સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે દેખાવ જુઓ છો કે દિલ?

તમે દેખાવ જુઓ છો કે દિલ?

કેનેડામાં રહેતા ભાઈ ડૉન યહોવાના સાક્ષી છે. તે રસ્તા પર રહેતા લોકો સાથે વાત કરવાનો ખાસ પ્રયત્ન કરે છે. આવી જ એક વ્યક્તિ વિશે વાત કરતા તે કહે છે, ‘મેં ઘણા બેઘર લોકો જોયા છે. પણ પીટર સૌથી લઘરવઘર ને ગંદો હતો. તેને જોતા જ ચીતરી ચડતી. તે ફૂટપાથ પર રહેતો. કોઈ તેની પાસે જાય તો તેઓને તગેડી મૂકતો. એવું કરવામાં તેને ફાવટ આવી ગઈ હતી. લોકો તેના પર દયા બતાવતા, પણ તે વારંવાર એને ઠુકરાવી દેતો.’ તેમ છતાં, ૧૪ કરતાં વધુ વર્ષો સુધી ડૉને ધીરજ રાખી અને એ બેઘર માણસને અવારનવાર મદદ કરી.

એક દિવસે પીટરે ડૉનને પૂછ્યું: ‘તું કેમ મારી પાછળ પડ્યો છે? બીજાઓ તો મને એકલો છોડી દે છે. તને કેમ મારી ફિકર છે?’ પીટરના દિલ સુધી પહોંચવા ડૉને સમજી-વિચારીને ત્રણ શાસ્ત્રવચનોનો ઉપયોગ કર્યો. પહેલા, તેમણે પીટરને પૂછ્યું કે શું તે ઈશ્વરનું નામ જાણે છે અને પછી પીટરને બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચવા કહ્યું. પછી, તે શા માટે પીટરની ફિકર કરે છે એ બતાવવા તેને રોમનો ૧૦:૧૩, ૧૪ વાંચવા કહ્યું. કલમ સમજાવે છે કે, “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર પામશે.” છેલ્લે, ડૉને માથ્થી ૯:૩૬ વાંચી અને પીટરને જાતે વાંચવા કહ્યું. એ કલમ કહે છે: “લોકોનાં ટોળાં જોઈને ઈસુને કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ સતાવાયેલા અને નિરાધાર હતા.” એ વાંચતા જ પીટરની આંખમાં આંસુ આવી ગયા. તેણે ડૉનને પૂછ્યું: ‘શું હું પણ એ ઘેટાંમાંનો એક છું?’

પીટરે ફેરફાર કરવાનું શરૂ કર્યું. તે નાહ્યો, દાઢી વ્યવસ્થિત કરી અને ડૉને આપેલા સારાં કપડાં પહેર્યાં. હવે તે પોતાનો દેખાવ સારો રાખવા લાગ્યો.

પીટર પાસે એક ડાયરી હતી. શરૂઆતના પાના ઉદાસીનતા અને નિરાશાની લાગણીથી ભરેલા હતા. જોકે, હાલમાં લખેલી નોંધ સાવ અલગ હતી. પીટરે લખ્યું હતું: ‘આજે હું ઈશ્વરનું નામ શીખ્યો. હવે હું યહોવાને પ્રાર્થના કરી શકું છું. તેમનું નામ જાણવું અદ્ભુત છે. ડૉન કહે છે કે યહોવા મારા ખાસ મિત્ર બની શકે છે. હું ગમે એ સમયે અને ગમે એ કારણે પ્રાર્થના કરું, તે મારું સાંભળે છે.’

પીટરની છેલ્લી નોંધ તેનાં ભાઈ-બહેનો માટે હતી. તેણે લખ્યું હતું:

‘આજે મારી તબિયત સારી નથી. મને લાગે છે કે મારી ઉંમર થઈ ગઈ છે. આ મારી છેલ્લી ઘડીઓ હોય તોપણ, મને ખાતરી છે કે હું મારા મિત્ર ડૉનને નવી દુનિયામાં ફરી મળીશ. જ્યારે તમે આ વાંચી રહ્યા હશો ત્યારે હું દુનિયામાં નહિ હોઉં. જો તમે મારી દફનવિધિમાં કોઈ એવા માણસને જુઓ જે આપણામાંથી નથી, તો તેની સાથે વાત કરજો અને આ નાની ભૂરી ચોપડી ચોક્કસ વાંચજો [બાઇબલ અભ્યાસ માટેનું પુસ્તક સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે એની તે વાત કરી રહ્યો હતો, જે તેને ઘણાં વર્ષો પહેલાં મળ્યું હતું]. * એ જણાવે છે કે હું મારા મિત્રને નવી દુનિયામાં ફરીથી મળીશ. હું પૂરા દિલથી એ વાત માનું છું. તમારો વહાલો ભાઈ, પીટર.’

પીટરની દફનવિધિ પછી તેની બહેન ઉમ્મીએ કહ્યું: ‘લગભગ બે વર્ષ પહેલાં પીટરે મારો સંપર્ક કર્યો હતો. આટલાં વર્ષોમાં તે પહેલી વાર મને ખુશ લાગ્યો. તે હસ્યો પણ ખરો.’ ઉમ્મીએ ડૉનને જણાવ્યું: ‘હું આ પુસ્તક વાંચીશ, કારણ કે જો એણે મારા ભાઈના દિલને અસર કરી હોય, તો એ ખાસ હોવું જોઈએ.’ ઉમ્મી યહોવાના સાક્ષીઓ સાથે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી ચર્ચા કરવા પણ તૈયાર થઈ.

આપણે પણ વ્યક્તિના દેખાવને નહિ, તેના દિલને જોઈએ; સાચો પ્રેમ બતાવીએ અને દરેક પ્રકારના લોકો સાથે ધીરજથી વર્તીએ. (૧ તિમો. ૨:૩, ૪) જો આપણે એવું કરીશું, તો પીટર જેવા લોકોના દિલને સ્પર્શી શકીશું. તેઓ કદાચ જોવામાં સુંદર નહિ હોય, પણ તેઓનું દિલ સારું હશે. આપણે ખાતરી રાખી શકીએ કે, ઈશ્વર જે “હૃદય તરફ જુએ છે” તે નમ્ર લોકોના દિલમાં સત્ય માટે પ્રેમ જગાવશે.—૧ શમૂ. ૧૬:૭; યોહા. ૬:૪૪.

^ ફકરો. 7 યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.