સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જલદી જ સર્વ દુઃખોનો અંત આવશે!

જલદી જ સર્વ દુઃખોનો અંત આવશે!

કલ્પના કરો કે દુનિયામાં દુઃખોનું નામનિશાન જ ન હોય. જેમ કે ગુનાઓ, યુદ્ધો, બીમારી અને કુદરતી આફતો. રોજ સવારે ઊઠીએ ત્યારે આર્થિક ચિંતા ન હોય, કોઈ જાતનો ભેદભાવ કે જુલમ પણ ન હોય. શું એ માનવું અઘરું લાગે છે? ખરું કે, કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા આવી પરિસ્થિતિ લાવી જ ન શકે. પરંતુ, ઈશ્વરે પોતે વચન આપ્યું છે કે તે સર્વ દુઃખનો અંત લાવશે. આગળના લેખમાં દુઃખ લાવનાર કારણો વિશે જોયું, એ સર્વનો ઈશ્વર અંત લાવશે. એના વિશે ઈશ્વરે બાઇબલમાં આ વચન આપ્યું છે એની નોંધ કરો:

સારી સરકાર

‘સ્વર્ગના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેમની હકૂમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને એનો નાશ કરશે, ને તેમનું રાજ્ય સર્વકાળ ટકશે.’ —દાનીયેલ ૨:૪૪.

ઈશ્વરની સરકાર સ્વર્ગમાંથી રાજ કરશે. એ સરકારના રાજા તરીકે ઈસુ ખ્રિસ્તને પસંદ કરવામાં આવ્યા છે. તે સર્વ મનુષ્યની સરકાર કાઢી નાખશે. તેમ જ, તે ખાતરી કરશે કે જેમ સ્વર્ગમાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય છે એવું જ ધરતી પર પણ થાય. (માથ્થી ૬:૯, ૧૦) મનુષ્યની કોઈ સરકાર ઈશ્વરની સરકારને મિટાવી શકશે નહિ, કેમ કે ‘આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તનું રાજ્ય સર્વકાળનું છે.’ પછી, ધરતી પર કાયમ માટે શાંતિ રહેશે.—૨ પીતર ૧:૧૧.

જૂઠા ધર્મો નહિ હોય

“શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી; તેઓનાં કામ પ્રમાણે તેઓનો અંત થશે.”—૨ કોરીંથી ૧૧:૧૪, ૧૫.

જૂઠા ધર્મોને શેતાનના કામો તરીકે ખુલ્લા પાડવામાં આવશે અને ધરતી પરથી એને જડમૂળથી કાઢી નાખવામાં આવશે. ધર્મના નામે થતો ભેદભાવ અને કત્લેઆમનો અંત આવશે. પછી, ‘જીવતા તથા ખરા ઈશ્વરને’ ચાહનારાઓ તેમની ‘એક વિશ્વાસથી’ અને પૂરા દિલ “તથા સત્યતાથી” ભક્તિ કરી શકશે. એનાથી કાયમ માટે ખરી શાંતિ અને એકતા રહેશે.—૧ થેસ્સાલોનીકી ૧:૯; એફેસી ૪:૫; યોહાન ૪:૨૩.

અપૂર્ણતા નહિ હોય

“ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

યહોવા ઈશ્વર પોતાના દીકરા ઈસુ દ્વારા એ શક્ય બનાવશે, જેમણે સર્વ મનુષ્યો માટે પોતાનો જીવ આપી દીધો. (યોહાન ૩:૧૬) ઈસુના માર્ગદર્શનથી મનુષ્યો સંપૂર્ણ બનશે. પછી કોઈ જાતનું દુઃખ નહિ હોય, કેમ કે ઈશ્વર પોતે ‘તેઓની સાથે રહેશે’ અને “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.” મનુષ્યમાં રહેલી અપૂર્ણતા અને સર્વ દુઃખ બહુ જલદીથી ગઈ ગુજરી વાત બનશે; “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

દુષ્ટ દૂતો નહિ હોય

‘ઈસુએ પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે તેને પકડ્યો અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેમણે તેને ઊંડાણમાં નાખી દઈને એને બંધ કર્યું અને એના પર મુદ્રા કરી, જેથી તે ફરી લોકોને ભુલાવે નહિ.’—પ્રકટીકરણ ૨૦:૨, ૩.

