સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

હું સ્ત્રીઓને અને પોતાને માન આપતા શીખ્યો

હું સ્ત્રીઓને અને પોતાને માન આપતા શીખ્યો
  • જન્મ: ૧૯૬૦

  • દેશ: ફ્રાંસ

  • ભૂતકાળ: હિંસક અને ડ્રગ્સનો બંધાણી, સ્ત્રીઓને માન ન આપનાર

મારા વિશે:

મારો જન્મ ઉત્તરપૂર્વ ફ્રાંસના મુલહાઉસમાં થયો હતો. એ વિસ્તાર શહેરની બહાર હતો અને ત્યાં મહેનત-મજૂરી કરતા લોકો રહેતા હતા. વળી, એ વિસ્તાર હિંસા માટે કુખ્યાત હતો. હું રહેતો હતો એ વિસ્તારનાં કુટુંબો વચ્ચે હિંસા ચાલતી રહેતી હતી. એ યાદોથી મારું બાળપણ ભરેલું છે. અમારા કુટુંબમાં સ્ત્રીઓને નીચી ગણવામાં આવતી અને પુરુષો ભાગ્યે જ તેઓની સલાહ લેતા. મને શીખવવામાં આવ્યું હતું કે સ્ત્રીઓની જગ્યા તો રસોડામાં છે. તેઓનું કામ પુરુષો અને બાળકોની સંભાળ રાખવાનું છે.

મારું બાળપણ સહેલું ન હતું. હું દસ વર્ષનો હતો ત્યારે, મારા પપ્પા પુષ્કળ દારૂ પીવાને લીધે મરણ પામ્યા. પાંચ વર્ષ પછી મારા એક મોટા ભાઈએ આપઘાત કર્યો. એ જ વર્ષે, અમારા કુટુંબમાં અંદરોઅંદર ઝઘડો થવાને લીધે એક ખૂન થયું. એ જોઈને મને ખૂબ આઘાત લાગ્યો. જરૂર પડે ત્યારે હું લડી શકું એ માટે મારા કુટુંબના સભ્યોએ મને ચપ્પુ અને બંદૂક ચલાવવાનું, તેમજ મારામારી કરવાનું શીખવ્યું હતું. આવી જિંદગીને લીધે મેં યુવાનીથી જ દારૂ પીવાનું અને શરીર પર ટેટૂ કરાવવાનું શરૂ કર્યું.

હું ૧૬ વર્ષનો થયો, ત્યાં સુધીમાં તો દિવસની ૧૦થી ૧૫ બોટલ બીયર પીતો હતો. અને મેં ડ્રગ્સ લેવાનું પણ શરૂ કરી દીધું હતું. મારી કુટેવોને સંતોષવા હું ભંગાર ભેગો કરીને વેચતો હતો અને છેવટે ચોરીના રસ્તે પણ ચઢી ગયો. સત્તર વર્ષનો થયો ત્યાં સુધી તો હું જેલમાં પણ જઈ આવ્યો હતો. ચોરી અને મારામારી કરવાને લીધે મને ૧૮ વખત સજા થઈ હતી.

વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે, મારી સ્થિતિ વધારે ખરાબ થઈ. હું મેરીજુઆનાનું ધૂમ્રપાન કરતો, રોજની વીસેક પીતો. હું હેરોઈન અને બીજા ગેરકાયદેસર પદાર્થો લેતો હતો. કેટલીક વખત, વધારે પડતો નશો કરવાને લીધે હું મરવાની અણી સુધી પહોંચી ગયો હતો. મેં ડ્રગ્સની હેરાફેરી પણ શરૂ કરી, એ કારણે હું હંમેશાં મારી સાથે ચપ્પુ અને બંદૂકો રાખતો. એક વાર મેં એક માણસને ગોળી મારી, પણ સારું થયું કે ગોળી તેના પટ્ટાના બકલમાં જ અથડાઈ ગઈ. હું જ્યારે ૨૪ વર્ષનો હતો, ત્યારે મારી મમ્મી મરણ પામી અને મારો ગુસ્સો વધી ગયો. મને દૂરથી આવતો જોઈને લોકો ડરના માર્યા રસ્તો બદલી નાખતા. મારામારી કરવાને લીધે મોટા ભાગે અઠવાડિયાને અંતે હું ક્યાં તો પોલીસ સ્ટેશનમાં હોઉં અથવા હૉસ્પિટલમાં પાટાપિંડી કરાવતો હોઉં.

