સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક્યારેય આશા ગુમાવશો નહિ!

ક્યારેય આશા ગુમાવશો નહિ!

શું તમે વર્ષોથી યહોવાના એવા સાક્ષી છો, જે ચાહે છે કે પોતાનું જીવનસાથી પણ યહોવાને ભજે?

અથવા, તમારો કોઈ બાઇબલ વિદ્યાર્થી એક સમયે સારી પ્રગતિ કરતો હતો, પણ હવે, તે આગળ શીખવાની ના પાડે છે. એવા વખતે શું તમે નિરાશ થયા છો?

ચાલો, બ્રિટનમાં બનેલા અમુક અનુભવો જોઈએ. એ તમને આશા ન ગુમાવવા મદદ કરશે. તમે એ પણ જોઈ શકશો કે કઈ રીતે ‘તમારું અન્‍ન પાણી પર નાખી’ શકો. (સભા. ૧૧:૧) એટલે કે, એવા વ્યક્તિઓને મદદ કરી શકો, જેઓ સત્ય તરફ હજી આગળ વધ્યા નથી.

ટકી રહેવું ખૂબ જરૂરી

ટકી રહેવું એ ખૂબ મહત્ત્વનું પાસું છે. તમારે યહોવાને અને સત્યને વળગી રહેવું જોઈએ. (પુન. ૧૦:૨૦) એવું જ કંઈક આપણાં એક બહેન જ્યોરજીનાએ કર્યું. તેમણે ૧૯૭૦માં યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એને લીધે, તેમનાં પતિ કેર્યાકોસ તેમનાં પર ખૂબ ગુસ્સે થતા. તે તેમનો અભ્યાસ અટકાવવા પ્રયત્નો કરતા. સાક્ષીઓને ઘરમાં આવવા દેતા નહિ. અને સાક્ષીઓનું સાહિત્ય ઘરમાં મળે તો એ ફેંકી દેતા.

જ્યોરજીનાએ સભાઓમાં જવાનું શરૂ કર્યું ત્યારે, કેર્યાકોસ વધારે ગુસ્સે થયા. એક દિવસે તે ઝઘડો કરવા રાજ્યગૃહ પહોંચી ગયા. એક બહેનને ખબર પડી કે કેર્યાકોસ અંગ્રેજી કરતાં ગ્રીક વધારે સારું બોલે છે. એટલે, તેમણે બીજા મંડળના ગ્રીક ભાઈને ફોન કર્યો, જેથી તે આવીને કેર્યાકોસને મદદ કરે. તે ભાઈ ખૂબ નમ્ર રીતે વર્ત્યા. તેથી, કેર્યાકોસે પણ સારો વ્યવહાર કર્યો. તેમણે અમુક મહિનાઓ બાઇબલ અભ્યાસ પણ કર્યો. પણ, પછી બંધ કરી દીધો.

ત્યાર પછીના ત્રણ વર્ષ જ્યોરજીનાએ વિરોધ સહન કર્યો. કેર્યાકોસે તેને કડક શબ્દોમાં કહ્યું કે, જો તેણે બાપ્તિસ્મા લીધું તો તેને છોડી દેશે. કેર્યાકોસ એવું ન કરે એ માટે જ્યોરજીનાએ બાપ્તિસ્માના દિવસે યહોવાને ખંતથી પ્રાર્થના કરી. ભાઈઓ જ્યારે તેને સંમેલનમાં લઈ જવા આવ્યા, ત્યારે કેર્યાકોસે તેઓને કહ્યું, ‘તમે લોકો આગળ જાઓ, અમે તમારી પાછળ કારમાં આવીએ છીએ.’ કેર્યાકોસે સવારનું સેશન સાંભળ્યું અને પોતાની પત્નીને બાપ્તિસ્મા લેતાં જોઈ!

