સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૩

મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?

મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?

‘એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ બધાં પાપને ઢાંકે છે.’—૧ પીતર ૪:૮

લગ્નજીવનની શરૂઆતમાં ઘણાં કારણોને લીધે મુશ્કેલીઓ આવી શકે છે. જેમ કે, તમારા વિચારો, લાગણીઓ કે જીવવાની રીતભાત અલગ હોય. અથવા બીજા લોકોને લીધે અને અણધારી આફતોના લીધે પણ મુશ્કેલીઓ આવી શકે છે.

આવી કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે, આપણે કદાચ એનાથી દૂર ભાગીએ છીએ. પરંતુ, બાઇબલ સલાહ આપે છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ. (માથ્થી ૫:૨૩, ૨૪) બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી તમે મુશ્કેલીઓને સારી રીતે થાળે પાડી શકશો.

૧ મુશ્કેલીની ચર્ચા કરો

બાઇબલ શું કહે છે? “બોલવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૧, ૭) મુશ્કેલી વિશે વાત કરવા ચોક્કસ સમય કાઢો. મુશ્કેલી વિશે તમને કેવું લાગે છે અને તમે શું વિચારો છો, એ સાથીને જણાવો. સાથી જોડે હંમેશાં “સાચું બોલો.” (એફેસી ૪:૨૫) તમારા સાથી ગુસ્સે થઈ જાય, તોપણ તમે શાંત રહો અને ઝઘડવાનું ટાળો. નાનીસૂની વાતમાંથી મોટો ઝઘડો ન થાય, એ માટે શાંતિથી જવાબ આપો.—નીતિવચનો ૧૫:૧; ૨૬:૨૦.

સાથી જોડે સહમત ન હો, તોપણ તમે શાંત રહો. હંમેશાં પ્રેમ અને આદરથી વર્તો. (કોલોસી ૪:૬) મુશ્કેલીને જલદી થાળે પાડવાનો પ્રયત્ન કરો. તેમ જ, એકબીજા સાથે વાત કરવાનું બંધ ન કરો.—એફેસી ૪:૨૬.

તમે શું કરી શકો?

  • મુશ્કેલીની ચર્ચા કરવા યોગ્ય સમય નક્કી કરો

  • સાથીની વાત શાંતિથી સાંભળો અને વચ્ચે ન બોલો. વાત સાંભળ્યા પછી તમારા વિચારો જણાવો

૨ સાંભળો અને સમજો

બાઇબલ શું કહે છે? ‘એકબીજા પર ગાઢ પ્રેમ રાખો; પોતાના કરતાં બીજાને’ વધારે માન આપો. (રોમનો ૧૨:૧૦) તમે કઈ રીતે સાંભળો છો એ ખૂબ જ મહત્ત્વનું છે. ‘સહાનુભૂતિ અને નમ્રતાથી’ તમારા સાથીના વિચારો સમજવા પ્રયત્ન કરો. (૧ પીતર ૩:૮; યાકૂબ ૧:૧૯) સાંભળવાનો ઢોંગ ન કરો. બની શકે તો, તમારું કામ બાજુ પર મૂકીને તમારા સાથીની વાત ધ્યાનથી સાંભળો. અથવા પૂછો કે બીજા કોઈ સમયે વાત કરી શકાય કે કેમ. લગ્નસાથીને દુશ્મન નહિ પણ સાથી ગણશો તો, તમે ‘ગુસ્સો કરવામાં ઉતાવળા નહિ બનો.’—સભાશિક્ષક ૭:૯.

તમે શું કરી શકો?

  • સહમત ન હો, તોપણ ખુલ્લા મનથી લગ્નસાથીની વાત સાંભળો

  • તે શું કહેવા માંગે છે એ સમજો. તેમના હાવભાવ અને વાત કરવાની રીત પર ધ્યાન આપો

૩ નક્કી કર્યા પ્રમાણે જ કરો

બાઇબલ શું કહે છે? ‘મહેનત કરવાથી લાભ થાય છે; પણ વાતો’ કરવાથી લાભ થતો નથી. (નીતિવચનો ૧૪:૨૩) કોઈ નિર્ણય પર આવવું જ પૂરતું નથી. નિર્ણય પ્રમાણે કામ પણ કરવું જોઈએ. એમ કરવા સખત મહેનત અને પ્રયત્ન જરૂરી છે અને એનાથી ચોક્કસ લાભ થશે. (નીતિવચનો ૧૦:૪) સાથે મળીને કામ કરશો તો, તમને ‘મહેનતનું સારું ફળ મળશે.’—સભાશિક્ષક ૪:૯.

તમે શું કરી શકો?

  • નક્કી કરો કે મુશ્કેલીને થાળે પાડવા તમે બંને શું કરશો

  • વારંવાર તપાસતા રહો કે તમે કેવા સુધારા કરી રહ્યા છો