સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

મારી નબળાઈઓમાં હિંમત મળી

મારી નબળાઈઓમાં હિંમત મળી

મને જોઈને કોઈના માનવામાં ન આવે કે મારામાં તાકાત છે. કેમ કે, હું વ્હીલચેરમાં છું અને મારું વજન ૨૯ કિલો છે. જેમ જેમ મારા શરીરનું બળ ઘટતું જાય છે, તેમ તેમ જીવવા માટે મારું મન મને હિંમત આપે છે. ચાલો તમને જણાવું કે કઈ રીતે તાકાત અને નબળાઈઓથી મારું જીવન ઘડાયું છે.

ચાર વર્ષની ઉંમરે

મારાં માબાપ દક્ષિણ ફ્રાંસના એક ગામમાં રહેતાં હતાં. બાળપણનો વિચાર કરું ત્યારે, મને ગામના એ ઘરની મીઠી યાદ આવે છે. પિતાએ મારા માટે એક હીંચકો બાંધ્યો હતો. મને બાગમાં દોડાદોડી કરવી ખૂબ ગમતું હતું. ૧૯૬૬માં યહોવાના સાક્ષીઓ અમારા ઘરે આવ્યા અને મારા પિતા સાથે લાંબી ચર્ચા કરી. સાત મહિના પછી તેમણે યહોવાના સાક્ષી બનવાનો નિર્ણય કર્યો. એના થોડા સમય પછી, મારી મમ્મીએ પણ એવો જ નિર્ણય લીધો. આમ, પ્રેમાળ કુટુંબમાં મારો ઉછેર થયો.

હકીકતમાં મારાં માબાપ સ્પેનનાં હતાં. અમે સ્પેન પાછા ફર્યા અને થોડા જ સમયમાં મારી મુશ્કેલીઓની શરૂઆત થઈ. મારા હાથ અને પગની ઘૂંટીમાં જાણે કાંટો વાગતો હોય એવો દુખાવો શરૂ થયો. બે વર્ષ સુધી ઘણા ડૉક્ટરોને બતાવ્યું. પછી, અમે સંધિવાના પ્રખ્યાત ડૉક્ટરને મળ્યા. તેમણે ઉદાસ થઈને કહ્યું: “બહુ મોડું થઈ ગયું છે.” મારા મમ્મી રડવાં લાગ્યાં. ડૉક્ટરે મારાં માબાપને જણાવ્યું કે મને ગંભીર પ્રકારનો સંધિવા છે. મારું રોગ પ્રતિકારક તંત્ર હુમલો કરીને સારા કોષોનો નાશ કરે છે. એટલે, સાંધાઓમાં સોજા ચઢી જાય છે અને દુખાવો થાય છે. હું દસ વર્ષની હોવાથી વધારે સમજી ન શકી, પણ એટલું સમજાયું કે સારી ખબર નથી.

ડૉક્ટરે બાળકોનાં સારવાર કેન્દ્રમાં સારવાર લેવાનું જણાવ્યું. ત્યાંની બિલ્ડીંગ જોઈને જ હું હિંમત હારી ગઈ. ત્યાં કડક શિસ્ત આપવામાં આવતી હતી. ત્યાં સેવા આપતી અમુક નને મારા વાળ કાપ્યાં અને ઉદાસ કરી દે એવો મેલખાઉ રંગનો યુનિફૉર્મ પહેરાવ્યો. રડતાં રડતાં હું વિચારતી કે, ‘અહીંયાં કઈ રીતે રહી શકીશ?’

