સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પેઢાંનો રોગ શું તમને થઈ શકે?

પેઢાંનો રોગ શું તમને થઈ શકે?

મોઢાના રોગોમાં પેઢાંનો રોગ આખી દુનિયામાં સામાન્ય છે. શરૂઆતના તબક્કામાં આ રોગના કોઈ લક્ષણો સહેલાઈથી પારખી શકાતા નથી. આમ, એના લક્ષણો છૂપા હોવાથી એ ગંભીર રોગ કહેવાય છે. ઇન્ટરનેશનલ ડેન્ટલ જર્નલ પ્રમાણે મોઢાના રોગોમાં પેઢાંનો રોગ ‘જાહેર જનતા માટે ગંભીર મુશ્કેલી ઊભી કરે છે. મોઢાના રોગથી ઘણો દુખાવો અને પીડા થાય છે. તેમ જ, ખોરાક ચાવવામાં તકલીફ પડે છે અને જીવનનો આનંદ જતો રહે છે.’ આખી દુનિયામાં જોવા મળતા આ રોગની ચર્ચા કરવાથી, તમને કદાચ પેઢાંનાં રોગનું જોખમ ઘટાડવા મદદ મળશે.

પેઢાંનાં રોગની માહિતી

આ રોગના અનેક તબક્કા હોય છે. શરૂઆતના તબક્કામાં એને જીન્જીવાઈટીસ કહેવાય છે, એટલે કે પેઢાંનો સોજો. એનું એક લક્ષણ છે પેઢાંમાંથી લોહી નીકળવું. બ્રશ અને ફ્લોસ કરતી વખતે અથવા કોઈ કારણ વિના એવું થઈ શકે. અવાળાની તપાસ કરતી વખતે લોહી નીકળે તો એ પણ જીન્જીવાઈટીસની નિશાની હોઈ શકે.

પેઢાંનો રોગ આ તબક્કામાંથી આગળ વધે તો એને પેરીઓડોન્ટાઈટીસ કે પાયોરિયા કહેવાય. આ સમયે દાંતને પકડી રાખતું જડબું જેમ કે, હાડકું અને પેઢાંની પેશી નાશ પામવા લાગે છે. આ રોગ એકદમ વધી જાય ત્યાં સુધી એના લક્ષણો જોવા મળતા નથી. એના અમુક લક્ષણો આવા હોય શકે: દાંત અને પેઢાંની વચ્ચે જગ્યા વધવા લાગે; દાંત હલવા લાગે; દાંત વચ્ચે જગ્યા વધે; મોંઢામાંથી દુર્ગંધ આવે; પેઢાં નીચે ઉતરી જાય, એટલે દાંત અને અવાળા વચ્ચે જગ્યા થાય, દાંત મોટા દેખાય અને પેઢાંમાંથી લોહી નીકળે.

કારણ અને અસર

ઘણી બાબતો પેઢાંના રોગનું જોખમ વધારી શકે છે. એમાંનું એક મુખ્ય કારણ છે ડેન્ટલ પ્લાક. પ્લાક કે છારી એ બૅક્ટેરિયા કે જીવાણુનું પાતળું પડ છે જે દાંતની આજુબાજુ જામી જાય છે. જો પ્લાકને કાઢવામાં ન આવે તો, જીવાણુને લીધે પેઢાં સૂજી જઈ શકે. જો પ્લાક જમા થવાનું ચાલું રહે, તો અવાળા અને દાંત વચ્ચે જગ્યા પડવા લાગે, દાંતની ઉપર અને નીચેના ભાગ તરફ જીવાણુ વધવા લાગે. એકવાર જીવાણુ અહીં સુધી પહોંચે એટલે જડબાના હાડકાં અને પેઢાંની પેશીઓનો નાશ કરવા લાગે, એના લીધે અવાળા પર સોજો વધી જાય છે. દાંતની ઉપર અને વચ્ચે જમા થનારા પ્લાકને કાઢવામાં ન આવે તો છારીનો પોપડો જામી જાય છે, જેને કેલ્ક્યુલસ અથવા ટાર્ટર કહેવાય છે. કેલ્ક્યુલસમાં પણ જીવાણુ હોય છે. એ બહુ કઠણ હોવાથી અને દાંતની સાથે ગુંદરની જેમ ચોંટી જવાથી પ્લાકની જેમ દૂર કરવું સહેલું નથી. એટલે, જીવાણુની પેઢાં પર ખરાબ અસર થતી રહે છે.

બીજાં કારણો પણ પેઢાંનાં રોગનું જોખમ વધારી શકે. જેમ કે, મોંની સ્વચ્છતાનો અભાવ, રોગપ્રતિકારક તંત્રને નબળી બનાવતી દવાઓ, વાઇરલ ઇન્ફૅક્શન, ગર્ભાવસ્થા દરમિયાન થતા હોર્મોનમાં ફેરફાર, તણાવ, ડાયાબિટીસ કન્ટ્રોલમાં ન હોય, વધુ પડતો દારૂ પીવો તેમજ તમાકુનો ઉપયોગ કરવો.

પેઢાંનાં રોગને લીધે બીજી અસર પણ થઈ શકે. જેમ કે, મોંના દુખાવાથી તથા દાંત પડી જવાથી ખોરાક ચાવવામાં તકલીફ પડે અને તમે એનો આનંદ ન માણી શકો. તેમ જ, બોલવામાં તકલીફ પડે અને દેખાવ પર અસર પડે. સંશોધકો એ પણ જણાવે છે કે મોઢાની સ્વચ્છતાની અસર આખા શરીરની તંદુરસ્તી પર પડે છે.

નિદાન અને સારવાર

તમને પેઢાંનો રોગ છે એ કઈ રીતે ખબર પડે? આ લેખમાં જણાવેલા અમુક ચિહ્નો તમે નોંધ્યા હશે. જો તમને પેઢાંનો રોગ હોય તો, દાંતના ડૉક્ટર પાસે જાઓ, જે તમને જરૂરી માર્ગદર્શન આપશે.

શું પેઢાંનો રોગ મટાડી શકાય? શરૂઆતના તબક્કામાં મટાડી શકાય. પણ, એ પેરીઓડોન્ટાઈટીસ સુધી વધી ગયો હોય તો શું? દાંતની આસપાસના હાડકાં અને પેશીનો નાશ કરે એ પહેલાં રોગને વધતો અટકાવી દેવો જરૂરી છે. દાંતના ડૉક્ટર ખાસ સાધન વાપરીને અવાળા ઉપર અને નીચેના પ્લાક અને કૅલ્ક્યુલસને કાઢી શકે છે.

તમારા વિસ્તારમાં દાંતનાં દવાખાનાં ઓછાં હોય અથવા ન હોય તોપણ, આ છૂપો અને ગંભીર રોગનું જોખમ ઘટાડવાનો ઉપાય છે કે એને અટકાવવો. યોગ્ય અને નિયમિત રીતે પોતાની જાતે મોઢાંની સ્વચ્છતા જાળવવી એ, આ રોગને અટકાવવાનો સૌથી સારો ઉપાય છે. (g14-E 06)