સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલની સલાહ—કાયમ ઉપયોગી

બાઇબલની સલાહ—કાયમ ઉપયોગી

કલ્પના કરો: તમે એક મ્યુઝિયમ જોવા ગયા છો, જેમાં જૂની જૂની મૂર્તિઓ રાખવામાં આવી છે. એમાંની ઘણી ભાંગેલી છે, એનો રંગ ઊડી ગયો છે અને એનું કોતરકામ ભૂંસાઈ ગયું છે. અમુક મૂર્તિઓના ભાગો તો ગાયબ જ થઈ ગયા છે. પણ ત્યારે જ તમારી નજર એવી મૂર્તિ પર પડે છે, જે હજી પણ સહી સલામત છે. એની નાનામાં નાની વિગતો પણ સાફ સાફ દેખાય રહી છે. તમે ગાઈડને પૂછો છો, “શું આ કોઈ નવી મૂર્તિ છે?” તે કહે છે: “ના, આ તો સૌથી જૂની મૂર્તિ છે. આની ક્યારેય મરામત પણ કરવામાં આવી નથી.” તમે પૂછો છો, “શું એને બહુ સાચવીને રાખી હતી?” તે કહે છે, “ના, એના પર તો ભયંકર વરસાદ અને વાવાઝોડાનો મારો થયો છે. અરે, ઘણા લોકોએ તો એનો નાશ કરવાની કોશિશ કરી છે.” કદાચ તમે વિચારો કે ‘આ મૂર્તિ શેની બનેલી છે?’

એક રીતે બાઇબલ પણ એ અનોખી મૂર્તિ જેવું છે. આ બહુ જૂનું પુસ્તક છે. દુનિયામાં બીજા ઘણાં જૂનાં પુસ્તકો છે. પણ મ્યુઝિયમની મૂર્તિઓની જેમ સમય જતાં એ પુસ્તકોના રંગ પણ ઊડી ગયા છે. એ પુસ્તકોમાં લખેલી વાતો વૈજ્ઞાનિકોએ શોધેલી માહિતીની સાથે મેળ ખાતી નથી. તંદુરસ્તી માટે જે સલાહ આપી છે, એ ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. અમુક જૂનાં પુસ્તકોના તો ફક્ત થોડાક જ ભાગ બચી ગયા છે, અમુક ભાગ તો ખરાબ થઈ ગયા છે અથવા ખોવાય ગયા છે.

પણ બાઇબલ એ બધા જૂનાં પુસ્તકો કરતાં અલગ છે. બાઇબલ લખવાનું કામ આશરે ૩૫૦૦ વર્ષ પહેલા શરૂ થયું હતું. આટલું જૂનું હોવા છતાં એનો એક પણ ભાગ ખોવાય ગયો નથી. સદીઓથી બાઇબલનો નાશ કરવાની ઘણી કોશિશ થઈ છે. અમુક બાઇબલ સળગાવવામાં આવ્યા છે. બાઇબલ વાંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ જ એમાં લખેલી વાતો જૂઠી સાબિત કરવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તોપણ બાઇબલ આજ સુધી સલામત છે. આજના સમયમાં પણ બાઇબલની માહિતી એટલી જ ઉપયોગી છે. આપણને એ જોઈને નવાઈ લાગે છે કે આટલા સમય પહેલાં લખવામાં આવેલી માહિતી કઈ રીતે આટલી સચોટ છે.

એવા સિદ્ધાંતો જે આજે પણ જરૂરી છે

તમે કદાચ કહો, ‘બાઇબલના સિદ્ધાંતો પર ચાલવાથી શું આજે કોઈ ફાયદો છે?’ હવે વિચારો કે ‘આજે માણસો કેવી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે? સૌથી ભયાનક કઈ છે?’ કદાચ તમને થાય કે યુદ્ધ, પ્રદુષણ, ગુના અથવા ભ્રષ્ટાચાર. બાઇબલના અમુક સિદ્ધાંતો નીચે આપવામાં આવ્યા છે. એને વાંચતી વખતે વિચારો કે ‘બધા લોકો આ સિદ્ધાંતો પ્રમાણે ચાલે તો દુનિયાની હાલત કેટલી સારી થશે!’

શાંતિ જાળવીએ

“જેઓ સુલેહ-શાંતિ કરાવે છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરાઓ કહેવાશે.” (માથ્થી ૫:૯) “જો શક્ય હોય તો બધા લોકો સાથે હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો.”—રોમનો ૧૨:૧૮.

દયા બતાવીએ, માફ કરીએ

“જેઓ દયાળુ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.” (માથ્થી ૫:૭) “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ * તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલોસીઓ ૩:૧૩.

અનેકતામાં એકતા

ઈશ્વરે “એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી.” (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬) “ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

પૃથ્વીનું નુકસાન ન કરીએ

“યહોવા ઈશ્વરે માણસને એદન બાગમાં મૂક્યો, જેથી તે બાગની સંભાળ રાખે અને એની જમીન ખેડે.” (ઉત્પત્તિ ૨:૧૫) “જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ” ઈશ્વર કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૮.

લાલચ અને અનૈતિકતાને ધિક્કારીએ

“દરેક પ્રકારના લોભથી સાવધાન રહો. ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.” (લૂક ૧૨:૧૫) “વ્યભિચાર, કોઈ પણ પ્રકારની અશુદ્ધતા કે લોભ વિશે તમારે વાત પણ ન કરવી, કેમ કે પવિત્ર લોકોને એ શોભતું નથી.”—એફેસીઓ ૫:૩.

