સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ?

શું આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ?

બાઇબલમાં અમુક લોકોના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. શું તમને એવા લોકો વિશે વાંચીને થયું છે કે, ‘હું તેઓના જેવો કદી નહિ બની શકું?’ તમે કદાચ કહેશો, ‘હું નિર્દોષ તથા પ્રામાણિક નથી. અને જે સારું છે એ કરવાનું હું ચૂકી જાઉં છું.’

અયૂબ ‘નિર્દોષ તથા પ્રામાણિક હતા.’—અયૂબ ૧:૧

બાઇબલમાં ઈશ્વરભક્ત અયૂબને “નિર્દોષ તથા પ્રામાણિક” કહેવામાં આવ્યા છે. (અયૂબ ૧:૧) લોતને “ન્યાયી માણસ” ગણવામાં આવ્યા છે. (૨ પીતર ૨:૮) અને દાઊદ વિશે કહેવામાં આવ્યું છે કે, તેમણે ‘ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું’ એ જ કર્યું. (૧ રાજાઓ ૧૪:૮) ચાલો એ ઈશ્વરભક્તોના જીવન પર થોડી નજર નાખીએ. એમ કરવાથી આપણને (૧) તેઓએ કરેલી ભૂલો જોવા મળશે, (૨) તેઓના દાખલામાંથી હજુ વધુ શીખવા મળશે અને (૩) આપણા જેવા પાપી મનુષ્યો પણ ઈશ્વરને ખુશ કરી શકે છે એ જાણવા મળશે.

તેઓએ ભૂલો કરી

‘ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતા હતા તેમને ઈશ્વરે છોડાવ્યા.’—૨ પીતર ૨:૭

અયૂબના જીવનમાં એક પછી એક ઘણી મુશ્કેલીઓ આવી. તેમની સાથે અન્યાય થયો હોય એવું લાગી શકે. જોકે, તેમણે ખોટી રીતે વિચારી લીધું કે, ઈશ્વરને તેમની કંઈ પડી નથી. પછી, ભલે તે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે કે નહિ. (અયૂબ ૯:૨૦-૨૨) અયૂબને લાગ્યું કે પોતે ઘણા ન્યાયી છે. તેમનું વર્તન જોઈને બીજાઓને પણ લાગ્યું કે, તે ઈશ્વર કરતાં પોતાને વધારે ન્યાયી ગણે છે.—અયૂબ ૩૨:૧, ૨; ૩૫:૧, ૨.

લોત, એક સહેલો અને યોગ્ય નિર્ણય લેવામાં અચકાતા હતા. સદોમ અને ગમોરાહમાં વ્યભિચાર ખૂબ જ વધી ગયો હતો. એ જોઈને તે ‘ભારે વેદના અનુભવતા હતા.’ (૨ પીતર ૨:૮, સંપૂર્ણ) ઈશ્વરે જણાવ્યું હતું કે, તે એ દુષ્ટ શહેરનો વિનાશ કરશે. તેમ જ, તેમણે લોત અને તેમના કુટુંબને બચવાની એક તક આપી. તમને થશે કે એવી ખરાબ પરિસ્થિતિમાંથી નાસી જનાર પહેલી વ્યક્તિ લોત હશે. પરંતુ, એવું બન્યું નહિ. એવા કપરા સંજોગોમાંથી નીકળતા તે મોડું કરતા હતા. તેથી, તેમને અને તેમના કુટુંબને બચાવવા સ્વર્ગદૂતોને મોકલવામાં આવ્યા. દૂતોએ હાથ પકડીને તેઓને શહેરની બહાર કાઢ્યા.—ઉત્પત્તિ ૧૯:૧૫, ૧૬.

દાઊદે ‘ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું, કેવળ તે જ કરીને પોતાના સંપૂર્ણ હૃદયથી ઈશ્વરની ઉપાસના કરી.’—૧ રાજાઓ ૧૪:૮

દાઊદ એક વખતે સંયમ બતાવવાનું ચૂકી ગયા. તેમણે બીજા પુરુષની સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો. દુઃખની વાત છે કે, તેમણે એ પાપ છુપાવવા પેલા પુરુષને મારી નંખાવ્યો. (૨ શમૂએલ, અધ્યાય ૧૧) બાઇબલ જણાવે છે કે, દાઊદે જે કર્યું એ “યહોવાની દૃષ્ટિમાં ખોટું” હતું.—૨ શમૂએલ ૧૧:૨૭.

અયૂબ, લોત અને દાઊદે ભૂલો કરી. અમુક તો ખૂબ જ ગંભીર હતી. પરંતુ, આપણે આગળ જોઈશું કે તેઓ ખરા દિલથી યહોવાની આજ્ઞા પાળવા માંગતા હતા. પોતાની ભૂલ માટે તેઓ ઘણા જ દિલગીર હતા. તેઓએ બતાવ્યું કે પોતે એ ખોટા માર્ગથી ફરવા માંગે છે. તેથી, યહોવાએ તેઓ પર કૃપા બતાવી. એટલે જ, બાઇબલ તેઓને વિશ્વાસુ માણસો કહે છે.

