સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ

બાળકના આવવાથી લગ્‍નજીવન કઈ રીતે બદલાઈ જાય છે?

બાળકના આવવાથી લગ્‍નજીવન કઈ રીતે બદલાઈ જાય છે?

ચાર્લ્સ: * “હું અને મારી પત્ની મેરી, બહુ જ ખુશ હતા જ્યારે દીકરીનો જન્મ થયો. પણ તેના જન્મના શરૂઆતના મહિનાઓમાં મેં ઘણી ઊંઘ વગરની રાતો કાઢી. બાળકીની કેવી સંભાળ રાખવી એ વિષે પહેલેથી વિચારી રાખ્યું હતું, પણ એ બધી યોજના કામમાં ના આવી.”

મેરી: “બાળકીનો જન્મ થયા પછી મારું જીવન સાવ બદલાઈ ગયું. મારા જીવનમાં સૌથી મહત્ત્વની બાબતો એ જ બની ગઈ કે ક્યારે દૂધની બોટલ આપવી, ક્યારે બાળોતિયું બદલવું, કેવી રીતે બાળકીને ચૂપ કરાવવી. મારે ઘણા મોટા ફેરફાર કરવા પડ્યા. અમારી વચ્ચે પહેલાં જેવા સંબંધ થતાં મહિનાઓ લાગ્યા.”

ઘણા લોકો સહમત થશે કે બાળકનો જન્મ થવો એ જીવનની મોટી ખુશી છે. બાઇબલ પણ જણાવે છે કે બાળકો તો ઈશ્વરનું આપેલું “ધન” છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) ચાર્લ્સ અને મેરીની જેમ ઘણા માબાપ સહમત થાય છે કે બાળકના જન્મ પછી તેઓનું લગ્‍નજીવન બદલાઈ જાય છે. દાખલા તરીકે, પહેલું બાળક આવે ત્યારે માતાનું પૂરું ધ્યાન બાળક પર રહે છે. બાળક થોડો પણ અવાજ કરે તો તરત જ જોવા દોડી જાય છે. માતા અને બાળક વચ્ચે જે અતૂટ સંબંધ બંધાયો છે, એ જોઈને પિતા ઘણા ખુશ થશે. પણ એ જ સમયે કદાચ તેને એકલા પડી ગયાની લાગણી થશે.

પહેલા બાળકના જન્મથી લગ્‍નજીવનમાં કદાચ મુશ્કેલીઓ આવી શકે. કોઈ એક સાથીને એકલા પડી જવાની લાગણી થઈ શકે. જો યુગલ વચ્ચે પહેલેથી કોઈ અણબનાવ હોય, તો એની અસર બાળકના ઉછેર વખતે વધારે દેખાય આવશે.

શરૂઆતના મહિનાઓમાં બાળકનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. એવા સમયે માબાપ શું કરી શકે? એકબીજા સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા શું કરી શકે? બાળકના ઉછેર વિષે જો કોઈ પડકાર હોય તો એને કઈ રીતે હાથ ધરી શકે? ચાલો આ પડકારો પર વિચાર કરીએ અને જોઈએ કે બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે મદદ કરે છે.

પહેલો પડકાર: બધું જ ધ્યાન બાળક પાછળ જાય.

માતાનો મોટાભાગનો સમય અને ધ્યાન બાળક પાછળ જતા હોય છે. બાળકની બધી રીતે સંભાળ રાખવાથી તેને બહુ જ સંતોષ મળતો હશે. એ જ સમયે તેના પતિને એકલા થઈ જવાની લાગણી થઈ શકે. બ્રાઝિલમાં રહેતો મેન્યુએલ કહે છે: ‘પત્નીનું પૂરું ધ્યાન મારા પરથી હટીને બાળક પર ગયું ત્યારે એ સ્વીકારવું બહુ જ અઘરું હતું. પહેલાં અમે બે જણ જ હતા પણ બાળકના આવવાથી તેનું ધ્યાન બાળક તરફ જતું રહ્યું.’ આવું થાય તો તમે શું કરી શકો?

