સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એનાથી ફાયદો થાય છે

ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એનાથી ફાયદો થાય છે

આપણા શરીરની રચના ઈશ્વરે એવી રીતે કરી છે કે એની જાતે સાજું થઈ શકે. જો શરીર પર કોઈ કાપો પડે, ઘસરકો લાગે કે એમાં કાણું પડે, તો એક લાઇબ્રેરી (જ્હોન્સ હોપકીન્સ મેડિસિન) પ્રમાણે, ‘નાના મોટા ઘા રુઝાવવાની જટિલ પ્રક્રિયા શરીર પોતાની જાતે કરવા માંડે છે.’ લોહી બંધ કરવા, નસોને પહોળી કરવા, ઘાને રુઝાવવા અને માંસપેશીને મજબૂત કરવા આપણું શરીર તરત કામે લાગી જાય છે.

જાણવા જેવું: સર્જનહારે આપણા શરીરની રચના એવી રીતે કરી હોય કે ઘાને જાતે રુઝાવી શકે. તો પછી, શું આપણને ભરોસો નથી કે દિલ પર લાગેલા ઘા રુઝાવવા માટે પણ શરીર એટલું જ સક્ષમ છે? એક ગીતના લેખકે કહ્યું હતું: “હૃદયભંગ થએલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૭:૩) પરંતુ જો અગાઉ કે હાલના કોઈ સંજોગને લીધે તમારા દિલ પર ઘા લાગ્યા હોય, તો કઈ રીતે ખાતરી રાખી શકો કે યહોવા તમારા ઘા આજે અને ભાવિમાં પણ રુઝાવશે?

ઈશ્વરના પ્રેમ વિશે શાસ્ત્રમાંથી માહિતી

ઈશ્વર વચન આપે છે: “તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે.” (યશાયા ૪૧:૧૦) જો વ્યક્તિને ખબર હોય કે યહોવા તેની કાળજી રાખે છે, તો તેને મનની શાંતિ મળશે અને જુદી જુદી કસોટીઓ સહેવાની તાકાત મળશે. પ્રેરિત પાઊલે એના વિશે આમ કહ્યું હતું: ‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.’ વધુમાં તેમણે કહ્યું: “કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિપીઓ ૪:૪-૭, ૯, ૧૩.

શાસ્ત્ર આપણને શ્રદ્ધા રાખવા મદદ કરે છે. માણસજાતના ભાવિ વિશે યહોવાએ જે વચનો આપ્યાં છે, એના પર શ્રદ્ધા રાખવા શાસ્ત્ર મદદ કરે છે. દાખલા તરીકે, ઈશ્વર શું કરશે એ વિશે અને એવો ભરોસો આપણે શા માટે રાખી શકીએ એ વિશે પ્રકટીકરણ ૨૧:૪, ૫ કહે છે:

  • ‘તે લોકોની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે.’ યહોવા આપણી બધી દુઃખ-તકલીફો અને ચિંતાઓ દૂર કરશે, પછી ભલે લોકોને એ સાવ નાની લાગે.

  • ‘રાજ્યાસન પર બેઠેલા,’ આખી સૃષ્ટિના સર્વસમર્થ રાજા પાસે સ્વર્ગનો મહિમા છે. તે પોતાનાં અધિકાર અને શક્તિ દ્વારા આપણી દુઃખ-તકલીફો દૂર કરશે અને આપણને જરૂરી મદદ પૂરી પાડશે.

  • યહોવા ખાતરી આપે છે કે તેમનાં વચનો “વિશ્વાસયોગ્ય તથા સત્ય” છે. એટલે, આપણે ભરોસો રાખી શકીએ કે પોતાનાં વચનો નિભાવવાં તે પોતાનું નામ દાવ પર મૂકે છે.

“‘તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ. પહેલાંના જેવું હવે રહ્યું નથી.’ અને રાજ્યાસન પર જે બેઠા હતા, તેમણે કહ્યું: ‘જુઓ! હું બધું નવું બનાવું છું.’ વધુમાં, તે કહે છે: ‘તું આ લખી લે, કેમ કે આ શબ્દો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.’”—પ્રકટીકરણ ૨૧:૪, ૫.

