સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

“હવે હું હિંસાનો ગુલામ નથી”

“હવે હું હિંસાનો ગુલામ નથી”
  • જન્મ: ૧૯૫૬

  • દેશ: કેનેડા

  • ભૂતકાળ: જીવનથી નિરાશ, વ્યભિચાર જેવા ગંદાં કામ કરનાર અને હિંસક

મારા વિશે

 મારો જન્મ કેનેડાના કેલગરી શહેરમાં થયો હતો. હું નાનો હતો ત્યારે મમ્મી-પપ્પાના છૂટાછેડા થઈ ગયા. પછી હું અને મમ્મી નાના-નાની સાથે રહેવાં લાગ્યાં. તેઓ અમને બંનેને ખૂબ પ્રેમ કરતા અને હું ઘણો ખુશ રહેતો. મને આજે પણ એ જૂના દિવસો યાદ છે.

 મારી ખુશી બહુ લાંબી ન ટકી. મમ્મી-પપ્પાએ ફરીથી એકબીજા સાથે લગ્‍ન કરી લીધા. હવે અમે અમેરિકાના મિઝૂરી રાજ્યના સેન્ટ લુઈસ શહેરમાં રહેવા ગયા. થોડા જ દિવસમાં હું સમજી ગયો કે પપ્પામાં દયા-માયા જેવું કંઈ નથી. એક દિવસની વાત છે કે મારી નવી સ્કૂલનો પહેલો દિવસ હતો. સ્કૂલનાં બાળકોએ મને બહુ હેરાન કર્યો અને માર્યો. પપ્પાને ખબર પડી કે હું માર ખાઈને આવ્યો છું તો તેમના ગુસ્સાનો પારો ચઢી ગયો. સ્કૂલમાં માર ખાધો એના કરતાં પપ્પાએ વધારે માર્યો. એ દિવસે મને શીખવા મળ્યું કે સ્કૂલમાંથી માર ખાઈને નહિ આવવાનું. પછી સાત વર્ષની ઉંમરે મેં પહેલી વાર બાળકો સાથે મારામારી કરી.

 પપ્પાના ગુસ્સાના કારણે મમ્મી દુઃખી રહેવા લાગી. તેઓ બંને વચ્ચે ઘણા ઝઘડા થતા, તેઓ એકબીજા સામે બૂમાબૂમ કરતા. હું ૧૧ વર્ષનો હતો ત્યારે ડ્રગ્સ લેવા લાગ્યો અને દારૂ પીવા લાગ્યો. હું વાતવાતમાં લોકો સાથે મારામારી કરતો. સ્કૂલનું ભણતર પૂરું થયું ત્યાં સુધીમાં તો હું એકદમ હિંસક બની ગયો.

 હું ૧૮ વર્ષનો હતો ત્યારે અમેરિકાની સેનામાં (યુ.એસ. મરીન કોર્પ્સમાં) ભરતી થયો. મને ત્યાં લોકોને મારવાની તાલીમ મળી. પાંચ વર્ષ સેનામાં રહ્યા બાદ મેં મનોવિજ્ઞાનનું ભણતર શરૂ કર્યું. કારણ કે હું એફ.બી.આઈમાં (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં) જોડાવા માંગતો હતો. મેં અમેરિકામાં ભણવાનું શરૂ કર્યું પણ બાકીનું ભણતર કેનેડામાં પૂરું કર્યું.

 યુનિવર્સિટીમાં ભણી રહ્યો હતો ત્યારે મેં જોયું કે લોકો ફક્ત પોતાનો જ વિચાર કરે છે. મેં જોયું કે આ દુનિયા તો ખોખલી છે અને માણસો મુશ્કેલીઓનો હલ લાવી શકતા નથી. આ દુનિયા સુધરશે એવી આશા જ મેં છોડી દીધી.

