સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

મારું જીવન બહુ ખરાબ હતું

મારું જીવન બહુ ખરાબ હતું
  • જન્મ: ૧૯૫૨

  • દેશ: અમેરિકા

  • ભૂતકાળ: ગરમ મિજાજ

મારા વિશે:

મારો ઉછેર લૉસ ઍંજિલીઝમાં થયો હતો. એ શહેર અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું છે. અમે એવા વિસ્તારમાં રહેતા હતા, જે ગુંડાગીરી અને ડ્રગ્સ માટે પ્રખ્યાત હતો. અમે છ ભાઈ-બહેનો હતા અને એમાં હું બીજા નંબરે હતો.

મારી મમ્મી એક ચર્ચનાં સભ્ય હતાં અને હું નાનપણથી તેમની સાથે ચર્ચમાં જતો. હું તરુણ વયનો થયો ત્યારે રવિવારે ચર્ચમાં ગીતો તો ગાતો, પણ અઠવાડિયાના બાકીના દિવસોએ પાર્ટી કરતો, ડ્રગ્સ લેતો અને વ્યભિચાર જેવાં ગંદા કામો કરતો.

હું વાતે વાતે ગુસ્સે થઈ જતો અને મારામારી પર ઊતરી આવતો. હું લડાઈ જીતવા કોઈ પણ વસ્તુને હથિયારમાં ફેરવી દેતો. હું ચર્ચમાં જે શીખતો એની મારા પર કંઈ ખાસ અસર ન થતી. હું હંમેશાં કહેતો: “બદલો લેવો એ ભગવાનનું કામ છે, અને એ માટે તે મારો ઉપયોગ કરે છે!” ૧૯૬૦ના દાયકામાં હું સ્કૂલમાં ભણતો હતો. એ સમયે બ્લેક પેન્થર્સ નામનું રાજકીય જૂથ લોકોના હક માટે લડતું હતું. તેઓનાં કામોની મારા પર ઘણી અસર થઈ. એટલે હું એવા વિદ્યાર્થી સંઘનો ભાગ બની ગયો જેમાં લોકો વિદ્યાર્થીઓના હક માટે લડતા હતા. કેટલીક વાર અમે આંદોલન કરતા, જેના કારણે અમુક દિવસો સ્કૂલ બંધ રહેતી.

હું ખૂબ જ ગરમ મિજાજનો હતો અને આંદોલન કરવાથી પણ મને શાંતિ ન મળતી. એટલે હું એવા લોકો સાથે જોડાઈ ગયો, જેઓ નફરતના લીધે લોકો પર જુલમ ગુજારતા હતા. દાખલા તરીકે, અમુક વાર હું અને મારા મિત્રો થિયેટરમાં ફિલ્મો જોવા જતા. ઘણી ફિલ્મોમાં અમે જોતા કે અમેરિકાના લોકોએ આફ્રિકાના ગુલામો પર ઘણો અત્યાચાર કર્યો. એ જોઈને અમને એટલો ગુસ્સો આવતો કે અમે ત્યાં આવેલા ગોરા યુવાનોને ખૂબ માર મારતા. પછી અમે આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગોરા લોકોને શોધવા નીકળી જતા, જેથી તેઓને પણ મારી શકીએ.

વીસેક વર્ષનો થયો ત્યાં સુધીમાં તો, હું અને મારા ભાઈઓ ખતરનાક ગુંડાઓ તરીકે ઓળખાવા લાગ્યા. અમે એટલા બધા ગુનાઓ કરતા કે અમને પોલીસ સ્ટેશન અને કોર્ટમાં લઈ જવામાં આવતા. મારો એક નાનો ભાઈ ખૂબ જ ખતરનાક ગૅંગનો સભ્ય હતો. હું પણ એ ગેંગમાં જોડાઈ ગયો. ખરેખર, મારું જીવન બહુ ખરાબ હતું.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

