સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ

બાળકોમાં સારા સંસ્કાર સિંચો

બાળકોમાં સારા સંસ્કાર સિંચો

મૅક્સિકોમાં રહેતી લોઇડા * નામની માતા કહે છે: ‘સ્કૂલમાં યુવાનોને કૉન્ડમ આપવામાં આવે છે. એટલે તેઓને લાગે છે કે જ્યાં સુધી એનો ઉપયોગ કરો ત્યાં સુધી સેક્સ માણવામાં કંઈ વાંધો નથી.’

જાપાનમાં રહેતી નોબુકો નામની માતા કહે છે: ‘મેં મારા દીકરાને પૂછ્યું કે “જો તું અને તારી ગર્લફ્રેન્ડ ઘરે એકલા હોવ, તો શું કરશો?” તેણે કહ્યું “ખબર નહિ?”’

તમારા બાળકો નાના હતા ત્યારે તમે ઘરમાં જરૂર તેઓની સલામતીની કાળજી રાખી હશે. કદાચ તમે ઇલેક્ટ્રિક પ્લગ બંધ કર્યા હશે. અણી કે ધારવાળા સાધનો ઊંચા મૂક્યા હશે. પગથિયાં પરથી પડી ન જાય માટે જાળી મૂકી હશે. બાળકોની સલામતી માટે તમે બનતું બધું જ કર્યું હશે, ખરું ને!

પણ બાળકો તરુણ વયના થાય તેમ તેઓની સંભાળ રાખવી અઘરું બને છે. હવે તમને કદાચ વધારે ચિંતા થાય છે: ‘શું મારો દીકરો પોર્નોગ્રાફી જોતો હશે?’ ‘શું મારી દીકરી મોબાઇલ પર પોતાના અશ્લીલ ફોટા મોકલતી હશે?’ અમુક માબાપને ચિંતા છે કે ‘કંઈ મારા બાળકો શારીરિક સંબંધ તો બાંધતા નહિ હોય ને.’

ચોવીસ કલાક નજર રાખવાનો કોઈ ફાયદો?

અમુક માબાપ, યુવાન બાળકો પર ચોવીસ કલાક નજર રાખવા પ્રયત્ન કરે છે. તેઓના દરેક કામમાં જાસૂસી કરે છે. આમ કરવાથી સારું પરિણામ આવ્યું નથી. બાળકો છાનીછૂપીથી ખોટાં કામો કરતા શીખી જાય છે. અરે તેઓ પોતાના કામોને સંતાડવાના ઍક્સ્પર્ટ બની જાય છે. આખરે માબાપે આ હકીકત સ્વીકારવી પડે છે.

આ બતાવે છે કે બાળકો પર જાસૂસી કરવાનો કોઈ ફાયદો નથી. જો ઈશ્વર યહોવાહ પોતાના ભક્તોની જાસૂસી કરતા ના હોય તો, તો શું માબાપે કરવી જોઈએ? (પુનર્નિયમ ૩૦:૧૯) તો પછી બાળકોને સારા નિર્ણય લેવા કઈ રીતે મદદ કરી શકાય?​—નીતિવચનો ૨૭:૧૧.

સૌથી મહત્ત્વનું એ છે કે તેઓ સાથે નિયમિત રીતે જાતીય બાબતો વિષે વાત કરવી જોઈએ. તેઓ હજી નાના હોય ત્યારે એ ચર્ચા શરૂ કરવી જોઈએ. * (નીતિવચનો ૨૨:૬) બાળકો યુવાન બને ત્યારે ખાસ કરીને એવી ચર્ચાઓ કરતા રહેવું જોઈએ. માબાપની જવાબદારી છે કે તેઓ બાળકોને સેક્સની બાબતો વિષે યોગ્ય માહિતી આપે. બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની એલિસ્યા કહે છે: ‘ઘણા લોકો માને છે કે યુવાનોને સેક્સ વિષેની ચર્ચા મમ્મી-પપ્પાને બદલે મિત્રો સાથે કરવી વધારે ગમે છે. પણ એ સાચું નથી. અમે ચાહીએ છીએ કે એ બાબતો મમ્મી-પપ્પા અમને જણાવે. તેઓ જે કહે એમાં અમે પૂરો ભરોસો મૂકી શકીએ છીએ.’

