સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મૅનોપૉઝની તકલીફોનો સામનો કરવો

મૅનોપૉઝની તકલીફોનો સામનો કરવો

“અજાણતા કોઈ કારણ વગર મારું મન ઉદાસ થઈ ગયું. હું રડી પડી અને મને લાગ્યું કે હું ગાંડી તો નથી થઈ ગઈ ને!”—રોન્ડ્રો, * ૫૦ વર્ષની ઉંમર.

“તમે સવારે ઊઠો અને જુઓ કે ઘરમાં બધું વેરવિખેર પડ્યું છે. તમને તમારી ચીજો મળતી નથી. વર્ષોથી તમે જે આસાનીથી કરતા આવ્યા હો, એ કરવું હવે ઘણું મુશ્કેલ લાગે અને શા માટે એ તમે જાણતા નથી.”—હાન્તે, ૫૫ વર્ષની ઉંમર.

આ સ્ત્રીઓ કંઈ બીમાર ન હતી. એને બદલે, તેઓ તો રજોનિવૃત્તિ (મૅનોપૉઝ)ના સમયગાળામાંથી પસાર થઈ રહી હતી. સ્ત્રીઓના જીવનમાં આવતો કુદરતી બદલાવ અને પ્રજનન ક્રિયા બંધ થવાનો એ સમયગાળો છે. જો તમે સ્ત્રી હો, તો શું તમે જીવનના એ સમય પાસે આવી રહ્યા છો? શું તમે એમાંથી પસાર થઈ રહ્યા છો? ભલે ગમે એ સંજોગો હોય, પણ તમે અને તમારાં સગાંવહાલાં એના વિશે જેટલું વધારે જાણશો, એટલું એને લગતી તકલીફોનો સામનો કરવા તમે વધારે સારી રીતે તૈયાર હશો.

મૅનોપૉઝનો સમયગાળો

મૅનોપૉઝના સમયગાળાને પેરિમૅનોપૉઝ (રજોનિવૃત્તિની આસપાસનો સમયગાળો) પણ કહેવાય છે. એમાં મૅનોપૉઝ તરફ લઈ જતો સમય અને એ દરમિયાનનો સમય પણ આવી જાય છે. * જોકે, સાદી ભાષામાં કહીએ તો મોટા ભાગે આખા બદલાણના સમયગાળાને “મૅનોપૉઝ” કહે છે.

મોટા ભાગની સ્ત્રીઓ માટે મૅનોપૉઝ પહેલાંનો સમયગાળો ૪૦ પછીનાં વર્ષોમાં શરૂ થાય છે, પણ અમુકના કિસ્સામાં ૬૦ પછી ચાલુ થતો હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં માસિક ધીમે ધીમે બંધ થાય છે. હોર્મોનના પ્રમાણમાં થતા અણધાર્યા બદલાવને કારણે, સ્ત્રીને કદાચ માસિક ન આવે, કોઈ પણ સમયે માસિક આવે અથવા વધારે પડતું માસિક આવી શકે. બહુ ઓછી સ્ત્રીઓને અચાનક, જાણે કે રાતોરાત માસિક બંધ થઈ જાય છે.

“દરેક સ્ત્રીનો મૅનોપૉઝનો અનુભવ અલગ હોય છે,” મૅનોપૉઝ ગાઇડબુક કહે છે. એ એમ પણ કહે છે કે “મૅનોપૉઝની સૌથી સામાન્ય નિશાની છે, અચાનક ગરમી ગરમી થઈ જવી (અમુક વાર ગરમીથી લાલ થવું કહેવાય).” એના પછી “કદાચ ઠંડી લાગવા માંડે.” એના કારણે ઊંઘમાંથી જાગી જવાય અને થાક લાગ્યા કરે. આવું કેટલો સમય ચાલ્યા કરે? ધ મૅનોપૉઝ બુક પ્રમાણે, “અમુક સ્ત્રીઓને મૅનોપૉઝના સમયગાળા દરમિયાન એક-બે વર્ષ સુધી અચાનક ગરમી થયા કરે. અમુકને ઘણાં વર્ષો સુધી એવું ચાલ્યા કરે; અને બહુ ઓછી સ્ત્રીઓ જણાવે છે કે તેઓને જીવનભર કોઈ કોઈ વાર અચાનક ગરમી થઈ આવે છે.” *

હોર્મોન્સમાં થતી વધઘટને કારણે, કોઈ સ્ત્રીને કદાચ ડિપ્રેશન પણ થાય, સ્વભાવ બદલાયા કરે, રડવા લાગે, પૂરતું ધ્યાન ન રહે અને ભુલકણી બની જાય. ધ મૅનોપૉઝ બુક કહે છે કે “ભાગ્યે જ કોઈ એક સ્ત્રીને આ બધું જ થાય.” હકીકતમાં, જો થાય તો અમુક જ સ્ત્રીઓને એકથી વધારે તકલીફો કે મુશ્કેલીઓ થાય છે.

