સ્કીપ ટુ કન્ટેન્ટ

શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?

શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?

શાસ્ત્રમાંથી જવાબ

 ના. બાઇબલ સ્પષ્ટ રીતે બતાવે છે કે ઈશ્વરે મનુષ્યોને બનાવ્યા છે. તેમ જ, તેમણે અલગ અલગ “જાતનાં” પ્રાણીઓ અને વનસ્પતિ બનાવ્યાં છે. (ઉત્પત્તિ ૧:૧૨, ૨૧, ૨૫, ૨૭; પ્રકટીકરણ ૪:૧૧) બાઇબલ એ પણ જણાવે છે કે પહેલાં સ્ત્રી-પુરુષ, એટલે કે આદમ અને હવાથી આખી માનવજાત આવી છે. (ઉત્પત્તિ ૩:૨૦; ૪:૧) બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને અલગ અલગ જીવોને બનાવ્યા હોય. વૈજ્ઞાનિકો માને છે કે દરેક જાતના જીવોમાં કંઈકને કંઈક બદલાવ થાય છે. બાઇબલ પણ એ વાતનો નકાર કરતું નથી.

 અમુક લોકો શું માને છે?

 અમુક લોકો માને છે કે ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને અલગ અલગ જીવોને બનાવ્યા છે. એ કેવી રીતે થયું હશે એના વિશે લોકોના જુદા જુદા વિચારો છે. ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા મુજબ એ લોકો માને છે કે, જે જીવો વાતાવરણ પ્રમાણે પોતાને ઢાળે છે, એ જીવો જ જીવતા રહી શકે છે. તેઓ એને પ્રાકૃતિક પસંદગી કહે છે. તેઓ કહે છે કે ઈશ્વર આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આખી સૃષ્ટિ ચલાવે છે.

 લોકો આવું પણ માને છે કે . . .

  •   ઘણાં વર્ષો પહેલાં એક જ જીવમાંથી બધા જીવો આવ્યા.

  •   એક જીવમાંથી કોઈ નવો જ જીવ ઉત્પન્‍ન થઈ શકે છે. જેમ કે, તેઓ શીખવે છે કે વાંદરામાંથી માણસ આવ્યો.

  •   એ બધા પાછળ ઈશ્વરનો હાથ છે.

 શું ઉત્ક્રાંતિનું શિક્ષણ બાઇબલના સુમેળમાં છે?

 જે લોકો માને છે કે ઉત્ક્રાંતિ દ્વારા ઈશ્વરે બધું બનાવ્યું છે, તેઓ ઉત્પત્તિમાં જણાવેલા સર્જનના અહેવાલને સાચો માનતા નથી. પણ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ઉત્પત્તિના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. કેમ કે તે જાણતા હતા કે એ અહેવાલ સાચો છે. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭; ૨:૧૮-૨૪; માથ્થી ૧૯:૪-૬) બાઇબલ બતાવે છે કે ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં સ્વર્ગમાં ઈશ્વરની સાથે હતા. તેમણે “બધું જ” બનાવવામાં ઈશ્વરની મદદ કરી. (યોહાન ૧:૩) એટલે ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધું બનાવ્યું એ શિક્ષણ બાઇબલના સુમેળમાં નથી.

 વનસ્પતિ અને પ્રાણીઓ સંજોગો પ્રમાણે પોતાનામાં બદલાવ કરે, તો શું એનાથી ઉત્ક્રાંતિની માન્યતા સાચી સાબિત થાય છે?

 એક જાતિમાં કેટલા ફેરફારો થઈ શકે છે, એ વિશે બાઇબલ નથી જણાવતું. વનસ્પતિ અને પ્રાણીઓમાં એવી ક્ષમતા છે કે તેઓ પોતાને નવા વાતાવરણમાં ઢાળી શકે છે અથવા પોતાના જેવા બીજા જીવો ઉત્પન્‍ન કરી શકે છે. એ વાતનો પણ બાઇબલ નકાર કરતું નથી. એવા ફેરફારો જોઈને અમુકને લાગે કે ઉત્ક્રાંતિ સાચું છે, પણ એવું નથી. એક જાતિ વાતાવરણ પ્રમાણે પોતાને ઢાળે છે ત્યારે કોઈ નવી જાતિ ઉત્પન્‍ન નથી થતી.