સારા સંસ્કાર આપવા બહુ જરૂરી છે

બાળકો મોટા થાય તેમ તેઓને જણાવો કે કઈ રીતે ગર્ભ રહે છે, અને બાળકનો જન્મ થાય છે. એ ઉપરાંત સેક્સને લગતી બાબતોમાં ‘ખરૂંખોટું પારખવાનું’ શિક્ષણ પણ આપો. (હેબ્રી ૫:૧૪) સારી વર્તણૂક માટે તેઓના દિલમાં સારા સંસ્કાર સિંચવાની જરૂર છે. તમે કઈ રીતે તમારા બાળકોમાં સારા સંસ્કાર સિંચી શકો?

પ્રથમ તમે માબાપ તરીકે પોતાના સંસ્કાર વિષે વિચારો. કદાચ તમે પણ માનો છો કે લગ્‍નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવો પાપ છે. (૧ થેસ્સાલોનીકી ૪:૩) શક્ય છે કે બાળકો પણ તમારા વિચારો જાણતા હશે. કદાચ તેઓને એ માન્યતાને ટેકો આપતી કોઈ બાઇબલ કલમ પણ ખબર હશે. જો કોઈ વ્યક્તિ તેઓને પૂછે તો તેઓ તરત જ કહેશે કે વ્યભિચાર કરવો પાપ છે.

એ શિક્ષણ સારું છે, પણ એટલું જ પૂરતું નથી. વ્યભિચારથી દૂર રહેવા વિષે એક પુસ્તક (સેક્સ સ્માર્ટ) જણાવે છે કે ઉપર-ઉપરથી બાળકો માબાપની માન્યતા સાથે સહમત થશે. પણ ‘એ વિષે તેઓએ શું કરવું એ બરાબર રીતે જાણતા નથી. એટલે અણધાર્યા સંજોગોમાં સેક્સ માણવાની તક મળે ત્યારે શું કરવું, શું કહેવું એ સૂઝતું નથી. ઘણી વાર તેઓ મૂંઝાઈ જઈને એમાં ફસાઈ જાય છે.’ આ કારણને લીધે જરૂરી છે કે બાળકોને સારા સંસ્કાર આપો. પણ કઈ રીતે?

સ્પષ્ટ જણાવો કે સારા સંસ્કાર કોને કહેવાય.

શું તમે માનો છો કે લગ્‍ન કર્યા પછી જ જાતીય સંબંધ બાંધવો જોઈએ? જો એમ હોય તો બાળકોને સ્પષ્ટ રીતે જણાવતા રહો. આ વિષે સંશોધનનો અહેવાલ આપતા એક પુસ્તક જણાવે છે કે ‘જે માબાપ સ્પષ્ટ રીતે પોતાના યુવાનોને જણાવે છે કે તેઓના મને લગ્‍ન પહેલાં સેક્સ માણવું પાપ છે, એવા મોટાભાગના યુવાનો વ્યભિચાર કરવાનું ટાળે છે.’​—બીયોંડ ધ બીગ ટૉક.

ભલે તમે બાળકોને પોતાની માન્યતા જણાવો, કોઈ ખાતરી નથી કે તેઓ પણ એ જ પ્રમાણે વર્તશે. પણ જો તમે સારો પાયો બાંધશો તો બાળકો જરૂર એ પાયા પર પોતાના વિચારો બાંધી શકશે. સંશોધન એ પણ સાબિત કરે છે કે યુવાનીમાં ભલે બાળકો માબાપે આપેલા સંસ્કારોને થોડા-ઘણા અવગણે, છેવટે તેઓ એ સંસ્કારો સ્વીકારે છે.

આમ કરી જુઓ: બાળકો સાથે સંસ્કાર વિષે ચર્ચા કરવા કોઈ સમાચારનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે, બળાત્કારના કોઈ સમાચાર સાંભળ્યા હોય તો તમે કદાચ આવું કંઈક કહી શકો: ‘અમુક પુરુષો, સ્ત્રીઓ સાથે આવી ખરાબ રીતે વર્તે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે. તને શું લાગે છે લોકોને આવું કરવાનું મન કેમ થાય છે?’

સેક્સની બાબતો વિષે સ્પષ્ટ સમજણ આપો.

