સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓના સ્થાપક કોણ હતા?

યહોવાના સાક્ષીઓના સ્થાપક કોણ હતા?

૧૯મી સદીના અંત ભાગમાં યહોવાના સાક્ષીઓના આધુનિક સમયના સંગઠનની શરૂઆત થઈ. એ સમયે પીટ્‌સબર્ગ, પેન્સિલ્વેનિયા, યૂનાઇટેડ સ્ટેટ્‌સમાં રહેતા બાઇબલ વિદ્યાર્થીઓના નાના જૂથે બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ શરૂ કર્યો. તેઓએ ચર્ચના શિક્ષણને બાઇબલના ખરાં શિક્ષણ સાથે સરખાવ્યું. તેઓ જે શીખ્યા એ પુસ્તકોમાં, છાપાઓમાં અને મૅગેઝિનમાં છાપવાનું શરૂ કર્યું. એ મૅગેઝિન આજે ચોકીબુરજ—યહોવાના રાજ્યને જાહેર કરે છે તરીકે ઓળખાય છે.

એ બાઇબલ વિદ્યાર્થીઓના જૂથમાં ચાર્લ્સ ટેઝ રસેલ નામના વ્યક્તિ હતા. ખરું કે, એ સમયે બાઇબલ શિક્ષણને આગળ વધારવા રસેલે મોટો ભાગ ભજવ્યો હતો અને ચોકીબુરજના તે પહેલા સંપાદક હતા, પણ તેમણે કંઈ નવો ધર્મ સ્થાપ્યો ન હતો. રસેલ અને બીજાઓ, જેઓ એ સમયે બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા, તેઓનો ધ્યેય હતો કે ઈસુ ખ્રિસ્તના શિક્ષણને આગળ ધપાવવું. ઉપરાંત, પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળની માન્યતાઓ પ્રમાણે ચાલવું. ખ્રિસ્તી ધર્મની સ્થાપના ઈસુએ કરી હોવાથી અમે તેમને જ અમારા સંગઠનના સ્થાપક માનીએ છીએ.—કોલોસી ૧:૧૮-૨૦.