મારાં એક મિત્રનાં મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી હતાં. એકવાર તેઓએ મને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. મેં વિચાર્યું કે ‘ચાલ ને જઈ આવું.’ હું ત્યાં ગયો ત્યારે મને તરત સમજાઈ ગયું કે સાક્ષીઓ બીજા લોકો કરતાં કેટલા જુદા છે. બધા પાસે પોતાનું બાઇબલ હતું અને સભામાં દરમિયાન તેઓ એને વાપરતા પણ હતા. યુવાનો પણ સ્ટેજ પરથી પ્રવચન આપી રહ્યા હતા. મને એ જાણીને નવાઈ લાગી કે ઈશ્વરનું એક નામ છે, યહોવા અને સભા દરમિયાન લોકો એ નામને છૂટથી વાપરતા હતા. એનાથી મને ખૂબ નવાઈ લાગી. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) સભામાં અલગ અલગ સમાજ, ભાષા અને રંગના લોકો હતા. પણ હું એ સ્પષ્ટ જોઈ શક્યો કે તેઓના દિલમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હતો.

શરૂઆતમાં હું સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા ન માંગતો હતો, પણ તેઓની સભાઓમાં જવાનું મને ગમતું હતું. એક સાંજે હું સભામાં હતો ત્યારે, મારા કેટલાક મિત્રો સંગીતના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં તેઓએ એક યુવાન પાસે તેનું જેકેટ માંગ્યું. પણ તેણે ના પાડી એટલે તેઓએ એ યુવાનને ખૂબ માર્યો, એટલો માર્યો કે તે મરી ગયો! બીજા દિવસે તેઓ બડાઈ મારીને કહેતા હતા કે તેઓએ કઈ રીતે એ યુવાનની હત્યા કરી. કોર્ટમાં તેઓનો કેસ ચાલતો હતો ત્યારે પણ તેઓ હસતા હતા. તેઓમાંથી મોટા ભાગના લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. સારું થયું કે એ રાત્રે હું તેઓની સાથે ન હતો. મેં નક્કી કર્યું કે હું મારા જીવનમાં ફેરફારો કરીશ અને બાઇબલમાંથી શીખવાનું શરૂ કરીશ.

મેં જીવનમાં ઘણો ભેદભાવ સહન કર્યો છે. પણ યહોવાના સાક્ષીઓ ક્યારેય કોઈને સાથે ભેદભાવ નથી કરતા. એ જોઈને હું દંગ રહી ગયો. દાખલા તરીકે, એક ગોરા ભાઈને કોઈ કામ માટે બીજા દેશમાં જવું પડ્યું ત્યારે, તેમણે પોતાના બાળકોની સંભાળ રાખવા કાળા ભાઈ-બહેનોને કહ્યું. એ ઉપરાંત એક કાળા યુવાનને રહેવા માટે જગ્યાની જરૂર હતી ત્યારે, ગોરા પરિવારે તેમને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. ઈસુએ યોહાન ૧૩:૩૫માં કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” હું પૂરી ખાતરી સાથે કહી શકું છું કે, યહોવાના સાક્ષીઓ એવો જ પ્રેમ બતાવે છે. ખરેખર, મને સાચાં ભાઈ-બહેનો મળી ગયાં હતાં.

બાઇબલમાંથી શીખીને મને અહેસાસ થયો કે મારે પોતાના વિચારો બદલવાની જરૂર છે. હું બીજાઓ સાથે શાંતિથી રહેવા માંગતો હતો અને વધારે સારું જીવન જીવવા માંગતો હતો. (રોમનો ૧૨:૨) એટલે મેં ધીરે ધીરે પોતાના જીવનમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું. જાન્યુઆરી ૧૯૭૪માં, મેં બાપ્તિસ્મા લીધું અને યહોવાનો સાક્ષી બન્યો.