બાળકોને એ વિષે ચેતવવા બહુ જરૂરી છે. (૧ કોરીંથી ૬:૧૮; યાકૂબ ૧:૧૪, ૧૫) બાઇબલ જણાવે છે કે શેતાન સેક્સ દ્વારા લોકોને ફસાવે છે. પણ બાઇબલમાં મોટા ભાગના કિસ્સાઓ બતાવે છે કે ઈશ્વરે આપણને સેક્સ માણવાની એક ભેટ આપી છે. (નીતિવચનો ૫:૧૮, ૧૯; ગીતોનું ગીત ૧:૨) જો તમે બાળકોને ફક્ત એટલું જ કહેશો કે સેક્સ માણવું ખોટું છે, તો તેઓની સમજણ અધૂરી રહેશે. તેઓના વિચારો બાઇબલ આધારિત નહિ હોય. ફ્રાંસમાં રહેતી કોરિના કહે છે, ‘મારા માબાપ હંમેશાં વ્યભિચારને લઈને ભાષણો આપતા. એટલે હવે મારા મને સેક્સ માણવું ખોટું છે.’

ખાતરી કરો કે તમારા બાળકોને સેક્સને લગતી બાબતો વિષે પૂરી માહિતી હોય. મૅક્સિકોમાં રહેતી નાદિયા નામની માતા કહે છે, ‘હું હંમેશાં બાળકોને સમજાવું છું કે યહોવાહે આપણને જાતીય સંબંધનો આનંદ માણી શકીએ એ રીતે બનાવ્યા છે. આ તેમની એક સુંદર ભેટ છે. પણ એ સંબંધ ફક્ત લગ્‍નસાથી પૂરતો જ હોવો જોઈએ. નહિ તો એ સંબંધથી ઘણું દુઃખ આવી શકે. વ્યક્તિ પર આધાર રાખે છે કે તે કેવું પરિણામ ચાહે છે.’

આમ કરી જુઓ: તમે હવેથી બાળકો સાથે સેક્સને લગતી બાબતો વિષે વાત કરો ત્યારે અંતમાં એના વિષે કંઈ સારું જણાવો. સેક્સ માણવું ઈશ્વરે આપેલી એક ભેટ છે, એમ કહેતા અચકાશો નહિ. બાળકોને જણાવો કે તેઓ લગ્‍ન પછી એનો આનંદ માણી શકે છે. એમ પણ જણાવો: ‘એ સમય આવે ત્યાં સુધી મને પૂરી ખાતરી છે કે તું ઈશ્વરના ધોરણોને જાળવી રાખશે.’

યુવાનોને ખરાબ પરિણામો વિષે સમજવા મદદ કરો.

આપણે દરેક સારા નિર્ણયો લેવા ચાહીએ છીએ. એ માટે જાણવાની જરૂર છે કે આપણી આગળ કેવી પસંદગી રહેલી છે. દરેકમાં સારું શું ને ખરાબ શું એ પારખવાની જરૂર છે. યુવાનોને પણ એ શીખવાની જરૂર છે. એમ ન ધારો કે સેક્સની બાબતો વિષે તેઓ ખરું-ખોટું જાણે એટલું પૂરતું છે. ઑસ્ટ્રેલિયામાં રહેતી એમ્માનો વિચારો કરો. તે કહે છે: ‘યુવાનીમાં મેં અમુક મોટી ભૂલ કરી. હવે મને ભાન થયું કે યહોવાહના ધોરણો જાણવા એક બાબત છે, પણ એને પાળવા એ બીજી વાત છે. એ જાણવું બહુ જરૂરી છે કે એ ધોરણોને વળગી રહેવાથી કેવા લાભ થાય છે, અને વળગી ન રહેવાથી કેવું દુઃખ ભોગવવું પડે છે.’

