સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોબાઇલ અને ટેબ્લેટ સમજી-વિચારીને વાપરીએ

મોબાઇલ અને ટેબ્લેટ સમજી-વિચારીને વાપરીએ

જેનીને વીડિયો ગેમ રમવાની લત લાગી છે. તે જણાવે છે, “હું દિવસમાં ૮ કલાક રમું છું. અને એ ખરેખર એક સમસ્યા બની ગઈ છે.”

ડેનિસે ૭ દિવસ સુધી ફોન-ટેબ્લેટ કે ઇન્ટરનેટ નહિ વાપરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, એના વગર તે પૂરા બે દિવસ પણ ન રહી શક્યા.

જેની અને ડેનિસ તરુણો નથી. જેની ૪૦ વર્ષનાં અને ૪ બાળકોનાં માતા છે. ડેનિસ ૪૯ વર્ષના છે.

શું તમે મોબાઇલ કે ટેબ્લેટ વાપરો છો? મોટા ભાગના લોકો વાપરે છે. એના ઘણા ફાયદા પણ છે. જેમ કે, નોકરી-ધંધામાં, એકબીજા સાથે સંપર્કમાં રહેવા અને મનોરંજન માટે ઉપયોગી છે.

જેની અને ડેનિસની જેમ આજે મોટા ભાગના લોકોને મોબાઇલ કે ટેબ્લેટ વગર ચાલતું જ નથી. દાખલા તરીકે, ૨૦ વર્ષની નિકોલ જણાવે છે: ‘કહેવું ન જોઈએ પણ, મારો ફોન જ મારો જિગરી દોસ્ત છે. હું હંમેશાં ફોનને મારી નજીક રાખું છું. નેટવર્ક ન પકડાય ત્યારે, હું જાણે પાગલ થઈ જઉં છું. હું મૅસેજ જોયા વગર અડધો કલાક પણ રહી નથી શકતી. એ થોડું ગાંડપણ કહેવાય, ખરું ને?’

અમુક લોકો રાતે વારંવાર મૅસેજ ચેક કરે છે. તેઓ પાસેથી ફોન કે ટેબ્લેટ જેવાં સાધનો દૂર રાખવામાં આવે તો, તેઓ સખત બેચેન બની જાય છે. અમુક નિષ્ણાતો આવા વર્તનને લત કહે છે. એ લત આધુનિક સાધનો, ઇન્ટરનેટ કે પછી સ્માર્ટફોનની હોય શકે. બીજા અમુક નિષ્ણાતો આવા વર્તનને “લત” નથી કહેતા. પણ, તેઓનું કહેવું છે કે, એવા લોકોના વર્તનમાં ખોટ છે અને વ્યક્તિ એ સાધનથી છૂટી પડવા માંગતી નથી.

ભલે નિષ્ણાતો ગમે એ કહે પરંતુ, મોબાઇલ કે ટેબ્લેટનો વધુ પડતો ઉપયોગ મુશ્કેલી ઊભી કરી શકે છે. અમુક કિસ્સાઓમાં, એના લીધે કુટુંબમાં તિરાડ પડે છે. દાખલા તરીકે, ૨૦ વર્ષની એક છોકરી દુઃખી થઈને જણાવે છે: ‘મારા જીવનમાં શું થઈ રહ્યું છે એ વિશે પપ્પા કંઈ જાણતા નથી. તે ઘરે હોય ત્યારે ઈ-મેઇલ લખતાં લખતાં મારી જોડે વાત કરે છે. તે એક મિનિટ પણ ફોન છોડતા નથી. તે કદાચ મારી સંભાળ રાખે છે. પરંતુ, અમુક સમયે મને લાગે છે કે તેમને મારી જરાય પડી નથી.’

