સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે કોને રાજા તરીકે પસંદ કર્યા છે?

ઈશ્વરે કોને રાજા તરીકે પસંદ કર્યા છે?

ઈશ્વરે પોતાના રાજ્ય માટે કોને રાજા તરીકે પસંદ કર્યા છે? એ આપણને કઈ રીતે ખબર પડે? તેમણે બાઇબલમાં એ રાજા વિશે જાણકારી આપી છે. જેમ કે,

  • એ રાજા ઈશ્વરે પસંદ કરેલા હશે. ‘મેં મારા રાજાને પસંદ કર્યો છે. હું તને જગતની સર્વ પ્રજાઓ, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.’—ગીતશાસ્ત્ર ૨:૬, ૮, IBSI.

  • તે દાઊદ રાજાનો વારસ હશે. ‘આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; દાઊદના રાજ્યાસન ઉપર તેનું રાજ્ય સર્વકાળ સુધી રહેશે તથા દૃઢ થશે. તેની સત્તા વધશે તથા શાંતિનો પાર રહેશે નહિ.’—યશાયા ૯:૬, ૭.

  • તેમનો જન્મ બેથલેહેમમાં થશે. ‘હે બેથલેહેમ, તારામાંથી મારે માટે એક એવો પુરુષ આવશે જે અધિકારી થવાનો છે. તે પૃથ્વીના છેડા સુધી મોટો થશે.’—મીખાહ ૫:૨, ૪.

  • લોકો તેમને ધિક્કારશે અને મારી નાખશે. ‘તે ધિક્કાર પામેલા હતા, ને આપણે તેમની કદર કરી નહિ. આપણા અપરાધોને લીધે તે વીંધાયા, આપણાં પાપોને લીધે તે કચડાયા.’—યશાયા ૫૩:૩, ૫.

  • તેમને મરણમાંથી ઉઠાડીને ઊંચી પદવી આપવામાં આવશે. ‘તમે તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ. તમારા જમણા હાથમાં કાયમ સુખ મળે છે.’—ગીતશાસ્ત્ર ૧૬:૧૦, ૧૧.

ઈસુ ખ્રિસ્ત જ સૌથી સારા રાજા છે

માનવ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આ બધાં વચનો ફક્ત ઈસુ ખ્રિસ્તમાં પૂરાં થયાં છે. તે જ સૌથી સારી રીતે રાજ કરી શકે છે. એક સ્વર્ગદૂતે ઈસુની મા મરિયમને કહ્યું હતું, ‘ઈશ્વર તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે; અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.’—લુક ૧:૩૧-૩૩.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે રાજા બન્યા ન હતા. તે તો સ્વર્ગમાં ગયા પછી રાજા બનવાના હતા અને ત્યાંથી જ મનુષ્યો પર રાજ કરવાના હતા. ઈસુ જ કેમ સૌથી સારા રાજા હશે? નોંધ કરો કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકો માટે કેવાં કેવાં કામો કર્યાં હતાં.

  • ઈસુને લોકોની ચિંતા હતી. ઈસુ દરેકને મદદ કરતા, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ, જુવાન હોય કે વૃદ્ધ, અમીર હોય કે ગરીબ. (માથ્થી ૯:૩૬; માર્ક ૧૦:૧૬) એકવાર રક્તપિત્ત થયેલા એક માણસે ઈસુને વિનંતી કરી: “જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” તેને જોઈને ઈસુને દયા આવી અને તેમણે તેને સાજો કર્યો.—માર્ક ૧:૪૦-૪૨.

  • ઈસુએ શીખવ્યું કે ઈશ્વરની કૃપા પામવા શું કરવું જોઈએ. ઈસુએ કહ્યું: “તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” તેમણે એમ પણ કહ્યું કે ‘જો તમે ચાહો કે બીજાઓ તમારી સાથે સારી રીતે વર્તે તો, તમે પણ તેઓ સાથે એ જ રીતે વર્તો.’ ઈસુએ એમ પણ જણાવ્યું કે ઈશ્વર ફક્ત આપણાં કામો જ નહિ, આપણાં વિચારો અને લાગણીઓ પણ જાણે છે. એટલે જો આપણે દિલમાંથી ખોટી બાબતો કાઢી નાખીશું તો ઈશ્વર જરૂર ખુશ થશે. (માથ્થી ૫:૨૮; ૬:૨૪; ૭:૧૨) સાચી ખુશી મેળવવા શું કરવું જોઈએ? ઈસુએ શીખવ્યું કે ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે એ જાણવું જોઈએ અને એ પ્રમાણે કરવું જોઈએ.—લુક ૧૧:૨૮.

  • ઈસુએ પ્રેમ કરવાનું શીખવ્યું. ઈસુનો ઉપદેશ લોકોનાં દિલને સ્પર્શી જતો. તેમના કાર્યો અને ચમત્કારો જોઈને લોકો નવાઈ પામતા. બાઇબલ જણાવે છે કે ‘તેમની શીખવવાની રીતની ટોળાં પર એવી અસર પડી કે તેઓ દંગ રહી ગયા. કારણ કે જેને અધિકાર હોય એ રીતે તે શીખવતા હતા.’ (માથ્થી ૭:૨૮, ૨૯) તેમણે લોકોને શીખવ્યું, “તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો.” ઈસુએ પોતે એવું કર્યું પણ ખરું! પોતાના મરણ માટે જે લોકો જવાબદાર હતા તેઓ માટે તેમણે પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.”—માથ્થી ૫:૪૪; લુક ૨૩:૩૪.

એ બધા પુરાવાથી સાબિત થાય છે કે રાજ કરવા માટે ઈસુ જ યોગ્ય છે, કારણ કે, તે બધાની સાથે પ્રેમથી વર્તતા અને તેઓને મદદ કરતા. પણ, તેમનું રાજ ક્યારે શરૂ થશે?