હું બીજાઓ સાથે શાંતિથી રહેવા માંગતો હતો અને વધારે સારું જીવન જીવવા માંગતો હતો

બાપ્તિસ્મા લીધા પછી પણ મારે ગુસ્સાને કાબૂમાં રાખવા મહેનત કરવી પડી. દાખલા તરીકે, એકવાર અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા હતા. એવામાં એક ચોર આવ્યો અને મારી ગાડીમાંથી રેડિયો કાઢીને ભાગવા લાગ્યો. એ ચોરને પકડવા હું તેની પાછળ ભાગ્યો. હું તેની પાસે પહોંચ્યો કે, તરત તેણે રેડિયો ફેંકી દીધો અને ત્યાંથી ભાગી ગયો. જ્યારે મેં આ બનાવ વિશે ભાઈ-બહેનોને કહ્યું, ત્યારે એક વડીલે મને પૂછ્યું: “સ્ટીવન, જો તેં ચોરને પકડી લીધો હોત, તો તું શું કરત?” એ સવાલે મને વિચારતો કરી દીધો. મને અહેસાસ થયો કે શાંતિ જાળવવા મારે હજી પણ મહેનત કરવાની જરૂર હતી.

ઑક્ટોબર ૧૯૭૪માં મેં પૂરા સમયની સેવા શરૂ કરી. હું મહિનામાં લગભગ ૧૦૦ કલાક બીજાઓને બાઇબલમાંથી શીખવતો હતો. અમુક સમય પછી, મને ન્યૂ યૉર્કના બ્રુકલિન શહેરમાં આવેલા યહોવાના સાક્ષીઓના મુખ્યમથકમાં સેવા આપવાનો લહાવો મળ્યો. ૧૯૭૮માં મારી મમ્મી બીમાર થઈ ગઈ એટલે તેમની સંભાળ રાખવા હું લૉસ ઍંજિલીઝ પાછો ગયો. બે વર્ષ પછી, મેં આરોન્ડા નામની છોકરી સાથે લગ્‍ન કર્યા. તેણે મમ્મીની સંભાળ રાખવામાં મને ખૂબ મદદ કરી. થોડા સમય પછી મમ્મી ગુજરી ગઈ. અમુક સમય પછી મને અને આરોન્ડાને યહોવાના સાક્ષીઓની ગિલયડ શાળામાં જવાનો મોકો મળ્યો. પછી અમને પનામામાં મિશનરીઓ તરીકે મોકલવામાં આવ્યા.

બાપ્તિસ્મા લીધા પછી, એવા ઘણા સંજોગો આવ્યા જેના લીધે હું મારો પિત્તો ગુમાવી શક્યો હોત. હું શીખ્યો કે જ્યારે લોકો મને ઉશ્કેરે, ત્યારે ગુસ્સે થવાને બદલે ત્યાંથી ચાલ્યો જાઉં. જો એમ થઈ શકતું ન હોય તો કોઈ બીજી રીતે મતભેદ થાળે પાળવાની કોશિશ કરું. ઘણા લોકો મને કહે છે કે હું આવા સંજોગોને સારી રીતે હાથ ધરું છું. મારી પત્ની પણ એમ કહે છે. અમુક વાર તો મને પણ નવાઈ લાગે છે કે હું કઈ રીતે શાંત રહી શક્યો. હું જાણું છું કે મેં પોતાની શક્તિથી એ ફેરફારો નથી કર્યા. પણ ઈશ્વરના શબ્દ બાઇબલમાં એટલી શક્તિ છે કે હું એ બધા ફેરફાર કરી શક્યો.—હિબ્રૂઓ ૪:૧૨.

મને કઈ રીતે ફાયદો થયો:

બાઇબલમાંથી શીખીને મને સાચી ખુશી મળી અને હું જાણી શક્યો કે બીજાઓ સાથે કઈ રીતે શાંતિ જાળવવી. હવે હું લોકોને મારતો નથી, પણ તેઓને યહોવા વિશે શીખવું છું. મેં એક એવા માણસને પણ બાઇબલમાંથી શીખવ્યું જે સ્કૂલમાં મારો દુશ્મન હતો. તેના બાપ્તિસ્મા પછી અમે થોડા સમય માટે સાથે રહ્યા અને હવે તે મારો એક પાકો મિત્ર છે. અત્યાર સુધીમાં મેં અને મારી પત્નીએ ૮૦ કરતા વધારે લોકોને યહોવાના સાક્ષી બનવા મદદ કરી છે.

હું યહોવાનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને સાચા મિત્રો આપ્યા અને મારું જીવન ખુશીઓથી ભરી દીધું.