પ્રમાણિક અને મહેનતું બનીએ

“અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.” (હિબ્રૂઓ ૧૩:૧૮) ‘જે ચોરી કરે છે, તે હવેથી ચોરી ન કરે. એને બદલે, તે સખત મહેનત કરે.’—એફેસીઓ ૪:૨૮.

દુ:ખી લોકોની મદદ કરીએ

“નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.” (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪) “અનાથો અને વિધવાઓ પર મુશ્કેલી આવે ત્યારે, તેઓની સંભાળ રાખવી.”—યાકૂબ ૧:૨૭.

બાઇબલમાં ફક્ત સિદ્ધાંતોની યાદી આપી નથી. એ પણ જણાવવામાં આવ્યું છે કે એ સિદ્ધાંતો પાળવા કેટલા જરૂરી છે અને આપણે એને કઈ રીતે પાળી શકીએ. વિચાર કરો, જો બધા લોકોએ આ સિદ્ધાંતો પાળ્યા હોત, તો માણસજાતની ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ હોત. પહેલાંના સમય કરતાં આજે બાઇબલના સિદ્ધાંતો પાળવા વધારે જરૂરી છે. એને પાળવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

બાઇબલની સલાહ માનવાના ફાયદા

દુનિયાની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિએ કહ્યું હતું: “જ્ઞાન પોતાનાં પરિણામોથી ખરું સાબિત થાય છે.” (માથ્થી ૧૧:૧૯, ફૂટનોટ) એનો અર્થ કે કોઈ સલાહ માનવાથી જે પરિણામ મળે છે, એનાથી સાબિત થાય છે કે એ સલાહ યોગ્ય હતી કે નહીં. કદાચ તમને થાય કે ‘જો બાઇબલની સલાહ સાચી હોય, તો એને પાળવાથી સારા પરિણામો મળવા જોઈએ. તેમ જ જીવનની મુશ્કેલીઓનો હલ કરવા પણ મદદ મળવી જોઈએ. શું એ શક્ય છે?’ ચાલો આપણે એ જાણવા એક બહેનનો અનુભવ જોઈએ.

ડેલફિનનું * જીવન ખુશીઓથી ભરેલું હતું. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતી અને ઘણી ખુશ હતી. પણ અચાનક તેના જીવનમાં કાળા વાદળો છવાઈ ગયા. તેના પર એક પછી એક મુશ્કેલીઓ આવી પડી. તેની યુવાન દીકરી મરણ પામી. તેના છુટાછેડા થઈ ગયા અને તેને પૈસાની ખોટ પડી. તે કહે છે, “મેં મારી દીકરી, પતિ, ઘર અને બધું જ ગુમાવી દીધું. મને લાગ્યું કે જીવનનો કોઈ હેતુ રહ્યો નથી.”

ડેલફિને જીવનમાં આ કડવા સત્યનો અનુભવ કર્યો: “અમારું જીવન ૭૦ વર્ષનું છે, અથવા વધારે બળ હોય તો ૮૦ વર્ષનું. પણ એ વર્ષો દુઃખ-તકલીફોથી ભરેલાં છે. એ જલદી વીતી જાય છે અને અમે ખતમ થઈ જઈએ છીએ.”—ગીતશાસ્ત્ર ૯૦:૧૦.

ડેલફિનને એ મુશ્કેલ સંજોગોમાં બાઇબલમાંથી મદદ મળી. એનાથી તેનું જીવન બદલાઈ ગયું. ડેલફિનની જેમ ઘણા લોકોને બાઇબલની સલાહ પાળવાથી મુશ્કેલ સંજોગો સહેવા મદદ મળી છે. તેઓને બાઇબલ એ અનોખી મૂર્તિ જેવું લાગે છે, જે વિશે આપણે લેખની શરૂઆતમાં જોઈ ગયા હતા. તેઓને જાણવા મળ્યું કે બાઇબલ બીજા પુસ્તકો જેવું નથી, જે સમય જતા કંઈ કામ આવતું નથી. બાઇબલ આટલું ખાસ કેમ છે? શું એનું કારણ એ છે કે આની રચના બીજાં પુસ્તકો કરતાં અલગ છે? શું સાચે જ એમાં કોઈ માણસોના નહીં પણ ઈશ્વરના વિચારો લખવામાં આવ્યા છે?—૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩.

કદાચ તમને થાય કે જીવન ટૂંકું છે અને મુશ્કેલીઓથી ભરેલું છે. જ્યારે મુશ્કેલીઓ સહેવી અઘરી લાગે, ત્યારે દિલાસો અને સાચું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકો?

બાઇબલની સલાહ માનવાથી તમને આ ત્રણ ફાયદા થઈ શકે છે:

  1. ૧. બની શકે ત્યાં સુધી મુશ્કેલીમાં પડવાથી બચી શકશો.

  2. ૨. મુશ્કેલીઓ આવે ત્યારે એને હલ કરી શકશો.

  3. ૩. અઘરા સંજોગોનો સામનો કરી શકશો.

^ ફકરો. 10 બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

^ ફકરો. 24 આ લેખમાં નામ બદલવામાં આવ્યું છે.