મેં યહોવાની પ્રેમાળ કાળજીનો અનુભવ કર્યો

મારાં માબાપે મને યહોવાની ભક્તિ કરવાનું શીખવ્યું હતું. એટલે, સારવાર કેન્દ્રમાં થતી કૅથલિક વિધિઓમાં ભાગ લેવાનો મેં નકાર કર્યો. હું શા માટે એમ કરું છું એ નન્સ સમજી શકતાં ન હતાં. હું યહોવાને હંમેશાં કાલાવાલા કરતી કે મને સાથ આપજો. થોડા જ સમયમાં મને યહોવાના રક્ષણનો અનુભવ થયો, જાણે કે પ્રેમાળ પિતાએ મને ગોદમાં લઈ લીધી હોય.

મારાં માબાપને ફક્ત શનિવારે થોડી વાર માટે મને મળવાની રજા આપવામાં આવતી હતી. મારી શ્રદ્ધાને મજબૂત રાખવા તેઓ આપણા સંગઠનનું બાઇબલ સાહિત્ય મારા માટે વાંચવા લઈ આવતા. આમ તો, બધાં બાળકોને પોતાની સાથે પુસ્તકો રાખવાની મના હતી. પણ, નને બાઇબલ સાથે સાહિત્ય રાખવાની મને રજા આપી હતી, જે હું રોજ વાંચતી હતી. હું બીજી છોકરીઓ સાથે પણ વાત કરતી કે એવો સમય આવશે જ્યારે કોઈ બીમાર નહિ થાય અને સુંદર પૃથ્વી પર કાયમ માટે રહી શકીશું. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) જોકે, કોઈક વાર સૂનું-સૂનું લાગતું હોવાથી હું ઉદાસ થઈ જતી. તેમ છતાં, હું ખુશ હતી કે યહોવામાં મારો ભરોસો અને શ્રદ્ધા રોજરોજ મજબૂત થતાં હતાં.

છ મહિના પછી ડૉક્ટરોએ મને ઘરે મોકલી. મને હજી એટલું સારું થયું ન હતું. પરંતુ, ઘરે પાછા જવાનું થયું એટલે હું ઘણી ખુશ હતી. મારી બીમારી વધી ગઈ હતી અને મને સાંધામાં ખૂબ દુખાવો થતો હતો. હું તરુણ થઈ ત્યારે ખૂબ કમજોર હતી. તેમ છતાં, ૧૪ વર્ષની ઉંમરે મેં બાપ્તિસ્મા લીધું અને થઈ શકે એટલી યહોવા પિતાની સેવા કરવાનો નિર્ણય લીધો. જોકે, ઘણી વાર હું તેમનાથી નારાજ થઈ જતી. હું પ્રાર્થનામાં કહેતી: “મને જ કેમ આવી બીમારી? મારા પર દયા કરો અને મને સાજી કરો. હું કેટલું સહન કરું છું એ તમે જોતા નથી?”

યુવાનીનો સમય મારા માટે ખૂબ મુશ્કેલ હતો. મારે કડવું સત્ય સ્વીકારવું પડ્યું કે હું સાજી થઈ શકું એમ નથી. હું મારી સરખામણી મિત્રો સાથે કરતી હતી, જેઓ તંદુરસ્ત હતા અને જીવનનો આનંદ માણતા હતા. એટલે, હું નાનમ અનુભવવા લાગી અને બીજાઓ સાથે વાત કરવાનું ટાળતી. આવા સંજોગોમાં પણ કુટુંબ અને મિત્રો મને સાથ આપતા. મારાથી ૨૦ વર્ષ મોટાં પ્રેમાળ ઑલીસ્યાને હું હજી યાદ કરું છું. તે મારાં સાચા મિત્ર બન્યાં. તેમણે મને મદદ કરી કે હું મારી બીમારી વિશે જ વિચાર્યા ન કરું. પણ, બીજાઓમાં રસ લેતા શીખું.