સફળતાની ચાવી: ધીરજ રાખો.

બાઇબલ કહે છે, ‘પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પોતાનું જ હિત જોતો નથી, ખિજવાતો નથી.’ (૧ કોરીંથી ૧૩:૪, ૫) બાળક આવે ત્યારે આ સલાહને લાગુ પાડવા પતિ-પત્ની શું કરી શકે?

પતિ માહિતી મેળવશે કે બાળકના જન્મ પછી પત્ની પર કેવી શારીરિક અને લાગણીમય અસર થાય છે. એનાથી તે જાણી શકશે કે શા માટે તેની પત્નીનો મૂડ અચાનક બદલાઈ જાય છે. * ફ્રાન્સમાં રહેતા આડમનો વિચાર કરો. તેની અગિયાર મહિનાની નાની દીકરી છે. તે કહે છે, ‘મારી પત્નીનો મૂડ અચાનક બદલાઈ જાય ત્યારે તેને સમજવી બહુ મુશ્કેલ બની જાય છે. પણ હું યાદ રાખવા કોશિશ કરું છું કે મારા લીધે તેનો મૂડ બદલાયો નથી. એ તો નવા સંજોગોને લીધે ઊભા થયેલા તણાવને લીધે બદલાયો છે.’

તમે કોઈક વાર પત્નીને મદદ કરવા જાવ અને તે કંઈક ઊંધું સમજી બેસે તો? એવું બને ત્યારે ગુસ્સે ના થઈ જાવ. (સભાશિક્ષક ૭:૯) ધીરજ રાખો અને પોતાના કરતાં તેનો વધારે વિચાર કરો. આમ કરશો તો તમે ગુસ્સા પર કાબૂ રાખી શકશો.—નીતિવચનો ૧૪:૨૯.

એક સમજદાર પત્ની પોતાના પતિને નવી જવાબદારી નિભાવવા ઉત્તેજન આપશે. બાળકની સંભાળ રાખવામાં પતિની મદદ લેશે. ધીરજથી તેને શીખવશે કે કઈ રીતે બાળોતિયું બદલવું અને દૂધની બોટલ તૈયાર કરવી. જો પતિ કોઈ બાબત બરાબર રીતે ના કરે, તોપણ પત્ની ધીરજ રાખશે.

છવ્વીસ વર્ષની માતા એલનને લાગ્યું કે તે જે રીતે પોતાના પતિ સાથે વર્તે છે, એમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે. તે કહે છે, ‘દીકરી ફક્ત મારી જ છે, એવી લાગણી ઓછી કરવાની જરૂર હતી. મારી સૂચના પ્રમાણે પતિ બાળકની સંભાળ રાખવા પ્રયત્ન કરે ત્યારે હું વચ્ચે વચ્ચે ટોક્યા કરતી નહિ.’

આમ કરી જુઓ: જો પતિ તમારા કરતાં કોઈ પણ કામ અલગ રીતે કરે, તો તેને ટોક્યા ન કરો અને એ કામ ફરીથી કરવા ન કહો. એને બદલે જે કર્યું છે એ માટે તેનો આભાર માનો. આમ કરવાથી પતિનો આત્મવિશ્વાસ વધશે અને બીજા કામોમાં મદદ કરવાનું મન થશે. પતિઓ, જો તમે બિનજરૂરી બાબતો ઓછી કરી નાખશો તો પત્નીને મદદ કરવા તમારી પાસે સમય હશે. બાળકનો જન્મ થયાના થોડા મહિનાઓમાં આમ કરવું બહુ જરૂરી છે.

બીજો પડકાર: પતિ-પત્ની તરીકે તમારો સંબંધ નબળો પડે.

બાળક રાત્રે ગમે ત્યારે રડતું હોવાથી માબાપને પૂરતી ઊંઘ મળતી નથી. પતિ-પત્ની એટલા થાકી જાય છે કે એકબીજાની નજીક રહેવું અઘરું બને છે. ફ્રાન્સમાં રહેતી વિવિઅન બે બાળકોની માતા છે. તે કહે છે, ‘શરૂશરૂમાં તો હું બાળકની સંભાળ રાખવામાં એટલી ડૂબી જતી કે અમુક વાર ભૂલી જતી કે હું એક પત્ની પણ છું.’