મેં ૨૮માં વર્ષે લગ્ન કર્યું. મારી કહાની પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે હું મારી પત્ની સાથે કેવી રીતે વર્તતો હોઈશ. હું તેનું અપમાન કરતો અને તેને મારતો. યુગલ તરીકે અમે ક્યારેય કોઈ કામ સાથે કર્યું ન હતું. હું તેને ઢગલાબંધ ચોરેલાં ઘરેણાં આપતો અને વિચારતો કે બસ એટલું જ પૂરતું છે. પછી, ધાર્યું ન હતું એવું કંઈ થયું. મારી પત્નીએ યહોવાના સાક્ષીઓ સાથે પવિત્ર શાસ્ત્રમાંથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અભ્યાસના પહેલા જ દિવસ પછી, તેણે ધૂમ્રપાન કરવાનું છોડી દીધું. ચોરેલા પૈસા લેવાની ઘસીને ના પાડી. એટલું જ નહિ, તેણે મને તેનાં ઘરેણાં પણ પાછા આપી દીધા. એનાથી હું ખૂબ ગુસ્સે ભરાયો. તે શાસ્ત્રમાંથી શીખતી એનો હું વિરોધ કરતો અને તેના મોઢા પર સિગારેટનો ધુમાડો ફૂંકતો. અમારા વિસ્તારમાં જાહેરમાં હું તેનું અપમાન કરતો.

એક વાર હું દારૂના એટલા નશામાં હતો કે મેં મારા જ ઘરને આગ લગાવી દીધી. મારી પત્નીએ મને અને અમારી પાંચ વર્ષની દીકરીને આગમાંથી બચાવ્યા. જ્યારે મને સમજાયું કે મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ, ત્યારે મને બહુ દુઃખ થયું. મને લાગતું હતું કે ઈશ્વર કદીએ મને માફ નહિ કરે. મને યાદ આવ્યું કે દુષ્ટો નરકમાં જશે એવું પાદરીએ એક વાર કહ્યું હતું. મારા સાઇકાયટ્રિસ્ટે પણ કહ્યું: “તારું કંઈ નહિ થાય. તારાથી એ બધું છૂટવાનું નથી.”

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

અમારું ઘર બળી ગયું પછી, મારા સાસુ-સસરા સાથે અમે રહેવા ગયા. યહોવાના સાક્ષીઓ મારી પત્નીને મળવા આવ્યા ત્યારે, મેં તેઓને પૂછ્યું: “શું મારાં બધાં પાપો ઈશ્વર માફ કરશે?” તેઓએ મને શાસ્ત્રમાંથી પહેલો કોરીંથી ૬:૯-૧૧ બતાવી, જેમાં ઈશ્વર ધિક્કારે છે એવાં કામોની યાદી હતી. એમાં આમ પણ લખ્યું હતું: “તમારામાંના અમુક એવા જ હતા.” એ શબ્દોથી મને ખાતરી થઈ કે હું સુધરી શકું છું. પછી, સાક્ષીઓએ મને પહેલો યોહાન ૪:૮ બતાવીને ખાતરી કરાવી કે ઈશ્વર મને પ્રેમ કરે છે. એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું. હું સાક્ષીઓ પાસેથી અઠવાડિયામાં બે વાર શાસ્ત્રમાંથી શીખવા લાગ્યો. મેં સભાઓમાં જવાનું શરૂ કર્યું. હું નિયમિત યહોવાને પ્રાર્થના કરતો હતો.