કઈ રીતે સહન કરવું?

જીવન સાદું બનાવવાથી અમુક તકલીફો ઓછી થઈ શકે. દાખલા તરીકે, સિગારેટ પીનારી સ્ત્રી જો એ બંધ કરે તો અચાનક ગરમી થવાના બનાવો ઓછા થઈ શકે. ઘણી સ્ત્રીઓને ખાવા-પીવામાં ફેરફાર કરવાથી લાભ થયો છે. જેમ કે, શરાબ અને કેફીન પીવામાં, મસાલા કે ખાંડવાળો ખોરાક ખાવામાં મર્યાદા બાંધવી અથવા સાવ બંધ કરી દેવું, કેમ કે એનાથી અચાનક ગરમી થઈ શકે છે. જોકે, પૂરતું ખાવું બહુ મહત્ત્વનું છે, એટલે યોગ્ય રીતે અને જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ.

મૅનોપૉઝની તકલીફો ઘટાડવામાં કસરત પણ ઘણી મદદ કરી શકે. દાખલા તરીકે, એનાથી સારી ઊંઘ આવી શકે અને સ્વભાવમાં સુધારો થઈ શકે. તેમ જ, એનાથી હાડકાં મજબૂત થઈ શકે અને સારી તંદુરસ્તી મળી શકે. *

છૂટથી વાત કરો

શરૂઆતમાં જેની વાત કરી એ રોન્ડ્રો કહે છે: “મૂંગા મૂંગા સહન કરવાની જરૂર નથી. સગાં-વહાલાં સાથે છૂટથી વાત કરશો તો, તમને સારું ન હોય ત્યારે તેઓ ખોટી ચિંતા નહિ કરે.” હકીકતમાં, તેઓ વધારે ધીરજવાન અને સમજુ બનશે. બાઇબલ કહે છે કે “પ્રેમ ધીરજવાન અને કરુણાળુ છે.”—૧ કોરીંથી ૧૩:૪, IBSI.

ઘણી સ્ત્રીઓને પ્રાર્થનાથી પણ મદદ મળી છે, એમાં એવી સ્ત્રીઓ પણ સમાયેલી છે, જેઓ પ્રજનન ક્રિયા બંધ થઈ હોવાનો શોક કરે છે. બાઇબલ ખાતરી આપે છે કે, ‘ઈશ્વર આપણી સર્વ તકલીફોમાં દિલાસો આપે છે.’ (૨ કોરીંથી ૧:૪) તેમ જ, એ જાણવાથી પણ દિલાસો મળે છે કે મૅનોપૉઝનો આ સમયગાળો થોડા સમય માટે જ છે. પછી, જે સ્ત્રીઓ પોતાની તંદુરસ્તીની સારી સંભાળ રાખે છે, તેઓને ફરીથી તાજગી મળી શકે છે અને તેઓ જીવનમાં ઘણાં વર્ષો સુધી આનંદ માણી શકે છે. (g13-E 11)

^ ફકરો. 2 નામ બદલ્યાં છે.

^ ફકરો. 6 ડૉક્ટરોના માનવા પ્રમાણે, જે સ્ત્રીને ૧૨ મહિના સુધી માસિક ન આવે તેને મૅનોપૉઝ થયું છે એવું ગણાય.

^ ફકરો. 8 અમુક મેડિકલ સારવાર, જેમ કે થાઇરોઇડ હોય કે કોઈ ચેપ લાગ્યો હોય, તેમ જ અમુક દવાની સારવાર ચાલતી હોય, એના લીધે પણ અચાનક ગરમી થઈ જઈ શકે. એટલે, મૅનોપૉઝને લીધે એમ થાય છે એવું માની લેવા પહેલાં, એ બાબતો ધ્યાનમાં રાખવી સારું થશે.

^ ફકરો. 12 મૅનોપૉઝનો સમય સારી રીતે સહન કરવા ડૉક્ટરો પોતાના દર્દીઓને સારવાર માટે કદાચ અમુક દવાઓ લખી આપે. જેમ કે, હોર્મોન્સની, ખોરાકની ઊણપ પૂરી કરવાની અને ડિપ્રેશનનો સામનો કરવાની સારવાર. સજાગ બનો! જણાવતું નથી કે કેવી દવાઓ લેવી કે કેવો ઇલાજ કરાવવો.