“ડિજિટલ ડિટોક્સ કેન્દ્ર”

મોબાઇલ કે ટેબ્લેટની લત છોડાવવા અમુક દેશોમાં “ડિજિટલ ડિટોક્સ કેન્દ્ર” ખોલવામાં આવ્યા છે. જેમ કે, ચીન, સાઉથ કોરિયા, બ્રિટન અને અમેરિકા. એ કેન્દ્રમાં વ્યક્તિને ઘણા દિવસો સુધી ફોન-ટેબ્લેટ અને ઇન્ટરનેટથી દૂર રાખવામાં આવે છે. ૨૮ વર્ષના બ્રેટનો વિચાર કરો. એવા કેન્દ્રમાં જતા પહેલાં તે દિવસના ૧૬ કલાક ઓનલાઇન ગેમ રમતો હતો. તે જણાવે છે: ‘ઇન્ટરનેટ વાપરવું મારા માટે નશો કરવા જેવું હતું.’ બ્રેટ એ કેન્દ્રમાં ગયો ત્યારે તેની નોકરી છૂટી ગઈ હતી અને તે સાવ ગંદી હાલતમાં હતો. અરે, દોસ્તોએ પણ તેને છોડી દીધો હતો. તમારી સાથે એવું ન બને માટે શું કરી શકો?

પોતાની તપાસ કરો. ફોન-ટેબ્લેટ જેવાં સાધનોની તમારા જીવન પર કેવી અસર થઈ રહી છે એ જાણવા આ સવાલો પર વિચાર કરો:

  • ફોન-ટેબ્લેટ કે ઇન્ટરનેટ વાપરવા ન મળે ત્યારે, શું એટલો ગુસ્સો આવે છે કે મારો પિત્તો ગુમાવી દઉં છું?

  • શું હું એને નક્કી કરેલા સમયે બંધ કરવાને બદલે લાંબા સમય સુધી વાપર્યા કરું છું?

  • વારંવાર મૅસેજ જોવાને કારણે શું હું મારી ઊંઘ ગુમાવું છું?

  • શું એના લીધે કુટુંબ પર પૂરતું ધ્યાન આપવાનું ચૂકી જઉં છું? શું મારા કુટુંબીજનો મારા એ જવાબથી સહમત છે?

શું ફોન-ટેબ્લેટ જેવાં સાધનો તમને “શ્રેષ્ઠ” બાબતો કરતા અટકાવે છે? (ફિલિપી ૧:૧૦) શું એ તમને કુટુંબની અને બીજી અમુક જવાબદારીઓ નિભાવતા રોકે છે? એમ હોય તો, ફેરફાર કરવાનો હમણાં જ સમય છે. તમે એ કઈ રીતે કરી શકો?

હદ નક્કી કરો અને વળગી રહો. સારી વસ્તુનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાન કરી શકે. તેથી, નોકરી-ધંધા કે મનોરંજન માટે એવા સાધનો વાપરો તોપણ, કેટલો સમય વાપરશો એ નક્કી કરો. એ પછી, સમયને વળગી રહો.

સૂચન: કુટુંબીજનો અથવા દોસ્તોની મદદ લો. બાઇબલ જણાવે છે: ‘એક કરતાં બે ભલા; જો તેઓમાંનો એક પડી જાય, તો બીજો પોતાના સાથીને ઉઠાડશે.’—સભાશિક્ષક ૪:૯, ૧૦.

નવાં સાધનો માટેનો લગાવ “લત” ન બની જાય એનું ધ્યાન રાખો

નવાં સાધનો માહિતીની આપ-લે વધુ સહેલી અને ઝડપી બનાવે છે તેમ, એનો દુરુપયોગ પણ વધે છે. નવાં સાધનો માટેનો લગાવ “લત” ન બની જાય એનું ધ્યાન રાખો. ‘સમયનો સારો ઉપયોગ’ કરીને તમે ફોન-ટેબ્લેટ જેવાં સાધનોનો દુરુપયોગ ટાળી શકો છો.—એફેસી ૫:૧૬. (g૧૫-E ૦૪)