જીવનને અર્થપૂર્ણ બનાવવાનો માર્ગ શોધવો

હું ૧૮ વર્ષની થઈ ત્યારે બીમારીએ ફરી ઊથલો માર્યો. એટલે, ખ્રિસ્તી સભાઓમાં જવાથી પણ હું ખૂબ થાકી જતી. તેમ છતાં, જે સમય મળતો એનો ઉપયોગ હું ઘરે બેસીને બાઇબલનો અભ્યાસ કરવામાં કાઢતી. અયૂબ અને ગીતશાસ્ત્રનાં પુસ્તકોથી એ સમજવા મદદ મળી કે દુઃખ-તકલીફથી હંમેશાં યહોવા રક્ષણ કરતા નથી. તોપણ, એ સહેવા જરૂરી ઉત્તેજન અને દિલાસો ચોક્કસ પૂરા પાડે છે. વારંવાર પ્રાર્થના કરવાથી મને “પરાક્રમની અધિકતા” અને “ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એ મળી.—૨ કોરીંથી ૪:૭; ફિલિપી ૪:૬, ૭.

બાવીસ વર્ષની ઉંમરે મારે વ્હીલચેરનો સહારો લેવો પડ્યો. મને ડર હતો કે લોકો મારી અવગણના કરશે અને વ્હીલચેરમાં બેઠેલી એક બીમાર સ્ત્રીને જોશે. જોકે, વ્હીલચેરના લીધે મને થોડી આઝાદી મળી અને જે મને ગમતું ન હતું એ મારા માટે આશીર્વાદરૂપ બન્યું. ઈસાબેલ નામની મારી બહેનપણીએ મને ઉત્તેજન આપ્યું કે એક મહિના માટે તેમની સાથે પ્રચારમાં ૬૦ કલાક કરવાનો ધ્યેય બાંધું.

પહેલા તો મને લાગ્યું કે એ વિચાર મૂર્ખામીભર્યો છે. પણ, મેં યહોવા પાસે મદદ માંગી અને મારા મિત્રો તથા કુટુંબના સાથ-સહકારથી હું એ કરી શકી. એ મહિનો ખૂબ વ્યસ્ત રહ્યો અને જલદી પૂરો થઈ ગયો. હું જોઈ શકી કે મારી લાચારી અને ડર પર મેં જીત મેળવી છે. એનાથી મને ખૂબ ખુશી મળી. એટલે ૧૯૯૬માં મેં નક્કી કર્યું કે રેગ્યુલર પાયોનિયર બનીશ અને દર મહિને ૯૦ કલાક પ્રચાર કરીશ. એ મારો સૌથી સારો નિર્ણય હતો, જેનાથી હું ઈશ્વરની વધુ નજીક આવી શકી અને શારીરિક રીતે પણ થોડી મજબૂત થઈ શકી. પ્રચારમાં હું ઘણા લોકોને મારી શ્રદ્ધા વિશે જણાવતી અને અમુક લોકોને ઈશ્વરના મિત્ર બનવા મદદ કરી.

યહોવાએ મારો હાથ પકડી રાખ્યો

૨૦૦૧ના ઉનાળામાં કાર સાથે મારો બહુ ખરાબ અકસ્માત થયો અને મારા બંને પગ તૂટી ગયા. હૉસ્પિટલની પથારીમાં દર્દથી પીડાતી હતી ત્યારે, મેં મનમાં આજીજી સાથે પ્રાર્થના કરી: ‘યહોવા, મારા પર દયા કરો. મારો હાથ છોડશો નહિ.’ બાજુના પલંગની એક સ્ત્રીએ તરત જ મને પૂછ્યું, “શું તમે યહોવાના સાક્ષી છો?” જવાબ આપવાની મારામાં કોઈ શક્તિ ન હતી. મેં ફક્ત માથું જ હલાવ્યું. તેણે કહ્યું, “યહોવાના સાક્ષીઓને હું જાણું છું. મોટા ભાગે હું તમારા મૅગેઝિન વાંચું છું.” એ શબ્દોથી મને ખૂબ જ દિલાસો મળ્યો. આવા સંજોગોમાં પણ હું યહોવા વિશે સાક્ષી આપી શકી. એ કેટલો મોટો આશીર્વાદ!

