સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તે સ્ત્રી કાયાફાસના કુટુંબની હતી

તે સ્ત્રી કાયાફાસના કુટુંબની હતી

ઘણી વાર પુરાતત્ત્વ વિભાગે કરેલી શોધ સીધેસીધી કે બીજી કોઈ રીતે, ખાતરીમાં વધારો કરે છે કે બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવેલી વ્યક્તિ, હકીકતમાં હતી. દાખલા તરીકે, એક ખોજમાં એવું જ કંઈક મળી આવ્યું, જે વિશે ઈસ્રાએલી વિદ્વાનોએ ૨૦૧૧માં માહિતી બહાર પાડી. એ ૨,૦૦૦ વર્ષ જૂની, કોતરણી કરેલી ચૂનાના પથ્થરની નાની પેટી છે. ગુજરી ગયેલી એક વ્યક્તિનું શરીર ગળી ગયા પછી, તેનાં હાડકાં એમાં મૂકવામાં આવ્યાં હતાં.

આ પેટી પર આવું લખાણ છે: “બેથઈમરીના માઆઝયાના યાજક, કાયાફાસના દીકરા યેશૂઆની દીકરી મીરિયમ.” ઈસુની કસોટી કરવામાં અને મરણની સજા ફટકારવામાં સંડોવાયેલો યહુદી પ્રમુખ યાજક કાયાફાસ હતો. (યોહા. ૧૧:૪૮-૫૦) ઇતિહાસકાર ફ્લેવીઅસ જોસેફસ તેને “યુસફ, જે કાયાફાસ કહેવાતો” એમ ઓળખાવે છે. દેખીતું છે કે આ પેટી કાયાફાસના સગાંમાંથી કોઈકની હતી. આની પહેલાં મળેલી એક પેટી ખુદ પ્રમુખ યાજકની હોય એવું માનવામાં આવે છે. એ પેટી પરનું લખાણ છે, “યેહોસેફ બર કેફા” જેનો અર્થ થાય, કાયાફાસનો a પુત્ર યુસફ. આમ, મીરિયમ કોઈક રીતે કાયાફાસનાં સગાંમાં હતી.

ઈસ્રાએલ ઍન્ટિક્વિટીસ ઑથોરિટિએ આપેલી માહિતી પ્રમાણે, મીરિયમની પેટી ચોરો પાસેથી જપ્ત કરવામાં આવી હતી, જેઓએ એક પ્રાચીન કબર લૂંટી હતી. આ પેટી અને એના પરના લખાણનો અભ્યાસ કરવાથી એની સચ્ચાઈનો પુરાવો મળે છે.

મીરિયમના હાડકાંની પેટી પરથી આપણને કંઈક નવું પણ જાણવા મળે છે. એમાં “માઆઝયા” વિશે વાત થઈ છે, જે યરૂશાલેમના મંદિરમાં વારાફરતી સેવા આપતા યાજકોના વર્ગોમાંનો છેલ્લો હતો. (૧ કાળ. ૨૪:૧૮) એ પેટી પરનું લખાણ જણાવે છે કે “કાયાફાસનું કુટુંબ માઆઝયા વર્ગના સગાંમાં હતું,” એવું ઈસ્રાએલ ઍન્ટિક્વિટીસ ઑથોરિટિ કહે છે.

એ પેટી પરના લખાણમાં બેથઈમરી પણ લખેલું હતું. ઈસ્રાએલ ઍન્ટિક્વિટીસ ઑથોરિટિના કહેવા પ્રમાણે એના બે અર્થ નીકળી શકે: ‘બેથઈમરી એ એક યાજકના કુટુંબનું એટલે કે ઈમ્મેરના દીકરાઓનું નામ હોય શકે, (એઝ. ૨:૩૬, ૩૭; નહે. ૭:૩૯-૪૨) જેઓનાં વંશજોમાં માઆઝયાના વર્ગના સભ્યોનો પણ સમાવેશ થાય છે. બીજી શક્યતા એ છે કે, ગુજરી ગયેલી મીરિયમનું કે તેના આખા કુટુંબનું એ [બેથઈમરી] વતન પણ હોય શકે.’ ભલેને ગમે એ હોય, પણ મીરિયમના હાડકાંની પેટી પુરાવો આપે છે કે બાઇબલમાં જણાવેલાં લોકો અને તેઓના કુટુંબો કાલ્પનિક નહિ પણ હકીકતમાં હતાં.

a કાયાફાસની પેટી વિશે આ મૅગેઝિન જુઓ: ધ વોચટાવર જાન્યુઆરી ૧૫, ૨૦૦૬, પાન ૧૦-૧૩.