શેતાન અને તેના દુષ્ટ દૂતોને “ઊંડાણમાં” નાખી દેવામાં આવશે. પછી મનુષ્યો પર તેઓની કોઈ અસર થશે નહિ. તેઓ મનુષ્યોને કોઈ રીતે હેરાન કરી શકશે નહિ. શેતાન અને તેના દૂતોની પકડમાં દુનિયા હશે જ નહિ. એવી દુનિયામાં રહેવાની કેવી મજા આવશે!

દુષ્ટ જગત જતું રહેશે

આપણે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવીએ છીએ, જે ‘મોટી વિપત્તિના’ અંતે પૂરો થશે. એના વિશે ઈસુએ કહ્યું: “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.”—માથ્થી ૨૪:૨૧.

વિપત્તિ એ અર્થમાં મોટી હશે કે એના જેવી અગાઉ કદી થઈ નથી. “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” આવશે ત્યારે, મોટા પ્રમાણમાં બનાવો બનશે. બાઇબલ એ લડાઈને “હાર-માગેદોન” કે આર્માગેદન તરીકે ઓળખાવે છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

જેઓ ખરું કરવા ચાહે છે, તેઓ સર્વ આ દુષ્ટ જગતના અંતની કાગના ડોળે રાહ જુએ છે. ઈશ્વરના રાજ્ય દ્વારા આવતા અમુક આશીર્વાદોનો વિચાર કરીએ.

ઈશ્વર એનાથી પણ વધારે કરશે

“મોટી સભા”ને શાંતિભરી નવી દુનિયામાં લઈ જવામાં આવશે: બાઇબલ જણાવે છે કે અગણિત લોકોથી બનેલી “મોટી સભા”ને ઈશ્વર “મોટી વિપત્તિમાંથી” બચાવીને ન્યાયી નવી દુનિયામાં લઈ જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪; ૨ પીતર ૩:૧૩) તેઓ પોતાના તારણનો જશ ઈસુ ખ્રિસ્તને આપશે, જે ‘જગતનું પાપ હરણ કરનાર ઈશ્વરના હલવાન’ તરીકે ઓળખાય છે.—યોહાન ૧:૨૯.

ઈશ્વરના શિક્ષણથી મોટો લાભ થશે: નવી દુનિયામાં “પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયા ૧૧:૯) એ શિક્ષણમાં જણાવવામાં આવશે કે કઈ રીતે બધા સાથે હળી મળીને રહેવું અને પર્યાવરણની સંભાળ રાખવી. ઈશ્વરે આ વચન આપતા કહ્યું: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયા ૪૮:૧૭.

ગુજરી ગયેલા પ્રિયજનોને જીવતા કરવામાં આવશે: ઈસુ ધરતી પર હતા ત્યારે, ગુજરી ગયેલા પોતાના મિત્ર લાજરસને જીવતા કર્યા હતા. (યોહાન ૧૧:૧, ૫, ૩૮-૪૪) એનાથી તેમણે બતાવ્યું કે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે, મોટા પ્રમાણમાં પોતે કેવા આશીર્વાદો લાવશે.—યોહાન ૫:૨૮, ૨૯.

શાંતિ અને ન્યાયીપણું કાયમ ટકશે: ઈસુના રાજ્યમાં અન્યાય ગઈ ગુજરી વાત હશે. આપણે શાના આધારે કહી શકીએ? કેમ કે, ઈસુ જાણી શકે છે કે આપણા દિલમાં શું છે, એના આધારે તે ન્યાયી અને દુષ્ટનો ઇન્સાફ કરશે. જેઓ પોતાના દુષ્ટ માર્ગો છોડવા તૈયાર નથી, તેઓને ઈશ્વરની નવી દુનિયામાં રહેવા નહિ મળે.—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦; યશાયા ૧૧:૩, ૪; ૬૫:૨૦; માથ્થી ૯:૪.

બાઇબલમાં સુંદર ભાવિ વિશે ઘણી ભવિષ્યવાણીઓ છે, જેમાંની આપણે અમુક જ તપાસી. ઈશ્વરનું રાજ્ય ધરતી પર રાજ કરતું હશે ત્યારે, કાયમ માટે ‘પુષ્કળ શાંતિ’ રહેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯) મનુષ્યો પર દુઃખ-તકલીફો લાવતી સર્વ બાબતો સાવ નાબૂદ કરવામાં આવશે. એ વિશે ખુદ ઈશ્વર વચન આપે છે: ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું. આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.’—પ્રકટીકરણ ૨૧:૫.