સ્કીપ ટુ કન્ટેન્ટ

શું ઈશ્વર ખરેખર છે?

શું ઈશ્વર ખરેખર છે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા. બાઇબલ પુરાવો આપે છે કે ઈશ્વર ખરેખર છે. ઈશ્વર પર શ્રદ્ધા મૂકવા આપણે કોઈ પણ ધાર્મિક માન્યતા પર આંખ બંધ કરીને ભરોસો ન મૂકવો જોઈએ. એના બદલે, ‘સમજશક્તિ’ અને ‘સૂઝબૂઝથી’ કામ લેવું જોઈએ. (રોમનો ૧૨:૧; ૧ યોહાન ૫:૨૦, ફૂટનોટ) ચાલો બાઇબલમાં આપેલા અમુક પુરાવા જોઈએ:

  •   વિશ્વમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ અને ગ્રહોને પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત મૂકવામાં આવ્યા છે. કોઈ પણ ગ્રહો કે તારાઓ એકબીજા સાથે અથડાતા નથી. પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. આ બધું બતાવે છે કે કોઈ બનાવનાર છે. બાઇબલ કહે છે: “ખરું કે દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે.” (હિબ્રૂઓ ૩:૪) એ સમજવું એકદમ સહેલું છે. કેટલાક વિદ્વાનો પણ એ દલીલનો નકાર કરી શકતા નથી. a

  •   આપણને નાનપણથી જ જીવનનો હેતુ જાણવાની ઇચ્છા હોય છે. એ એવી ઇચ્છા કે ભૂખ છે જે ખાવાથી નથી ધરાતી. બાઇબલ એને “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ” કહે છે. એના લીધે આપણને ઈશ્વરને જાણવાની અને તેમની ભક્તિ કરવાની ઇચ્છા થાય છે. (માથ્થી ૫:૩; પ્રકટીકરણ ૪:૧૧) એ બતાવે છે કે ઈશ્વર છે. તે પ્રેમાળ સર્જનહાર પણ છે. તે ચાહે છે કે આપણે તેમના વિશે જાણીએ.—માથ્થી ૪:૪.

  •   બાઇબલમાં વર્ષો પહેલાં ઘણી ભવિષ્યવાણીઓ નોંધવામાં આવી છે. એની એકેએક વિગત સચોટ રીતે પૂરી થઈ છે. એ બતાવે છે કે એની પાછળ કોઈ એવી શક્તિ છે, જે માણસો કરતાં ઘણી ચઢિયાતી છે.—૨ પિતર ૧:૨૧.

  •   બાઇબલના લેખકોએ વિજ્ઞાનની એવી જાણકારી જણાવી, જે એ સમયના લોકો જાણતા ન હતા. દાખલા તરીકે, એ જમાનાના લોકો માનતા હતા કે પૃથ્વી હાથી, ભૂંડ કે બળદ પર ટકેલી છે. પણ બાઇબલમાં લખ્યું છે કે, ઈશ્વર “પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવે છે.” (અયૂબ ૨૬:૭) બાઇબલ એમ પણ જણાવે છે કે પૃથ્વીનો આકાર ‘ગોળ’ છે. (યશાયા ૪૦:૨૨) મોટા ભાગના લોકો માને છે કે લેખકો માટે એ જાણકારી પોતે લખવી અશક્ય હોત. ચોક્કસ, ઈશ્વરે તેઓને એનું માર્ગદર્શન આપ્યું હશે.

  •   અમુક લોકો ઈશ્વરમાં માનવાનું છોડી દે છે, કેમ કે તેઓને આવા સવાલોના જવાબ મળતા નથી: આજે દુનિયામાં આટલી તકલીફો અને દુષ્ટતા કેમ છે? લોકો ધર્મના નામે ખરાબ કામ કેમ કરે છે? (તિતસ ૧:૧૬) બાઇબલ એવા મહત્ત્વના સવાલોના પણ જવાબ આપે છે.

a દાખલા તરીકે, ખગોળશાસ્ત્રી એલન સેન્ડેજે કહ્યું કે, ‘હું એ માની શકતો નથી કે આટલું સારી રીતે ચાલતું વિશ્વ પોતાની મેળે આવી ગયું. એને બનાવનાર કોઈક તો હોવું જ જોઈએ. ખરું કે ઈશ્વર હજુ મારા માટે એક રહસ્ય છે. છતાં જ્યારે વિશ્વને જોઉં છું ત્યારે લાગે છે કે ઈશ્વર જેવું કંઈક છે. જો એમ ન હોય તો બધી વસ્તુઓ એની જગ્યાએ કઈ રીતે આવી ગઈ?’