આપણે શું શીખી શકીએ?

પાપી હોવાને લીધે આપણાથી ભૂલ થઈ જાય છે. (રોમનો ૩:૨૩) પરંતુ, ભૂલ કરી બેસીએ ત્યારે બતાવીએ કે આપણે દિલગીર છીએ અને એને સુધારવા બનતા પ્રયત્ન કરીએ.

અયૂબ, લોત અને દાઊદે કઈ રીતે પોતાની ભૂલ સુધારવા બનતા પ્રયત્નો કર્યા? અયૂબ યહોવાને ખૂબ જ વફાદાર હતા. ઈશ્વરના સમજાવ્યા પછી, અયૂબે પોતાના ખોટા વિચારો સુધાર્યા અને પોતાની ભૂલ માટે ખૂબ જ દુઃખી થયા. (અયૂબ ૪૨:૬) સદોમ અને ગમોરાહમાં ચાલી રહેલા ખરાબ કામો માટે લોતનું વલણ યહોવાનાં ધોરણોનાં એકદમ સુમેળમાં હતું. જોકે, તેમણે ઉતાવળે પગલાં ભર્યા નહિ. એ તેમની ભૂલ હતી. જોકે, પછીથી તે એ શહેરોમાંથી નાસી ગયા અને યહોવાના ન્યાયમાંથી બચી ગયા. શહેર છોડતી વખતે તેમણે યહોવાની આજ્ઞા માનીને પાછળ જોયું નહિ. દાઊદે પણ ઈશ્વરનો નિયમ તોડીને ગંભીર ભૂલ કરી હતી. જોકે, ખરો પસ્તાવો કરીને અને યહોવા પાસે કૃપા અને માફી માંગીને તેમણે બતાવી આપ્યું કે, તેમના દિલમાં ખરેખર શું છે.—ગીતશાસ્ત્ર ૫૧.

યહોવા આપણા જેવા પાપી માણસો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખતા નથી. એટલે જ, ઈશ્વરે એ ત્રણેય વ્યક્તિઓ પર કૃપા બતાવી. યહોવા ‘આપણું બંધારણ જાણે છે અને આપણે ધૂળનાં છીએ એવું તે યાદ રાખે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) તેથી, જો યહોવા જાણતા હોય કે આપણે ભૂલો કરીશું જ, તો તે આપણી પાસેથી શાની અપેક્ષા રાખશે?

યહોવા ‘આપણું બંધારણ જાણે છે અને આપણે ધૂળનાં છીએ એવું તે યાદ રાખે છે.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪

આપણે કઈ રીતે ઈશ્વરને ખુશ કરી શકીએ?

એનો જવાબ આપણને દાઊદે પોતાના દીકરા સુલેમાનને આપેલી સલાહમાંથી મળે છે. તેમણે કહ્યું: ‘મારા દીકરા સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ દિલથી તથા રાજીખુશીથી તેમની સેવા કર.’ (૧ કાળવૃત્તાંત ૨૮:૯) સંપૂર્ણ દિલ એટલે શું? એવું દિલ જે ઈશ્વરને પ્રેમ કરે અને તેમની ઇચ્છાઓ અને આજ્ઞાઓ ખુશીથી પાળે. એ એવું દિલ નથી જેમાં કોઈ ખોડખાંપણ ન હોય. પરંતુ, એવું દિલ જે યહોવાનાં સૂચનો પ્રમાણે કરે અને કોઈક સલાહ મળે ત્યારે, ખુશીથી સ્વીકારે. ઈશ્વર માટે પ્રેમ અને તેમની આજ્ઞા પાળવાની ઇચ્છાને લીધે અયૂબને “પ્રામાણિક,” લોતને “ન્યાયી” અને દાઊદને ‘ઈશ્વરની દૃષ્ટિમાં સારું’ કરનાર કહેવામાં આવ્યા. તેઓએ ભૂલો કરી હોવા છતાં, ઈશ્વરને ખુશ કરી શક્યા.

સંપૂર્ણ દિલ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમની ઇચ્છાઓ અને આજ્ઞાઓ ખુશીથી પાળે છે

આપણા મનમાં કોઈ ખોટા વિચાર આવે, કંઈક ખોટું બોલી દઈએ અથવા એવું કંઈક કરી બેસીએ જેનાથી શરમાવવું પડે તો, આ ત્રણ દાખલામાંથી આપણને હિંમત મળે છે. યહોવા જાણે છે કે, ભૂલો ન કરવી એ આપણા માટે હાલમાં શક્ય નથી. જોકે, તે ઇચ્છે છે કે આપણે તેમને પ્રેમ કરીએ અને તેમની આજ્ઞાઓ પાળવા બનતું બધું કરીએ. જો આપણે એમ પૂરા દિલથી કરીશું, તો ખાતરી રાખી શકીએ કે ઈશ્વરને આપણે ખુશ કરી શકીશું. (w૧૫-E ૦૭/૦૧)