સાથે મારા લગ્ન થયાને છ વર્ષ થયા. એ પણ એક યહોવાના સાક્ષી છે અને અમે ઘણા ખુશ છીએ. અમને બંનેને શીખવા મળ્યું કે, ઈશ્વર વિશેનું સત્ય સરળ અને સમજી શકાય એવું છે. પરંતુ, એ સત્ય એક કીમતી ખજાનો પણ છે. તેથી, બીજાઓને અમારી શ્રદ્ધા અને અદ્ભૂત આશા વિશે જણાવતા અમને ઘણી ખુશી થાય છે. હવે હું જાણું છું કે યહોવાના સાક્ષીઓ “સાવ અલગ” નથી, પણ સાચા ખ્રિસ્તીઓ છે. (w૧૫-E ૦૧/૦૧)

^ ફકરો. 15 યહોવાના સાક્ષીઓનું પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.