જ્યોરજીના પહેલી સભામાં ગયાં એનાં આશરે ૪૦ વર્ષ પછી તેમના પતિએ બાપ્તિસ્મા લીધું

એ પછી, કેર્યાકોસનો વિરોધ ઓછો થતો ગયો. સમય જતા, તેમણે ઘણા મોટા ફેરફારો કર્યા. જ્યોરજીના પહેલી સભામાં ગયાં એનાં આશરે ૪૦ વર્ષ પછી કેર્યાકોસે બાપ્તિસ્મા લીધું. કેર્યાકોસને શાનાથી મદદ મળી? તે જણાવે છે, ‘હું જ્યોરજીનાથી ઘણો ખુશ છું, કેમ કે તે કોઈ પણ ભોગે યહોવાની ભક્તિ કરતા રહેવા મક્કમ હતી.’ જ્યોરજીના કહે છે, ‘મારા પતિના વિરોધ છતાં, હું કદી યહોવાની ભક્તિ છોડવાની નહોતી. એ દરમિયાન મેં યહોવાને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું અને આશા ક્યારેય ગુમાવી નહિ.’

કેળવેલા નવા ગુણો કિંમતી છે

ખ્રિસ્તી ગુણો કેળવીને પણ લગ્‍નસાથીને મદદ કરી શકાય છે. પ્રેરિત પીતરે ખ્રિસ્તી પત્નીઓને સલાહ આપી: ‘એ જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તે પોતાની પત્નીનાં આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.’ (૧ પીત. ૩:૧, ૨) પોતાના પતિને મેળવી લેતાં, ક્રિસ્ટીનને ઘણાં વર્ષો લાગ્યાં. છતાં, તેમણે એ સલાહ પ્રમાણે કરવાનું છોડ્યું નહિ. વીસ વર્ષ પહેલાં જ્યારે તે યહોવાના સાક્ષી બન્યાં, ત્યારે તેમનાં પતિ જોન ઈશ્વરમાં માનતા નહોતા. તે કોઈ પણ ધર્મ પાળવા માંગતા નહોતા. પરંતુ, તે જોઈ શકતા હતા કે ક્રિસ્ટીન માટે આ નવો ધર્મ બહુ મહત્ત્વનો છે. તે જણાવે છે, ‘હું જોઈ શકતો હતો કે, એનાથી તેને ઘણી ખુશી મળતી. તે બહુ હિંમતથી કામ લેતાં શીખી અને એના લીધે તે મને ઘણા બધા મુશ્કેલ સંજોગોમાં મદદ કરી શકી.’

ક્રિસ્ટીને તેનો ધર્મ સ્વીકારવા કદી પણ જોનને દબાણ કર્યું નહિ. જોન કહે છે, ‘ક્રિસ્ટીને પારખ્યું કે મારી સાથે ધર્મ વિશે વાત ન કરે એમાં જ ભલાઈ છે. હું મારી રીતે શીખું એ માટે તેણે ધીરજ રાખી.’ જોનને વિજ્ઞાન અને કુદરત જેવાં વિષયોમાં રસ હતો. તેથી, ચોકીબુરજ કે સજાગ બનો!માં એવા વિષય પર કોઈ લેખ હોય તો, ક્રિસ્ટીન આમ કહીને જોનને વાંચવા આપતાં: ‘મને લાગે છે કે તમને આ લેખ વાંચવો ગમશે.’

સમય જતા, જોન પોતાના કામથી નિવૃત્ત થયા અને થોડો ઘણો સમય માળીકામમાં વિતાવવા લાગ્યા. હવે, તેમની પાસે જીવનના ઊંડા સવાલો પર વિચારવાનો સમય હતો. તે વિચારવા લાગ્યા, ‘શું કોઈ અકસ્માતોને લીધે મનુષ્યોનું જીવન અસ્તિત્વમાં આવ્યું છે, કે પછી મનુષ્યોને રચવામાં આવ્યા છે.’ એક દિવસે, જોન આપણા ભાઈ સાથે વાતચીત કરી રહ્યા હતા અને ભાઈએ પૂછ્યું, ‘શું તમને અભ્યાસ કરવો ગમશે?’ જોન કહે છે, ‘હવે, હું ઈશ્વરમાં માનવા લાગ્યો હતો, માટે મેં એ આમંત્રણ સ્વીકાર્યું.’

