સ્કીપ ટુ કન્ટેન્ટ

ડાબી બાજુ: હૉલનો મુખ્ય દરવાજો જ્યાં મહાસંમેલન યોજાયું હતું. જમણી બાજુ: હાજર લોકો ધ્યાનથી મહાસંમેલનનો કાર્યક્રમ સાંભળી રહ્યા છે.

૧ નવેમ્બર, ૨૦૨૩
ભારત

ભારતના મહાસંમેલનમાં બૉમ્બ વિસ્ફોટ થયા પછી ભાઈ-બહેનો એકબીજાને દિલાસો અને મદદ આપી રહ્યાં છે

ભારતના મહાસંમેલનમાં બૉમ્બ વિસ્ફોટ થયા પછી ભાઈ-બહેનો એકબીજાને દિલાસો અને મદદ આપી રહ્યાં છે

થોડા દિવસ પહેલાં આપણી વેબસાઇટ jw.org પર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા હતા. એમાં જણાવ્યું હતું કે રવિવાર, ૨૯ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ ભારતના કેરળ રાજ્યમાં એક મહાસંમેલનમાં બૉમ્બ વિસ્ફોટ થયા હતા. દુઃખની વાત છે કે એ વિસ્ફોટમાં આપણાં બે બહેનોએ જીવ ગુમાવ્યો. એ સિવાય ૧૨ વર્ષની એક છોકરીનું પણ મોત થયું, જેને ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહિ ૫૫ ભાઈ-બહેનો ઘાયલ થયાં, જેમાંનાં અમુક બહુ ખરાબ રીતે દાઝી ગયા છે.

હાલમાં આપણાં ત્રણ બહેનો અને બે ભાઈઓ હૉસ્પિટલમાં દાખલ છે, જેઓની હાલત બહુ નાજુક છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સવારે ૯:૪૦ની આસપાસ પ્રાર્થના દરમિયાન ત્રણેક જેટલા વિસ્ફોટ થયા હતા. એ ભયાનક દુર્ઘટના માટે પોલીસને એક વ્યક્તિ પર શંકા છે, જેની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે.

અધિકારીઓ અને તાત્કાલિક સેવા આપતા કર્મચારીઓ તરત જ ત્યાં આવી પહોંચ્યા અને જરૂરી મદદ પૂરી પાડી. હૉસ્પિટલ સ્ટાફ પણ ઘાયલ થયેલાં ભાઈ-બહેનોની દેખરેખ રાખી રહ્યો છે. અમે એ બધાનો ખૂબ આભાર માનીએ છીએ.

હાજર લોકોએ જોયું કે ભાઈ-બહેનો એકબીજાને મદદ કરી રહ્યાં છે, એ વાત તેઓના દિલને સ્પર્શી ગઈ. એક બહેન જે હૉલમાં હાજર હતાં, તેમણે કહ્યું: “બૉમ્બ વિસ્ફોટ થયો કે તરત જ હું યહોવાને પ્રાર્થના કરવા લાગી. એટેન્ડન્ટ અને બીજા ભાઈઓ તરત જ અમને સલામત જગ્યાએ લઈ ગયા અને તેઓએ અમારું ખૂબ ધ્યાન રાખ્યું. અમે જોઈ શક્યા કે યહોવા અમારા દરેકની કેટલી સંભાળ રાખે છે.”

ભારત શાખા કચેરીના પ્રતિનિધિ, સરકીટ નિરીક્ષક અને ત્યાંના વડીલો, ભાઈ-બહેનોને ઉત્તેજન આપી રહ્યા છે અને જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે. શાખા કચેરીમાંથી એક વડીલ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા કેરળ ગયા હતા. તે કહે છે: “એ વાત તો સાચી કે ભાઈ-બહેનો ગભરાઈ ગયાં છે, તેઓને આઘાત લાગ્યો છે. અરે, અમુક તો ગંભીર રીતે ઘાયલ થયાં છે. તોપણ તેઓએ પોતાનું મન સારી વાતો પર લગાડ્યું છે. તેઓ સાથે વાત કરવાથી મારી હિંમત વધી. આવા કપરા સંજોગોમાં પણ તેઓએ પૂરો આધાર યહોવા પર રાખ્યો છે. એ જોઈને મારી શ્રદ્ધા મજબૂત થઈ છે.”

આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકો અને તેઓના કુટુંબીજનો માટે આખી દુનિયાનાં ભાઈ-બહેનો પ્રાર્થના કરી રહ્યાં છે. બાઇબલમાં સુંદર આશા આપી છે કે ભાવિમાં હિંસા, દુઃખ-તકલીફ કે મરણ નહિ હોય. આવા મુશ્કેલ સમયમાં એ આશાને યાદ રાખવાથી આપણને દિલાસો અને શાંતિ મળે છે. આપણે પાકો નિર્ણય લીધો છે કે કોઈ પણ સંજોગોમાં આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીશું.—ગીતશાસ્ત્ર ૫૬:૩.