મને થોડું સારું થયું ત્યારે નક્કી કર્યું કે બીજા લોકોને પણ સાક્ષી આપીશ. મારા બંને પગમાં પ્લાસ્ટર લાગેલું હતું એટલે મારાં મમ્મી મને વ્હીલચેરમાં બેસાડીને આખા વૉર્ડમાં લઈ જતાં. અમે દરરોજ અમુક દર્દીઓને મળતા, તેઓની ખબર-અંતર પૂછતા અને બાઇબલ સાહિત્ય આપતા. આમ કરવાથી હું ખૂબ જ થાકી જતી, પણ યહોવાએ મને જરૂરી બળ આપ્યું.

૨૦૦૩માં મારાં માબાપ સાથે

છેલ્લાં થોડાં વર્ષોમાં મારા શરીરનો દુખાવો ખૂબ વધી ગયો છે. એ ઉપરાંત, મારા પપ્પાના મરણથી હું બહુ દુઃખી થઈ ગઈ. તોપણ, હું હંમેશાં સારું વિચારવાનો પ્રયત્ન કરું છું. કઈ રીતે? બની શકે ત્યાં સુધી હું મારા મિત્રો અને કુટુંબ સાથે સમય પસાર કરું છું. એનાથી મને મદદ મળી કે મારી મુશ્કેલીઓ વિશે બહુ વિચારું નહિ. હું એકલી હોઉં ત્યારે બાઇબલ વાંચું છું, અભ્યાસ કરું છું અથવા ફોન પર બીજાઓને ખુશખબર જણાવું છું.

ઘણી વાર હું આંખો બંધ કરીને મનની આંખોથી યહોવા ઈશ્વરે વચન આપેલી નવી દુનિયાની કલ્પના કરું છું

હું નાની-નાની બાબતોમાં પણ આનંદ મેળવવાનો પ્રયત્ન કરું છું. જેમ કે, ચહેરાને સ્પર્શતી તાજી હવા અને ફૂલોની ખુશબૂનો હું આનંદ માણું છું. એનાથી મને યહોવાનો આભાર માનવાનાં કારણો મળે છે. કોઈ વાર હળવી મજાકથી પણ મન ખુશ થઈ જાય છે. એક દિવસે પ્રચારમાં મારી બહેનપણી મને વ્હીલચેરમાં લઈને જતી હતી. એ વખતે અમુક નોંધ લખવા તે ઊભી રહી. અચાનક કાબૂમાં ન રહેતા મારી વ્હીલચેર ઢોળાવમાં સરકવા લાગી અને પાર્ક કરેલી કાર સાથે અથડાઈ. અમે ખૂબ ડરી ગયા. પણ, અમે જ્યારે જોયું કે કંઈ મોટું નુકસાન કે ઈજા થઈ નથી ત્યારે ખૂબ હસ્યા.

જીવનમાં એવી ઘણી બાબતો છે જે હું નથી કરી શકતી. હું એને મારી અધૂરી આશાઓ ગણું છું. ઘણી વાર હું આંખો બંધ કરીને મનની આંખોથી યહોવા ઈશ્વરે વચન આપેલી નવી દુનિયાની કલ્પના કરું છું. (૨ પીતર ૩:૧૩) હું પોતાને તંદુરસ્ત, આમતેમ દોડતી અને જીવનનો આનંદ માણતી જોઉં છું. રાજા દાઊદના આ શબ્દો હું યાદ રાખું છું: “યહોવાની વાટ જો; બળવાન થા, અને હિંમત રાખ.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૪) જોકે, દિવસે દિવસે મારું શરીર વધારે કમજોર થતું જાય છે પણ યહોવાએ મને મજબૂત બનાવી છે. મારી નબળાઈમાં પણ મને રોજ હિંમત મળે છે. (w14-E 03/01)