ક્રિસ્ટીને કદી આશા ગુમાવી નહિ, એ કેટલું મહત્ત્વનું હતું! તેમણે ૨૦ વર્ષ પ્રાર્થના કરી કે જોન સત્ય સ્વીકારે અને આખરે પ્રાર્થના ફળી. હવે, બંને ઉત્સાહથી યહોવાની ભક્તિ કરે છે. જોન કહે છે, ‘ખાસ કરીને બે બાબતોએ મને જીતી લીધો. એ છે, નમ્રતા અને સાક્ષીઓનો મળતાવડો સ્વભાવ. જો તમે યહોવાના સાક્ષીને પરણ્યા હો, તો ખૂબ જ વિશ્વાસુ અને નિઃસ્વાર્થ જીવનસાથી તમારી સાથે છે.’ હા, ક્રિસ્ટીને ૧ પીતર ૩:૧ના શબ્દો પ્રમાણે કર્યું અને એ કામ કરી ગયું!

ઘણાં વર્ષો પછી પણ બીજ ફળ આપે છે

રસ ધરાવનાર બાઇબલ વિદ્યાર્થી કોઈ કારણને લીધે અભ્યાસ કરવાનું બંધ કરી દે તો, શું કરવું જોઈએ? રાજા સુલેમાને લખ્યું: ‘સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે, કે એ સફળ થશે, અથવા એ બંને સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.’ (સભા. ૧૧:૬) અમુક વખતે, કોઈકના દિલમાં સત્યના બીજને ઊગતા કદાચ ઘણાં વર્ષો લાગે. જોકે, સમય જતા તેને કદાચ સમજાશે કે ઈશ્વર સાથે સંબંધ બાંધવો કેટલો મહત્ત્વનો છે. (યાકૂ. ૪:૮) હા, બની શકે કે એક દિવસે તમને ખુશીના એ સમાચાર મળે.

એલીસનો વિચાર કરો. તે ભારતથી ઇંગ્લૅન્ડ રહેવાં ગયાં. વર્ષ ૧૯૭૪માં તેમણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તે હિંદી બોલતાં હતાં, પણ તેમણે અંગ્રેજી વધારે સારી રીતે બોલતાં શીખવું હતું. થોડાં વર્ષો અભ્યાસ ચાલ્યો અને અમુક વાર તે અંગ્રેજી મંડળમાં પણ ગયાં. તે જાણતાં હતાં કે જે શીખી રહ્યાં છે એ સત્ય છે, પણ એનું મહત્ત્વ સમજી શક્યાં નહિ. એને બદલે, તેમને પૈસા કમાવવામાં રસ હતો અને પાર્ટીઓમાં જવાનું ઘણું ગમતું. સમય જતા, એલીસે બાઇબલ અભ્યાસ કરવાનું બંધ કરી દીધું.

અભ્યાસ ચલાવનાર બહેન સ્ટેલાને, આશરે ૩૦ વર્ષ પછી એલીસનો એક પત્ર મળ્યો, જેમાં આમ લખ્યું હતું: ‘મને પૂરી ખાતરી છે કે તમને જાણીને ઘણી ખુશી થશે કે ૧૯૭૪માં તમે જેની સાથે અભ્યાસ કરતાં હતાં, તેણે હાલના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું છે. તમે મારા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તમે સત્યનું બીજ મારા દિલમાં વાવ્યું હતું. ખરું કે, એ સમયે ઈશ્વરને સમર્પણ કરવાનું હું નક્કી ન કરી શકી, પણ સત્યનું બી મારા દિલમાં હંમેશાં હતું.’

