સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૫

સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

‘દયા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.’—કોલોસી ૩:૧૨

લગ્નથી એક નવા કુટુંબની શરૂઆત થાય છે. ખરું કે માબાપને તમે હંમેશાં પ્રેમ અને માન આપશો. પરંતુ, હવે લગ્નસાથી તમારા માટે સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. કુટુંબના અમુક સભ્યોને એ સ્વીકારવું અઘરું લાગી શકે. જોકે, સમતોલ રહેવા બાઇબલ સિદ્ધાંતો તમને મદદ કરી શકે. પછી, એ સલાહ પ્રમાણે બંને પક્ષે સંબંધો મજબૂત બનાવવા તમે મહેનત કરશો તો, એનાથી બધા જ ખુશ રહેશે.

૧ કુટુંબીજનો પ્રત્યે યોગ્ય વલણ રાખો

બાઇબલ શું કહે છે? ‘તારા પિતાનું તથા તારી માતાનું સન્માન કર.’ (એફેસી ૬:૨) તમે ભલે ગમે એટલા મોટા થઈ ગયા હો, છતાં માબાપને હંમેશાં માન આપો. એ પણ સ્વીકારો કે દીકરા કે દીકરી તરીકે તમારા સાથીએ પણ તેમનાં માબાપનું ધ્યાન રાખવાની જરૂર છે. ‘પ્રેમ અદેખાઈ કરતો નથી.’ તેથી, લગ્નસાથીને પોતાનાં માબાપ જોડે સારા સંબંધો હોય તો, એની ક્યારેય અદેખાઈ ન કરો.—૧ કોરીંથી ૧૩:૪; ગલાતી ૫:૨૬.

તમે શું કરી શકો?

  • આમ કહેવાનું ટાળો: “તમારા ઘરમાં તો મારી કોઈ કિંમત જ નથી” અથવા “તમારી મમ્મીને મારું કોઈ કામ ગમતું જ નથી”

  • લગ્નસાથીના વિચારો સમજવાની કોશિશ કરો

૨ જરૂર લાગે ત્યારે સ્પષ્ટ વાત કરો

બાઇબલ શું કહે છે? ‘માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.’ (ઉત્પત્તિ ૨:૨૪) તમારા લગ્ન થઈ ગયા હોવા છતાં, માબાપને એવું લાગી શકે કે તમે તેઓની જવાબદારી છો. એટલે, તેઓ તમારા લગ્નજીવનમાં જરૂર કરતાં કદાચ વધારે રસ બતાવે.

પતિ-પત્ની તરીકે તમે સાથે મળીને નક્કી કરો કે માબાપ કેટલી હદ સુધી તમને સલાહ-સૂચનો આપશે. પછી, એ વિશે માબાપ સાથે પ્રેમથી વાત કરો. વાત કરતી વખતે સમજી-વિચારીને બોલો. (નીતિવચનો ૧૫:૧) નમ્રતા, માયાળુપણું અને ધીરજ જેવા ગુણો કેળવો. એનાથી બંને પક્ષે સંબંધો મજબૂત થશે અને તમે “પ્રેમથી એકબીજાનું સહન” કરી શકશો.—એફેસી ૪:૨.

તમે શું કરી શકો?

  • અમુક સગાં-વહાલાં તમારા જીવનમાં દખલ કરે છે એવું લાગતું હોય તો, બાબતો શાંત પડ્યા પછી તમારા સાથીને એ વિશે વાત કરો

  • સાથે મળીને નિર્ણય લો કે આવા કિસ્સામાં તમે શું કરશો