સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

બાળકોને સંયમ રાખતા શીખવીએ

બાળકોને સંયમ રાખતા શીખવીએ

મુશ્કેલી

તમારું છ વર્ષનું બાળક કંઈક જુએ કે, તરત એ માંગે છે. જો તેને એ ન મળે, તો તે ગુસ્સે થઈને ધમપછાડા કરવા લાગે છે. તેનામાં જરાય સંયમ જોવા નથી મળતો. તમને થશે કે, ‘શું બાળકનું આવું વલણ યોગ્ય છે?’ કે પછી ‘શું તે બાળક છે એટલે એવું કરે છે? મોટું થશે તો સુધરી જશે.’ અથવા તમે વિચારશો, ‘શું હવે બાળકને સંયમ શીખવવાનો સમય આવી ગયો છે?’ *

તમારે શું જાણવું જોઈએ?

આજે દુનિયાના વલણમાં સંયમ નથી. ડૉ. ડેવિડ વૉલ્શે લખ્યું: ‘આજે આપણને ચારેય બાજુ એવું સાંભળવા મળે છે કે, છૂટછાટ લેવામાં કે મનફાવે એમ જીવવામાં કોઈ વાંધો નથી. કેટલીક વ્યક્તિઓ બીજાના ભલા માટે તો કેટલીક વ્યક્તિઓ પૈસા માટે લોકોને સલાહ આપે છે. તેઓની સલાહનો સાર એ જ હોય છે કે પોતાની મરજી પ્રમાણે વર્તો.’ *

નાની ઉંમરે સંયમ શીખવવો સારું છે. અમુક નિષ્ણાતોએ ઘણાં વર્ષો સુધી એક અભ્યાસ કર્યો. તેમણે ચાર વર્ષના અમુક બાળકોને ચોકલેટ આપી. તેઓએ બાળકોને કહ્યું કે, તેઓ ચાહે તો તરત ચોકલેટ ખાઈ શકે અથવા થોડી વાર રાહ જોશે તો, બીજી ચોકલેટ મળશે. ચાર વર્ષની ઉંમરે જે બાળકોએ સંયમ બતાવ્યો હતો, તેઓએ બારમું ધોરણ પૂરું કર્યું ત્યારે ભણતરમાં, બીજાઓ સાથેના વર્તનમાં અને લાગણીઓ પર કાબૂ રાખવામાં બીજાં બાળકો કરતાં વધુ સારું કર્યું.

સંયમ ન શીખવવાથી મોટી કિંમત ચૂકવવી પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે, અનુભવથી બાળકોની વિચારવાની રીત બદલાઈ શકે છે. એનો અર્થ સમજાવતા ડૉ. ડેન કિનડ્લેન જણાવે છે: ‘જો આપણે બાળકને કોઈ બાબત વધુ પડતી કરવા દઈએ, તેનો વારો ન આવે ત્યાં સુધી રાહ જોતા ન શીખવીએ, સંતોષી રહેતા અને લાલચનો સામનો કરતા જલદી ન શીખવીએ, તો તેને જવાબદાર વ્યક્તિ બનવા મદદ નથી કરતા.’ *

તમે શું કરી શકો?

સારો દાખલો બેસાડો. તમે કઈ રીતે સંયમ બતાવો છો? શું તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ છો ત્યારે ગુસ્સે થઈ જાઓ છો? શું તમે લાંબી લાઇન હોય ત્યારે વચ્ચે ઘૂસ મારો છો? બીજાઓ વાત કરતા હોય ત્યારે, શું તમે વચ્ચે બોલવાનું શરૂ કરી દો છો? તમારું બાળક તમને આમ કરતા જોશે ત્યારે, શું શીખશે? કિનડ્લેને લખ્યું: ‘બાળકને સંયમ શીખવવાની સૌથી સારી રીત છે કે તમે પોતે પહેલા એ પ્રમાણે કરો.’—બાઇબલ સિદ્ધાંત: રોમનો ૧૨:૯.

