સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૫

વડીલો કઈ રીતે મંડળમાં સેવા આપે છે?

વડીલો કઈ રીતે મંડળમાં સેવા આપે છે?

ફિનલૅન્ડ

શીખવતા

ઉત્તેજન આપતા

ખુશખબર જણાવતા

અમારા સંગઠનમાં કોઈ પાદરી નથી. કોઈને પગાર આપવામાં આવતો નથી. પહેલી સદીમાં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ ત્યારે, યોગ્ય ભાઈઓને “ઈશ્વરની મંડળી”ની સંભાળ રાખવા વડીલો તરીકે નીમવામાં આવતા. આજે પણ એમ કરવામાં આવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આ ભાઈઓનો ઈશ્વર સાથે પાકો સંબંધ હોય છે. તેઓ મંડળની સંભાળ રાખે છે અને આગેવાની લે છે. તેઓ એ ‘ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરે છે; લોભને માટે નહિ,’ પણ ઈશ્વરની આગળ હોંશથી કરે છે. (૧ પીતર ૫:૧-૩) તેઓ આપણા માટે શું કરે છે?

તેઓ આપણી સંભાળ રાખે છે અને રક્ષણ કરે છે. મંડળ યહોવાની નજીક રહે એ માટે વડીલો મદદ કરે છે અને શાસ્ત્રમાંથી માર્ગદર્શન આપે છે. ઈશ્વરે તેઓ પર ભરોસો મૂકીને વડીલો તરીકેની ભારે જવાબદારી સોંપી છે એવું તેઓ જાણે છે. તેથી, તેઓ મંડળ પર જોહુકમી કરતા નથી પણ આપણી સંભાળ રાખે છે અને આપણો આનંદ વધારવા મદદ કરે છે. (૨ કોરીંથી ૧:૨૪) જેવી રીતે ઘેટાંપાળક ખંતથી દરેક ઘેટાંની સંભાળ રાખે છે, એવી રીતે વડીલો પણ મંડળની દરેક વ્યક્તિને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરે છે.—નીતિવચનો ૨૭:૨૩.

તેઓ આપણને શીખવે છે કે ઈશ્વરની ઇચ્છા કઈ રીતે પૂરી કરવી. આપણી શ્રદ્ધા મજબૂત કરવા વડીલો દર અઠવાડિયે મંડળની સભામાં આગેવાની લે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૨) આ વડીલો પૂરા દિલથી પ્રચાર કાર્યમાં આગેવાની લે છે. તેઓ પ્રચારનાં બધાં પાસાઓમાં આપણી સાથે કામ કરીને તાલીમ આપે છે.

તેઓ આપણને દરેકને ઉત્તેજન આપે છે. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા મંડળના વડીલો દરેકને ઉત્તેજન આપે છે. એ માટે તેઓ આપણને ઘરે અથવા પ્રાર્થનાઘરમાં મળીને બાઇબલમાંથી મદદ અને દિલાસો આપે છે.—યાકૂબ ૫:૧૪, ૧૫.

મોટા ભાગના વડીલો મંડળની સેવા કરવા ઉપરાંત, નોકરી-ધંધો અને કુટુંબ પણ સંભાળે છે. એ બધું ઘણો સમય અને ધ્યાન માંગી લે છે. તેથી, સખત કામ કરતા આવા ભાઈઓને આપણે માન આપવું જ જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૧૨, ૧૩.

  • મંડળના વડીલોની શું જવાબદારી છે?

  • વડીલો કઈ રીતે આપણા દરેકમાં રસ બતાવે છે?