વિશ્વ પર નજર કરીએ અને શાસ્ત્ર વાંચીએ તો આપણને સ્વર્ગના પિતાના સ્વભાવ અને ગુણો વિશે જાણવા મળે છે. સૃષ્ટિ પરથી આપણને ઈશ્વરની નજીક જવાની પ્રેરણા મળે છે. શાસ્ત્રમાં સીધેસીધું આમંત્રણ આપ્યું છે કે, “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭ જણાવે છે: “તે આપણામાંના કોઈથી દૂર નથી.”

ઈશ્વરને ઓળખવા માટે સમય કાઢશો તેમ “તે તમારી સંભાળ રાખે છે” એવો ભરોસો વધશે. (૧ પીતર ૫:૭) યહોવામાં ભરોસો રાખવાથી બીજા કયા ફાયદા થાય છે?

દાખલા તરીકે, જાપાનના ભાઈ તોરુનો વિચાર કરો. તેમની માતા ખ્રિસ્તી હતી. તે જાપાનમાં યાકુઝા માફિયા ગેંગના સભ્ય હતા. એ ગેંગ ઘણી હિંસક હતી. તે જણાવે છે: ‘હું માનતો કે ઈશ્વર મને ધિક્કારે છે. મને શિક્ષા કરવા ઈશ્વર મારા આસપાસના લોકોને અને ખાસ મારા સ્નેહીજનોને મૃત્યુની સજા કરે છે.’ તોરુ કબૂલે છે કે, એવાં હિંસક વાતાવરણ અને વિચારોને લીધે તે ‘નિર્દય અને કઠોર વ્યક્તિ’ બની ગયા હતા. પોતાના ધ્યેય વિશે યાદ કરતા તે કહે છે, ‘મારા કરતાં વધુ પ્રખ્યાત વ્યક્તિને મારી નાખીને હું યુવાનીમાં જ મરવા માંગતો હતો. આમ, હું વધુ પ્રખ્યાત થવા ચાહતો હતો.’

જોકે, પછીથી તે પોતાની પત્ની હાન્‍નાહ સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યા. એના લીધે તેમણે પોતાનાં જીવનમાં અને વિચારોમાં મોટો ફેરફાર કર્યો. હાન્‍નાહ જણાવે છે: ‘હું સ્પષ્ટ રીતે જોઈ શકી કે મારા પતિ બદલાઈ રહ્યા છે.’ હવે તોરુ ખાતરી સાથે જણાવે છે: ‘આપણા દરેકની કાળજી લેનાર ઈશ્વર ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે. આપણે મરણ પામીએ એવું તે ચાહતા નથી. જેઓ પોતાનાં પાપનો પસ્તાવો કરે છે, તેઓને માફ કરવા તે તૈયાર છે. અમુક વાતો આપણે કોઈને કહી શકતા નથી, પણ ઈશ્વર સાંભળે છે. અમુક બાબતો કોઈ સમજી નહિ શકે, પણ ઈશ્વર સમજે છે. નજીકના ભાવિમાં યહોવા બધી મુશ્કેલીઓ, દુઃખ-તકલીફો અને યાતનાઓ દૂર કરી નાખશે. અરે, આપણે અપેક્ષા રાખી ન હોય એ રીતે તે અત્યારે પણ આપણને મદદ કરે છે. આપણે ઉદાસ હોઈએ ત્યારે તે આપણી સંભાળ રાખે છે અને મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩.

તોરુના દાખલા પરથી જોવા મળે છે કે, ઈશ્વર આપણી તકલીફો દૂર કરી શકે છે અને આપણા આંસુ લૂછી શકે છે, એ જાણીને ભાવિની આશા પર ભરોસો બંધાય છે. એટલું જ નહિ, અત્યારે પણ સારું જીવન જીવવા મદદ મળે છે. હા, તકલીફોથી ભરેલી દુનિયામાં તમે ઈશ્વરની પ્રેમાળ કાળજી અનુભવી શકો છો.