 મને જીવન સાવ ખાલી લાગવા માંડ્યું. એટલે હું વધુ પડતો દારૂ પીવા લાગ્યો અને ડ્રગ્સ લેવા લાગ્યો. હું પૈસા અને સ્ત્રીઓ પાછળ ભાગવા લાગ્યો. હું હંમેશાં એ જ વિચારતો કે કઈ પાર્ટીમાં જઉં અને કઈ સ્ત્રી સાથે સંબંધ બાંધુ. સેનામાં જે તાલીમ મળી એના લીધે લાગતું કે હું કોઈની પણ સાથે લડી શકું છું. ખરાખોટા વિશે મારાં પોતાનાં જ ધોરણો હતાં. જો મને લાગે કે કોઈ બીજા સાથે અન્યાય કરી રહ્યો છે, તો હું તેને બહુ મારતો. ખરું કહું તો હું કોઈને ન્યાય અપાવતો ન હતો, પણ મારો સ્વભાવ જ ગુસ્સાવાળો થઈ ગયો હતો.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું

 એક દિવસે હું અને મારો દોસ્ત ઘરના ભોંયરામાં ગેરકાનૂની રીતે ચરસ વેચવા બધું તૈયાર કરી રહ્યા હતા. અમે બંને ડ્રગ્સના નશામાં ધૂત હતા. મારા દોસ્તે પૂછ્યું કે શું હું ઈશ્વરમાં માનું છું? મેં કહ્યું કે “જો ઈશ્વરના લીધે દુનિયામાં દુઃખ-તકલીફ હોય તો મારે તેમનામાં માનવુંય નથી કે તેમને ઓળખવાય નથી.” બીજા દિવસે હું નવી નોકરી પર ગયો. મારી સાથે કામ કરનાર એક માણસ યહોવાનો સાક્ષી હતો. તેણે મને પૂછ્યું, “શું તમને લાગે છે કે ઈશ્વરના લીધે દુનિયામાં દુઃખ-તકલીફો છે?” મને બહુ નવાઈ લાગી, કારણ કે તેણે એ જ વિષય પર સવાલ કર્યો જે વિશે મેં મારા દોસ્તને કહ્યું હતું. એ સવાલને લીધે મને વધારે જાણવાની ઇચ્છા જાગી. પછી છ મહિના સુધી અમે બાઇબલમાંથી અલગ અલગ વિષયો પર ચર્ચા કરી અને તેણે મારા સવાલોના જવાબ આપ્યા.

 હું મારી મંગેતર સાથે રહેતો હતો. તેને બાઇબલમાં કોઈ રસ ન હતો. એ નહોતી ઇચ્છતી કે હું તેને બાઇબલ વિશે કંઈ પણ કહું. એક રવિવારે મેં તેને કહ્યું કે યહોવાના સાક્ષીઓને બાઇબલ અભ્યાસ માટે આપણા ઘરે બોલાવ્યા છે. બીજે દિવસે નોકરી પરથી ઘરે આવ્યો તો મેં જોયું કે તે મને છોડીને જતી રહી હતી. એટલું જ નહિ એ ઘરનો પણ બધો સામાન લઈ ગઈ હતી. હું બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો. મેં ઈશ્વરને પણ પ્રાર્થના કરી અને મદદ માટે ભીખ માંગી. એ દિવસે પહેલી વાર મેં યહોવાનું નામ લઈને પ્રાર્થના કરી.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

 તેના ગયાના બે દિવસ પછી મેં સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. એક પતિ-પત્નીએ મારી સાથે તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કર્યો. એ દિવસે તેઓના ગયા પછી મેં આખું પુસ્તક એ રાતે વાંચી કાઢ્યું. a એ પુસ્તક વાંચવાથી મને ખબર પડી કે યહોવા કેટલા દયાળુ છે. આપણને તકલીફમાં જોઈને તેમને પણ તકલીફ થાય છે. (યશાયા ૬૩:૯) મને એ પણ જાણવા મળ્યું કે તે મને કેટલો પ્રેમ કરે છે. તેમણે મારા માટે તેમના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. (૧ યોહાન ૪:૧૦) એ વાત મારા દિલને સ્પર્શી ગઈ. મને સમજાયું કે યહોવા મારી સાથે ધીરજ રાખી રહ્યા છે. “કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિતર ૩:૯) મને સમજાઈ ગયું કે યહોવા ચાહે છે કે હું તેમનો દોસ્ત બનું.—યોહાન ૬:૪૪.

 એ જ અઠવાડિયાથી મેં સભામાં જવાનું શરૂ કર્યું. મારા વાળ લાંબા હતા, કાનમાં બુટ્ટી હતી. મારો દેખાવ બીક લાગે એવો હતો. પણ યહોવાના સાક્ષીઓએ પ્રેમથી મારું સ્વાગત કર્યું, જાણે કે હું તેઓના કુટુંબનો જ એક સભ્ય હોઉં. તેઓમાં સાચા ખ્રિસ્તીઓના ગુણ હતા. મને લાગ્યું કે હું મારા નાના-નાનીના ઘરે આવી ગયો છું. સભાનો માહોલ બહુ જ સરસ હતો.

