સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ જીવન સુધારે છે

હું શીખ્યો કે યહોવા દયાળુ અને માફી આપનાર છે

હું શીખ્યો કે યહોવા દયાળુ અને માફી આપનાર છે
  • જન્મ: ૧૯૫૪

  • દેશ: કેનેડા

  • પહેલાં કેવા હતા: લોકોને છેતરનાર અને જુગારી

મારો ભૂતકાળ:

મૉંટ્રિઑલ શહેરના એક ગરીબ વિસ્તારમાં મારો ઉછેર થયો હતો. હું છ મહિનાનો હતો ત્યારે, મારા પિતા ગુજરી ગયા અને ઘરની જવાબદારી મારાં મમ્મી પર આવી ગઈ. આઠ બાળકોમાં હું સૌથી નાનો હતો.

હું મોટો થતો ગયો તેમ, ડ્રગ્સ લેતો, જુગાર રમતો અને મારપીટ કરતો. મારી દોસ્તી પણ ગુંડાઓ સાથે હતી. દસ વર્ષની ઉંમરે, મેં વેશ્યાઓને અમુક વસ્તુઓ પૂરી પાડવાનું શરૂ કર્યું. તેમ જ, લોકોને ઊંચા વ્યાજે પૈસા અપાવતો. હું ઘણી વાર જૂઠું બોલતો અને બનતી બધી રીતે લોકોને છેતરવામાં મને બહુ મજા પડતી. મને એની આદત પડી ગઈ હતી.

ચૌદ વર્ષની ઉંમરે મેં લોકોને છેતરવાની નવી નવી રીતો શોધી કાઢી. જેમ કે, સોનાનું પાણી ચઢાવેલ ઘડિયાળ, હાથનાં કડાં અને વીંટી મેં મોટી સંખ્યામાં ખરીદ્યાં. એનાં પર ૧૪ કૅરેટનો સિક્કો માર્યો. પછી, રસ્તા પર અને મૉલના પાર્કિંગ વિસ્તારમાં એને વેચ્યાં. આ રીતે, સહેલાઈથી પૈસા કમાવવામાં મને રસ પડ્યો. એક વખતે તો, દિવસમાં આશરે ૧૦,૦૦૦ કેનેડિયન ડોલર (આશરે પાંચ લાખ રૂપિયા) કમાયો હતો!

પંદર વર્ષની ઉંમરે મને બાળકો માટેના રિમાન્ડ હોમમાંથી કાઢી મૂકવામાં આવ્યો. પછી, મારી પાસે રહેવાની કોઈ જગ્યા ન હતી. એટલે, હું રસ્તા પર, બગીચામાં કે મિત્રોના ઘરમાં સૂઈ જતો.

લોકોને છેતરતો હોવાથી પોલીસ ઘણી વાર મારી પૂછપરછ કરતી. જોકે, ચોરેલી વસ્તુઓ વેચતો ન હોવાથી મને ક્યારેય જેલમાં પૂરવામાં આવ્યો નથી. પરંતુ, છેતરપિંડી, વસ્તુની ખોટી માહિતી અને પરવાનગી વગર વસ્તુઓ વેચવાને લીધે મારે ઘણો મોટો દંડ ભરવો પડતો. વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી કરવામાં મને કોઈની પણ બીક લાગતી ન હતી. એ ઘણું જોખમી હતું અને ઘણી વાર હું બંદૂક રાખતો. કેટલીક વાર ખતરનાક ગૅંગ સાથે પણ કામ કર્યું હતું.

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

હું મારી પ્રેમિકા સાથે રહેતો હતો. તેણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, મેં પહેલી વાર બાઇબલ વિશે સાંભળ્યું. એ વખતે હું ૧૭ વર્ષનો હતો. જોકે, જાતીય સંબંધો વિશેના બાઇબલના સિદ્ધાંતોનો હું વિરોધ કરતો હતો. તેથી, મેં તેને છોડી દીધી. અને એ સમયે હું જેની સાથે ડેટિંગ કરતો હતો, તેની સાથે રહેવા જતો રહ્યો.

મારી બીજી પ્રેમિકાએ પણ સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે, મારા જીવનમાં વળાંક આવ્યો. તેણે તેના જીવનમાં ફેરફારો કર્યા. તે વધારે નમ્ર બની અને ધીરજ બતાવતી. એની મારા પર ઊંડી અસર પડી. યહોવાના સાક્ષીઓની સભામાં જવાનું આમંત્રણ મળ્યું ત્યારે, મેં એનો સ્વીકાર કર્યો. તે લોકો ખૂબ સારા અને પ્રેમાળ હતા. તેઓએ દિલથી મારો આવકાર કર્યો. દુનિયાના લોકો કરતાં આ લોકો બહુ અલગ હતા. મારા કુટુંબને મારી જરાય ચિંતા ન હતી. મને બાળપણમાં ક્યારેય પ્રેમ અને સહાનુભૂતિ મળ્યાં ન હતાં. યહોવાના સાક્ષીઓએ મને એ હૂંફ અને પ્રેમ આપ્યાં, જેના માટે હું વર્ષોથી તરસતો હતો. તેથી, સાક્ષીઓએ મને બાઇબલમાંથી શીખવા જણાવ્યું ત્યારે, હું તરત તૈયાર થઈ ગયો.