એક મહિનામાં જ મેં ડ્રગ્સ અને દારૂ છોડવાનો નિર્ણય કર્યો. એ પછી મારું શરીર સાથ આપવા લાગ્યું નહિ. મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી, માથું દુખતું, સ્નાયુઓ જકડાઈ જતા અને બીજી આડઅસરો થતી. તોપણ, એ જ સમયે મેં અનુભવ્યું કે યહોવા મારો હાથ પકડીને મને મજબૂત કરી રહ્યા છે. મેં પણ પ્રેરિત પાઊલ જેવું અનુભવ્યું. પાઊલને ઈશ્વરે મદદ આપી હોવાથી, તેમણે લખ્યું: ‘જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.’ (ફિલિપી ૪:૧૩) સમય જતાં, હું ધૂમ્રપાનની આદત છોડી શક્યો.—૨ કોરીંથી ૭:૧.

શાસ્ત્રની મદદથી હું જીવનમાં ખરાબ આદતો પર કાબૂ મેળવી શક્યો. એટલું જ નહિ, કુટુંબ તરીકે અમે સુખી થયા. પત્ની માટેનું મારું વલણ બદલાયું. હું તેને માન આપવા લાગ્યો અને “પ્લીઝ” તથા “થેંક્યુ” જેવા શબ્દો વાપરવા લાગ્યો. મેં ખરા અર્થમાં મારી દીકરીના પિતા બનવાનું શરૂ કર્યું. એક વર્ષ શાસ્ત્રમાંથી શીખ્યા પછી, મારી પત્નીની જેમ મેં પણ મારું જીવન યહોવાને સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું.

મને કઈ રીતે ફાયદો થયો:

મને પૂરી ખાતરી છે કે શાસ્ત્રના સિદ્ધાંતોને લીધે મારું જીવન બચ્યું છે. મારા કુટુંબના બીજા સભ્યો જેઓ યહોવામાં માનતા નથી, તેઓ પણ જાણે છે કે હું ડ્રગ્સ લેવાને લીધે અથવા મારામારી કરવાને લીધે ક્યારનોય મરી ગયો હોત.

શાસ્ત્રમાંથી શીખવાને લીધે મારું જીવન સુધર્યું. એનાથી મને એક પિતા અને પતિ તરીકેની મારી જવાબદારીઓ સમજાઈ. (એફેસી ૫:૨૫; ૬:૪) અમે ઘણી બાબતો કુટુંબ તરીકે ભેગા મળીને કરવા લાગ્યા. હવે, હું એવું માનતો નથી કે પત્નીની જગ્યા ફક્ત રસોડામાં છે. મારી પત્ની પૂરો સમય ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવાનું કામ કરે છે, એમાં હું તેને પૂરો ટેકો આપું છું. તે પણ મને મંડળના વડીલ તરીકેની જવાબદારી નિભાવવામાં ખુશીથી ટેકો આપે છે.

યહોવા ઈશ્વરના પ્રેમ અને દયાની મારા જીવનમાં ઊંડી અસર થઈ છે. મારા જેવા ઘણા લોકો છે, જેઓ માટે દુનિયાએ આશા છોડી દીધી છે. તેઓને ઈશ્વર વિશે જણાવવાનું મને બહુ ગમે છે. હું જાણું છું કે શાસ્ત્રમાં એટલી શક્તિ છે કે એ કોઈના પણ જીવનને શુદ્ધ અને મકસદવાળું બનાવી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ, બધાને હું પ્રેમ અને માન બતાવવાનું શાસ્ત્રમાંથી શીખ્યો. એટલું જ નહિ, હું પોતાને પણ માન આપવાનું શીખ્યો. (wp16-E No. 3)