પતિએ એ સમજવું જોઈએ કે ગર્ભ રહેવાને લીધે પત્નીમાં શારીરિક અને લાગણીમય ફેરફાર થાય છે. તેની લાગણીઓ વ્યક્ત કરવા અને શારીરિક સંબંધ બાંધવા જે સમય અને શક્તિ હતા, એ હવે બાળક પાછળ જતાં રહે છે. તો પછી પતિ-પત્ની કઈ રીતે ખાતરી રાખી શકે કે બાળક તેઓ વચ્ચે તિરાડનું કારણ બની ન જાય?

સફળતાની ચાવી: એકબીજા માટે તમારો પ્રેમ ફરીથી વ્યક્ત કરો.

લગ્‍નની ગોઠવણ વિષે બાઇબલ કહે છે, “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” * (ઉત્પત્તિ ૨:૨૪) ઈશ્વર યહોવાહ એવું ચાહે છે કે બાળકો મોટા થઈને પોતાનું ઘર વસાવે, પણ માબાપ હંમેશાં સાથે જ રહે. (માત્થી ૧૯:૩-૯) જીવનમાં શું મહત્ત્વનું છે એ પારખવા આ હકીકત યુગલને કઈ રીતે મદદ કરે છે?

આગળ જણાવેલ વિવિઅન કહે છે, ‘મેં ઉત્પત્તિ ૨:૨૪ના શબ્દો પર વિચાર કર્યો. એનાથી હું જોઈ શકી કે બાળક સાથે નહિ પણ પતિ સાથે “એક દેહ” થઈને રહેવાનું છે. મને સમજાયું કે લગ્‍નબંધનને મજબૂત કરવાની જરૂર છે.’ બે વર્ષની છોકરીની માતા ટ્રીસા કહે છે, ‘જો મને લાગે કે હું પતિથી દૂર થઈ રહી છું, તો તરત જ તેમની તરફ ધ્યાન આપવાની કોશિશ કરું છું. પછી ભલેને દરરોજ થોડા સમય માટે કેમ ના હોય.’

જો તમે પતિ હોવ તો, તમારા લગ્‍નજીવનને મજબૂત કરવા શું કરી શકો? પત્નીને કહો કે તમે તેને ખૂબ પ્રેમ કરો છો. ફક્ત શબ્દોથી જ નહિ પણ કાર્યોથી બતાવી આપો. જો તેને એવું લાગતું હોય કે તમે એનું પૂરું ધ્યાન રાખતા નથી, તો એવી શંકા દૂર કરવા તરત જ પ્રયત્ન કરો. ૩૦ વર્ષની માતા સારાહ કહે છે, ‘પત્નીને જાણવાની જરૂર છે કે તેની કદર અને પ્રેમ કરવામાં આવે છે. પછી ભલે ગર્ભવતી હોવાને લીધે તેના શરીરમાં ફેરફાર થયા હોય.’ જર્મનીમાં રહેતો એલન બે દીકરાનો પિતા છે. તે જાણે છે કે પત્નીને સાથ આપવો કેટલો જરૂરી છે. તે કહે છે, ‘મારી પત્ની જ્યારે નિરાશ હોય ત્યારે હું તેને દિલાસો આપવા કોશિશ કરું છું.’

બાળકના આવવાથી પતિ-પત્નીના શારીરિક સંબંધ પર અસર પડે છે. તેથી પતિ-પત્નીએ પોતાની જરૂરિયાતો વિષે ચર્ચા કરવી જોઈએ. અને એમાં કોઈ ફેરફાર કરવા ચાહતા હોય તો, બાઇબલ જણાવે છે કે “એકબીજાની સંમતિથી” એ થવું જોઈએ. (૧ કોરીંથી ૭:૧-૫) એમ કરવા વાતચીત કરવી બહુ જરૂરી છે. તમારા ઉછેરને લીધે કદાચ શારીરિક સંબંધ વિષે વાત કરતા અચકાતા હોવ. પણ પતિ-પત્ની તરીકે એવી વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમે માબાપ તરીકેની જવાબદારી સારી રીતે ઉપાડી શકો. એકબીજાને હમદર્દી બતાવો, ધીરજ રાખો અને મનની લાગણીઓને છુપાવો નહિ. (૧ કોરીંથી ૧૦:૨૪) આમ કરવાથી ગેરસમજ દૂર થશે અને એકબીજા માટેનો પ્રેમ ગાઢ બનશે.—૧ પીતર ૩:૭, ૮.