બાઇબલમાંથી શીખવાને લીધે કદાચ મારું જીવન બચ્યું હતું. કઈ રીતે? જુગાર રમવાને લીધે મારા માથે આશરે ૨૫ લાખ જેટલા રૂપિયાનું દેવું થઈ ગયું હતું. એ ચૂકવવા મેં અને મારા બે સાથીએ મોટી લૂંટ કરવાની યોજના બનાવી હતી. પણ, કેટલું સારું થયું કે મેં એ યોજના પડતી મૂકી. જોકે, મારા બંને સાથી એ લૂંટ કરવા ગયા. એમાંનો એક પકડાઈ ગયો અને બીજો માર્યો ગયો.

બાઇબલમાંથી શીખતો ગયો તેમ, હું જોઈ શક્યો કે મારે ઘણા ફેરફાર કરવાની જરૂર છે. દાખલા તરીકે, ૧ કોરીંથી ૬:૧૦માંથી હું શીખ્યો કે, ‘ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારાઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ એ શબ્દો મેં વાંચ્યા ત્યારે, મારી આંખોમાં આંસુ આવી ગયા. મને સમજાયું કે મારે જીવન પૂરેપૂરું બદલવાની જરૂર છે. (રોમનો ૧૨:૨) કારણ કે, હું બહુ જ હિંસક અને ગુસ્સાવાળો હતો. તેમ જ, હું ખૂબ જૂઠું બોલતો હતો.

જોકે, હું બાઇબલમાંથી એ પણ શીખ્યો કે યહોવા ખૂબ દયાળુ અને માફી આપનાર છે. (યશાયા ૧:૧૮) મારું જીવન સુધારવા મેં પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. તેમની મદદથી હું ધીરે ધીરે પોતાને બદલી શક્યો. મેં અને મારી પ્રેમિકાએ કાયદેસર લગ્ન કર્યા, એ સૌથી મહત્ત્વનું પગલું હતું.

બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી હું આજે જીવતો છું

લગ્ન કર્યા ત્યારે હું ૨૪ વર્ષનો હતો અને ૩ બાળકો હતાં. હવે, મારે કામ શોધવાનું હતું, જે કાયદેસર હોય. પણ, હું બહુ ભણેલો ન હતો અને મારી પાસે કોઈ લાગવગ ન હતી. તેથી, મેં યહોવાને ફરી પ્રાર્થના કરી. પછી, હું નોકરી શોધવા ગયો. મેં માલિકોને જણાવ્યું કે, હું મારું જીવન સુધારવા અને ઈમાનદારીથી કામ કરવા ચાહું છું. ઘણી વખત, તેઓને એ પણ જણાવતો કે, હું બાઇબલમાંથી શીખી રહ્યો છું અને સારો નાગરિક બનવા ચાહું છું. ઘણા માલિકે મને નોકરીએ ન રાખ્યો. છેવટે, એક ઇન્ટરવ્યૂમાં મેં માલિકને મારો ભૂતકાળ જણાવ્યો. તેમણે મને કહ્યું: “ખબર નહિ કેમ, પણ મારું દિલ કહે છે કે મારે તને નોકરીએ રાખવો જોઈએ.” હું માનું છું કે એ મારી પ્રાર્થનાનો જવાબ હતો. સમય જતાં, હું અને મારી પત્ની બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બન્યાં.

મને કઈ રીતે ફાયદો થયો:

બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી અને ઈશ્વરના માર્ગે ચાલવાથી હું આજે જીવતો છું. મારું પોતાનું એક સુખી કુટુંબ છે. યહોવાએ મને માફ કર્યો છે એવી ખાતરી હોવાથી હું સાફ દિલથી તેમની ભક્તિ કરી શકું છું.

છેલ્લાં ૧૪ વર્ષથી હું લોકોને બાઇબલમાંથી શીખવા મદદ કરું છું. એ માટે દર મહિને હું સિત્તેરેક કલાક આપું છું. અને હાલમાં મારી પત્ની પણ એ કામમાં જોડાઈ છે. છેલ્લાં ૩૦ વર્ષમાં મેં મારી સાથે કામ કરતા ૨૨ લોકોને યહોવાના ભક્ત બનવા મદદ કરી છે. હું આજે પણ મૉલમાં જઉં છું. જોકે, પહેલાંની જેમ લોકોને છેતરવા નહિ પણ, મારી શ્રદ્ધા વિશે જણાવવા. હું તેઓને ન્યાયી નવી દુનિયાની આશા આપવા ચાહું છું, જ્યાં કોઈ છેતરનાર નહિ હોય.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧. (w૧૫-E ૦૫/૦૧)