બાળકને પરિણામ વિશે શીખવો. બાળકની ઉંમરને ધ્યાનમાં રાખતા તમે તેને સંયમ રાખવાના ફાયદા જણાવી શકો. તેમ જ, સંયમ ન રાખવાથી થતા નુકસાન વિશે પણ જણાવી શકો. દાખલા તરીકે, પોતાની સાથે થયેલા વર્તનથી બાળક ગુસ્સે હોય ત્યારે, તેને શાંત થવા આવા સવાલો પર વિચાર કરવા મદદ કરો: ‘શું બદલો લેવાથી ફાયદો થશે કે નુકસાન? શું એ પરિસ્થિતિને હાથ ધરવાની બીજી કોઈ સારી રીત છે? જેમ કે, એકથી દસ ગણીને ગુસ્સો શાંત પાડી શકાય અથવા થોડી વાર માટે ત્યાંથી દૂર જઈ શકાય.’—બાઇબલ સિદ્ધાંત: ગલાતી ૬:૭.

બાળકને ઉત્તેજન આપો. બાળક સંયમ બતાવે ત્યારે, તેને શાબાશી આપો. તેને જણાવો કે, હંમેશાં પોતાની ઇચ્છાઓને દબાવી દેવી સહેલી નથી. પરંતુ, એમ કરવું ઘણી હિંમત માંગી લે છે. બાઇબલ જણાવે છે: ‘જેનું મન કાબૂમાં નથી તે ખંડેર તથા કોટ વગરના નગર જેવો છે.’ (નીતિવચનો ૨૫:૨૮) એના બદલે, ‘જે ગુસ્સે કરવે ધીમો તે તાકતવર કરતાં સારો છે.’—નીતિવચનો ૧૬:૩૨.

તૈયારી કરો. તમે આવી રમત રમી શકો: કોઈ વિષય પસંદ કરો અને એને નાટકની જેમ ભજવો. બાળકને પૂછો કે આવા સંજોગોમાં “તું શું કરીશ” અથવા “શું સારું હતું અને શું ખરાબ હતું.” નવી રીતો અજમાવતા રહો જેથી, માહિતી જણાવવાની સાથે સાથે આનંદ પણ માણી શકો. જેમ કે, તમે ચિત્ર દોરી શકો, રમકડાંનો ઉપયોગ કરી શકો અથવા બીજી કોઈ રીત. તમારો ધ્યેય બાળકને એ શીખવવાનો છે કે, વગર વિચાર્યે પગલાં ભરવા કરતાં સંયમ રાખવો વધારે સારું છે.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૯:૧૧.

ધીરજ રાખો. બાઇબલ કહે છે: “મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.” (નીતિવચનો ૨૨:૧૫) તેથી, એવી અપેક્ષા ન રાખો કે તેને રાતોરાત બધું આવડી જશે. તમારાં બાળકોને સારી રીતે શીખવો નામનું અંગ્રેજી પુસ્તક જણાવે છે: ‘આ એક લાંબી અને ધીમી પ્રક્રિયા છે. સફળતા મળશે, નિષ્ફળતા મળશે, ફરી પાછી સફળતા મળશે. જે બાળક સંયમ રાખી શકશે, તે ૧૨ વર્ષનો થશે ત્યારે ડ્રગ્સ લેવાની અને ૧૪ વર્ષનો થશે ત્યારે સેક્સ કરવાની લાલચનો સારી રીતે સામનો કરી શકશે.’ ખાતરી રાખો કે, તમારી મહેનત રંગ લાવશે. (g૧૫-E ૦૮)

^ ફકરો. 4 અહીં બાળક માટે આપેલાં સૂચનો છોકરા અને છોકરી બંનેને લાગુ પડે છે.

^ ફકરો. 6 ના: કેમ બધી ઉંમરનાં બાળકોએ એ જાણવું જોઈએ અને માબાપ કઈ રીતે એ કહી શકે અંગ્રેજી પુસ્તક.

^ ફકરો. 8 ઘણી સારી બાબતો અંગ્રેજી પુસ્તકમાંથી.