યુગલો એકબીજા માટે કદર બતાવીને એ પ્રેમને ગાઢ બનાવી શકે છે. જે કામ માતા કરે છે એ ઘણી વખત કોઈ જોતું નથી. પણ સમજદાર પતિ, પત્નીની એ મહેનતની કદર કરશે. વિવિઅન કહે છે, ‘હું આખો દિવસ બાળકની સંભાળ રાખું છું, છતાં સાંજે એવું લાગે છે કે જાણે મેં કશું જ કર્યું નથી!’ પતિ પણ કુટુંબની સંભાળ રાખવા ઘણી મહેનત કરે છે. એટલે પત્નીએ ખ્યાલ રાખવો જોઈએ કે પતિની અવગણના ના કરે.—નીતિવચનો ૧૭:૧૭.

આમ કરી જુઓ: માતાઓ જો શક્ય હોય તો બાળક સૂએ ત્યારે તમે પણ થોડીક ઊંઘ ખેંચી લો. આમ કરવાથી તમારી ‘બેટરી રીચાર્જ’ થઈ જશે, અને લગ્‍નજીવન મજબૂત બનાવવા માટે શક્તિ હશે. પિતાઓ જ્યારે શક્ય હોય ત્યારે રાતના બાળકને દૂધ આપો અને બાળોતિયું બદલો, જેથી તમારી પત્ની આરામ કરી શકે. પત્ની માટે પ્રેમ વ્યક્ત કરવા નિયમિત રીતે કાર્ડ મૂકી શકો. એસ.એમ.એસ. કે ફોન કરી શકો. એકબીજા સાથે વાતચીત કરવા સમય કાઢવો જોઈએ. એ વાતચીત મોટાભાગે તમારા પોતાના વિષે હોવી જોઈએ. તમારા સાથી જોડે સંબંધ ગાઢ બનાવો. આમ કરશો તો માતા-પિતા બનવાથી આવતા નડતરોનો સારી રીતે સામનો કરી શકશો.

ત્રીજો પડકાર: બાળકના ઉછેરને લઈને મતભેદો.

પતિ-પત્નીનો જે રીતે ઉછેર થયો છે એના લીધે બાળકના ઉછેરમાં તેઓ વચ્ચે મતભેદો ઊભા થઈ શકે. જાપાનમાં રહેતી આસામી નામની પત્ની અને તેનો પતિ કાત્સુરોએ આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આસામી કહે છે, ‘મને લાગતું કે મારા પતિ દીકરીને ખૂબ લાડ લડાવે છે. જ્યારે કે તેને લાગતું કે હું દીકરી સાથે ખૂબ જ કડક રીતે વર્તું છું.’ તમે કઈ રીતે સંપથી બાળકનો ઉછેર કરી શકો?

સફળતાની ચાવી: સાથી જોડે વાતચીત કરો અને એકબીજાને સાથ આપો.

શાણા રાજા સુલેમાને લખ્યું, “અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્‍ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.” (નીતિવચનો ૧૩:૧૦) તમારા સાથી જે રીતે બાળકને ઉછેરવા વિચારે છે એ વિષે તમે કેટલું જાણો છો? બાળકના જન્મ પછી આ વિષે ચર્ચા કરશો તો સહમત થવું મુશ્કેલ બનશે. પરિણામે તમારું ધ્યાન બાળકના ઉછેર પર નહિ, પણ પોતાનો કક્કો ખરો કરવા પર રહેશે.