આ બાબતમાં બાઇબલ ઘણી મદદ કરે છે. એમાંની ઘણી આજ્ઞાઓ જાણ્યા પછી જોવા મળે છે કે એને ન પાળવાથી શું થાય છે. દાખલા તરીકે, સુભાષિતસંગ્રહ (નીતિવચનો) ૫:૮, ૯ યુવાન પુરુષોને અરજ કરે છે કે વ્યભિચાર ન કરો નહિ તો ‘પ્રતિષ્ઠા ગુમાવશો.’ (કોમન લેંગ્વેજ) આ કલમો બતાવે છે કે જેઓ લગ્‍ન પહેલાં સેક્સ માણે છે તેઓ અમુક હદે પોતાની આબરૂ, સંસ્કાર અને સ્વમાન ગુમાવે છે. એટલે જેઓના સંસ્કાર સારા છે તેઓ એવી વ્યક્તિઓ સાથે લગ્‍ન કરવાનું ટાળશે. યુવાનોએ જાણવાની જરૂર છે કે પાપ કરવાથી કેવી બીમારી થઈ શકે. તેઓ પર કેવી તકલીફો આવશે. લાગણીઓ પર કેવી ઠેસ પહોંચશે. ઈશ્વર સાથે નાતો કપાઈ જઈ શકે. આ બાબતો પર મનન કરવાથી યુવાનોને ઈશ્વરના ધોરણોને વળગી રહેવા પ્રેરણા મળશે. *

આમ કરી જુઓ: દાખલા અને દૃષ્ટાંતોથી યુવાનોને સમજાવો કે ઈશ્વરના ધોરણોને વળગી રહેવું કેમ આપણા ભલા માટે છે. દાખલા તરીકે, માબાપ બાળકને આવું કંઈક કહી શકે: ‘તાપણાની આગ સારી છે પણ જંગલની આગ નુકસાનકારક છે. આ બંને વચ્ચેનો ફરક કઈ રીતે સેક્સ વિષે ઈશ્વરના ધોરણોને લાગુ પડે છે?’ પછી નીતિવચનો ૫:૩-૧૪નો ઉપયોગ કરીને યુવાનોને શીખવો કે વ્યભિચાર કરવાથી કેવાં માઠાં પરિણામો આવે છે.

જાપાનમાં રહેતો ૧૮ વર્ષનો તકાઓ કહે છે: ‘મને ખબર છે કે જે સારું છે એ કરવું જોઈએ. પણ મારી લાગણીઓ મને બીજી બાજુ ખેંચે છે.’ ઘણા યુવાનોને તકાઓ જેવું લાગે છે. તેઓ ઈશ્વરભક્ત પાઊલના દાખલામાંથી દિલાસો મેળવી શકે. તેમણે કહ્યું: “સારૂં કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.”​—રૂમી ૭:૨૧.

જો યુવાનોને આવું લાગતું હોય તો તેઓએ એવું સમજી ન લેવું જોઈએ કે એમાં કંઈ ખોટું છે. એના દ્વારા તેઓ વિચારી શકે કે તેઓને કેવી વ્યક્તિ બનવું છે. તેઓ આ પ્રશ્નોના જવાબ પર વિચાર કરી શકે: ‘શું હું મારા જીવન પર કાબૂ રાખવા માંગું છું? શું હું ચાહું છું કે લોકો મને સંસ્કારી વ્યક્તિ તરીકે જુએ? કે પછી વાસના સંતોષતા હોય એવા લોકો જેવો બનવા માંગું છું?’ જો તમે યુવાનોના દિલમાં સારા સંસ્કાર સિંચ્યા હશે, તો તેઓ આ પ્રશ્નો પર વિચાર કરીને સારા નિર્ણયો લઈ શકશે. (w11-E 02/01)

^ આ લેખમાં નામ બદલવામાં આવ્યાં છે.

^ બાળકો સાથે સેક્સ વિષેની બાબતોની ચર્ચા કઈ રીતે શરૂ કરવી એ માટે ડિસેમ્બર ૧, ૨૦૧૦નું ચોકીબુરજ પાન ૧૨-૧૪ જુઓ. આ લેખ એ પણ સમજાવે છે કે બાળકની ઉંમર પ્રમાણે કેવી અને કેટલી માહિતી જણાવવી જોઈએ.

^ વધુ માહિતી માટે એપ્રિલ ૨૦૧૦ના અવેક!માં ‘યુવાનો પૂછે છે . . . શું સેક્સ માણવાથી અમારા વચ્ચેનો સંબંધ વધારે સારો બનશે?’ લેખ જુઓ. આ મૅગેઝિન યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

તમે પોતાને પૂછો . . .

  • હું કઈ રીતે જાણી શકું કે મારા બાળકો ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવે છે કે નહિ?

  • યુવાનો સાથે સેક્સ વિષે ચર્ચા કરતી વખતે હું એને કઈ રીતે રજૂ કરું છું—ઈશ્વરની ભેટ કે શેતાનનો ફાંદો?