એલીસ તરફથી સ્ટેલાને મળેલા પત્રમાં લખ્યું હતું: ‘મને પૂરી ખાતરી છે કે તમને જાણીને ઘણી ખુશી થશે કે ૧૯૭૪માં તમે જેની સાથે અભ્યાસ કરતાં હતાં, તેણે હાલના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું છે’

એલીસ જણાવે છે કે એવું કઈ રીતે બન્યું. વર્ષ ૧૯૯૭માં તેમનાં પતિ ગુજરી જવાથી, તે બહું ઉદાસ થઈ ગયાં. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી. અને દસ મિનિટમાં જ બે પંજાબી સાક્ષીઓ તેમના ઘરે આવ્યા. મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા? પત્રિકા તેઓ આપી ગયા. એલીસને લાગ્યું કે તેની પ્રાર્થનાનો જવાબ મળ્યો છે. અને તેમણે નક્કી કર્યું કે યહોવાના સાક્ષીઓનો સંપર્ક તે કરશે. પણ, તેઓનું સરનામું ક્યા મળી શકે? તેમને એક જૂની ડાયરી મળી. એમાં પંજાબી મંડળનું સરનામું હતું, જે સ્ટેલાએ આપ્યું હતું. એલીસ ત્યાં ગયાં. ત્યાં, પંજાબી બોલતાં ભાઈ-બહેનોએ એલીસનો દિલથી આવકાર કર્યો. એલીસ જણાવે છે, ‘તેઓએ બતાવેલો પ્રેમ મારા દિલને અસર કરી ગયો. તેમ જ, મને ઉદાસીમાંથી બહાર આવવા ઘણી મદદ મળી.’

તે નિયમિત રીતે સભાઓમાં જવા લાગ્યાં, બાઇબલ અભ્યાસ ફરી શરૂ કર્યો અને પંજાબી સારી રીતે બોલતાં-લખતાં શીખ્યાં. વર્ષ ૨૦૦૩માં તેમણે બાપ્તિસ્મા લીધું. સ્ટેલાને લખેલાં પત્રના અંતમાં તેમણે આમ લખ્યું હતું: ‘તમે ૨૯ વર્ષ પહેલાં જે બી વાવ્યાં અને મારા માટે જે સારો દાખલો બેસાડ્યો હતો, એ માટે તમારો ઘણો આભાર.’

‘તમે ૨૯ વર્ષ પહેલાં જે બી વાવ્યાં અને મારા માટે જે સારો દાખલો બેસાડ્યો હતો, એ માટે તમારો ઘણો આભાર.’—એલીસ

આ અનુભવો પરથી શું શીખી શકીએ? આપણા ધાર્યા કરતાં, વ્યક્તિને સત્ય સ્વીકારતા કદાચ વધારે સમય લાગે. પણ, જો તેને ઈશ્વરને ઓળખવાની ભૂખ હશે, તે ઈમાનદાર અને નમ્ર હશે, તો યહોવા ચોક્કસ સત્યનું બી તેના દિલમાં ઉગાડશે. ઈસુએ દૃષ્ટાંતમાં કહેલી વાતને યાદ કરો. તેમણે કહ્યું, ‘બી ઊગે ને વધે, પણ શી રીતે એ બી વાવનાર જાણતો નથી. ભોંય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરા દાણા.’ (માર્ક ૪:૨૬-૨૮) વૃદ્ધિ ધીરે અને “પોતાની મેળે” થાય છે. હકીકતમાં, રાજ્યનો સંદેશો જાહેર કરનાર વ્યક્તિ જાણતી નથી કે એ વૃદ્ધિ કઈ રીતે થશે. તેથી, પુષ્કળ પ્રમાણમાં વાવતા રહીએ તો, કદાચ પુષ્કળ પ્રમાણમાં લણીશું.

વધુમાં, પ્રાર્થનાનું મહત્ત્વ કદી ભૂલીએ નહિ. જ્યોરજીના અને ક્રિસ્ટીન, યહોવાને પ્રાર્થના કરતાં રહ્યાં. તમે પણ “પ્રાર્થનામાં લાગુ રહો” અને કદી આશા ગુમાવશો નહિ. એમ કરવાથી, ‘ઘણા દિવસો પછી’ કદાચ તમને ‘અન્‍ન’ પાછું મળે જે તમે ‘પાણી પર નાખ્યું’ હતું.—રોમ. ૧૨:૧૨; સભા. ૧૧:૧.