દાખલા તરીકે તમે આ સવાલોની ચર્ચા કરો: ‘કઈ રીતે બાળકને ખાવાની અને સૂવાની સારી આદતો શીખવીએ? રાત્રે જો બાળક રડે તો શું એને હરવખત ઊંચકી લેવું જોઈએ? તાલીમ આપવા છતાં બાળક જ્યાં ત્યાં બગાડે તો શું કરશો?’ ખરું કે તમે જે નિર્ણય લેશો એ બીજા યુગલો કરતાં અલગ હશે. ઈથાન, જે બે બાળકોના પિતા છે તે કહે છે, ‘જો તમે આવા વિષયો પર વાત કરીને એકમત થશો, તો બાળકોનો સારી રીતે ઉછેર કરી શકશો.’

આમ કરી જુઓ: તમારા માબાપે તમને કેવી રીતે ઉછેર્યા એનો વિચાર કરો. તેઓની રીતોમાંથી કઈ અપનાવશો અને કઈ નહિ એ નક્કી કરો. તમે જે નક્કી કર્યું છે એ તમારા સાથી જોડે ચર્ચા કરો.

બાળક લગ્‍નજીવનને મજબૂત બનાવી શકે છે

જેમ સાઇકલ શીખવા સમય અને ધીરજની જરૂર પડે છે, એવી જ રીતે માબાપની જવાબદારી સારી રીતે નિભાવવા સમય અને ધીરજ માગી લે છે. પણ પ્રયત્ન કરવાથી તમે જરૂર સફળ થશો.

બાળક થાય ત્યારે લગ્‍નબંધન અને વફાદારીની કસોટી થતી હોય છે. એ ઉપરાંત, તમારા સાથી જોડેના સંબંધમાં ઘણો ફેરફાર થાય છે. એનાથી તમને સદ્‍ગુણો કેળવવાની સરસ તક મળે છે. જો બાઇબલની સલાહ લાગુ પાડશો, તો તમે પણ કેનેથ નામના પિતાની જેમ અનુભવશો. તે કહે છે, ‘બાળકોનો ભેગાં મળીને ઉછેર કરવાથી અમારા પર ઘણી સારી અસર પડી. હવે અમે પોતાના કરતાં એકબીજાનો વધારે વિચાર કરીએ છીએ. અમારા વચ્ચે પ્રેમ વધ્યો છે, અને એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ.’ લગ્‍નજીવનમાં આવા સારા ફેરફાર થાય એ કોને ન ગમે! (w11-E 05/01)

^ આ લેખમાં નામ બદલવામાં આવ્યાં છે.

^ બાળકના જન્મના પછીના અઠવાડિયાઓમાં ઘણી માતાઓ સમયે સમયે ડિપ્રેશનમાં આવી જાય છે. અમુક માતાઓ વધારે ગંભીર પરિસ્થિતિમાં આવી જાય છે, જેને “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન” કહે છે. આવા ડિપ્રેશનને પારખવું અને એને કઈ રીતે હાથ ધરવું એ વિષે વધારે માહિતી જુલાઈ ૨૨, ૨૦૦૨ અને જૂન ૮, ૨૦૦૩ના અવેક!માંથી મળશે. આ મૅગેઝિન યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે. આ માહિતી તમે www.watchtower.org વેબસાઈટ પરથી પણ જોઈ શકો છો.

^ બાઇબલના એક નિષ્ણાંત પ્રમાણે ઉત્પત્તિ ૨:૨૪માં ‘વળગી રહેશે’ માટે વપરાયેલ હેબ્રી શબ્દનો અર્થ થાય કે ‘કોઈ વ્યક્તિને ખૂબ પ્રેમ બતાવીને હંમેશાં વફાદાર રહેવું.’

તમે પોતાને પૂછો . . .

  • છેલ્લા અઠવાડિયામાં મેં એવું શું કર્યું છે, જેથી મારા સાથીને લાગે કે કુટુંબ માટેના તેના પ્રયત્નોની કદર કરું છું?

  • બાળકોની વાત સિવાય મેં મારા સાથી જોડે છેલ્લે ક્યારે દિલ ખોલીને વાત કરી હતી?