 હું બાઇબલમાંથી જે કંઈ પણ શીખી રહ્યો હતો, એની મારા જીવન પર સારી અસર થઈ. મેં લાંબા વાળ કાપી નાખ્યા, વ્યભિચાર જેવા ગંદાં કામ છોડી દીધાં, ડ્રગ્સ અને દારૂ લેવાનું બંધ કરી દીધું. (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦; ૧૧:૧૪) હું યહોવાને ખુશ કરવા માંગતો હતો. એટલે જ્યારે મને ખબર પડતી કે યહોવાને મારી કોઈ આદત પસંદ નથી ત્યારે બહાના બનાવતો નહિ. એને બદલે પોતાને કહેતો ‘આજ પછી એ કામ હું ક્યારેય નહિ કરું.’ હું જરાય મોડું કર્યા વગર પોતાના વિચારો અને વ્યવહારમાં ફેરફાર કરવાની કોશિશ કરતો. મેં જોયું કે યહોવાની વાત માનવાથી ધીરે ધીરે મારું જીવન સુધરી રહ્યું છે. અભ્યાસ શરૂ કર્યાના છ મહિના પછી ૨૯ જુલાઈ ૧૯૮૯માં મેં બાપ્તિસ્મા લીધું અને હું યહોવાનો સાક્ષી બન્યો.

મને કઈ રીતે ફાયદો થયો

 બાઇબલની મદદથી જ હું મારો સ્વભાવ બદલી શક્યો છું. પહેલાં મારી સાથે કોઈ લડતું તો હું બહુ ગુસ્સે થઈ જતો, મારામારી પર ઊતરી આવતો. પણ હવે હું “બધા લોકો સાથે હળી-મળીને રહેવા” પૂરો પ્રયત્ન કરું છું. (રોમનો ૧૨:૧૮) આ બધું મારી જાતે નહિ પણ યહોવાની મદદથી કરી શક્યો છું. કારણ કે તેમણે મને પવિત્ર શક્તિ અને પવિત્ર શાસ્ત્ર આપ્યું છે, જે માણસને બદલી શકે છે.—ગલાતીઓ ૫:૨૨, ૨૩; હિબ્રૂઓ ૪:૧૨.

 હવે હું પોતાને ખુશ કરવા ડ્રગ્સ લેતો નથી, મારામારી કે વ્યભિચાર જેવા ગંદાં કામ કરતો નથી. પણ એને બદલે હું યહોવાને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું, બીજાઓને તેમના વિશે જણાવું છું. બાપ્તિસ્માના અમુક વર્ષો પછી હું એવા દેશ ગયો, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી. મને ઘણા લોકોને સત્ય શીખવવાનો મોકો મળ્યો. જ્યારે હું જોતો કે બાઇબલની સલાહ માનવાથી તેઓનું જીવન બદલાઈ ગયું છે, ત્યારે મને ઘણી ખુશી થતી. મારામાં સારા ફેરફાર થતા જોઈને મારી મમ્મી પણ યહોવાની સાક્ષી બની.

 ૧૯૯૯માં એલ સાલવાડોરમાં હું એ શાળામાંથી ગ્રેજ્યુએટ થયો જેને આજે રાજ્ય પ્રચારકો માટેની શાળા કહેવામાં આવે છે. એ શાળામાંથી મને પ્રચાર કરવાનું, મંડળના ભાઈ-બહેનોને શીખવવાનું અને મંડળની સારી દેખરેખ રાખવાનું શીખવા મળ્યું. એ જ વર્ષે મેં યોહેનિયા સાથે લગ્‍ન કર્યા, ત્યારથી અમે ગ્વાટેમાલામાં પૂરા સમયની સેવા કરી રહ્યાં છીએ.

 બાઇબલની શિક્ષણ માનવાથી મને વ્યભિચાર જેવા ગંદાં કામ અને મારામારી છોડવા મદદ મળી છે. હવે મારું જીવન ખાલી નથી પણ પ્રેમ અને શાંતિથી ભરાઈ ગયું છે!

a આજે યહોવાના સાક્ષીઓ ઘણી વાર દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ ચલાવે છે.