સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે

બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે

બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે

ઈશ્વરભક્ત પાઊલે જ્યારે કહ્યું કે બાઇબલ “ઈશ્વરપ્રેરિત” છે, ત્યારે તે ખરેખર શું કહેવા માગતા હતા? (૨ તીમોથી ૩:૧૬) અહીંયા પાઊલે જે ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો હતો, એનો અર્થ થાય, ‘ઈશ્વરના શ્વાસથી’ લખાયું. આમ પાઊલ કહેતા હતા કે ઈશ્વરે પોતાના વિચારો લખી લેવા અમુક ભક્તોને પ્રેરણા આપી હતી. એટલે બાઇબલમાં માણસોના નહિ, ઈશ્વરના જ વિચારો છે.

ઈશ્વરભક્ત પીતરે પણ કહ્યું કે આ બાઇબલ લેખકો ‘પવિત્ર શક્તિની પ્રેરણાથી ઈશ્વરનાં વચન બોલ્યાં’ હતાં. (૨ પીતર ૧:૨૧) બાઇબલના પુસ્તકોનું ‘પવિત્ર શાસ્ત્ર’ તરીકે વર્ણન કરતા પાઊલે કહ્યું કે ‘ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારૂ એ તમને જ્ઞાન આપી શકે છે.’—૨ તીમોથી ૩:૧૫.

પરંતુ ઘણા લોકો માનવા તૈયાર નથી કે ઈશ્વરે પોતાના ભક્તો પાસે બાઇબલ લખાવ્યું છે. ટીકાકારોએ ઘણાં તહોમત મૂક્યા છે કે બાઇબલ ઈશ્વર તરફથી નથી. એનું વર્ણન કરતા પુરાતત્ત્વશાસ્ત્રી સર ચાર્લ્સ માર્સટન જણાવે છે કે ટીકાકારો “બાઇબલ લખાણને સાવ તુચ્છ ગણે છે.” અમુક લોકો તો બાઇબલને ફક્ત ‘દંતકથાઓ અને વાર્તાઓનું’ એક સામાન્ય પુસ્તક ગણે છે.

પુરાવાની તપાસ કરીએ

તો શું બાઇબલમાં ભરોસો મૂકી શકાય? એ ખૂબ જરૂરી છે કે તમે આ બાબતમાં ખરો નિર્ણય લો. શા માટે? કારણ કે જો બાઇબલમાં ઈશ્વરના વિચારો હોય તો, એની અવગણના કરવી મૂર્ખામી કહેવાશે. જો તમે માનતા હોય કે બાઇબલમાં માણસોના વિચારો છે તો, એની તમારા જીવન પર અવળી અસર પડશે. કઈ રીતે? એક તો બાઇબલમાં તમારી શ્રદ્ધા નબળી પડી જશે. બીજું, જીવનમાં કોઈ નિર્ણય લેતી વખતે બાઇબલ શું કહે છે એને તમે ધ્યાન નહિ આપો.—૧ થેસ્સાલોનીકી ૨:૧૩.

તો પછી, બાઇબલમાં ભરોસો મૂકવો કે નહિ એનો નિર્ણય તમે કેવી રીતે લઈ શકો? એનો જવાબ મેળવતા પહેલાં વિચાર કરો કે કોઈ અજાણી વ્યક્તિમાં ભરોસો મૂકવો કે નહિ એનો નિર્ણય તમે કેવી રીતે લો છો. તમે જે વ્યક્તિને સારી રીતે ઓળખતા નથી એનામાં ભરોસો મૂકતા અચકાશો, ખરું ને? જો તમે વ્યક્તિને સારી રીતે ઓળખો તો જ સમય જતા પારખી શકશો કે તે ભરોસાપાત્ર છે કે નહિ. એવી જ રીતે બાઇબલ વિષે પણ તમે જાણી શકો છો. બાઇબલ વિષે જે ખોટી વાતો ફેલાવવામાં આવે છે એને આંખો મીંચીને માની લેતા નહિ. બાઇબલ ખરેખર ‘ઈશ્વર પ્રેરિત’ છે કે નહિ, એની સાબિતી મેળવવા થોડો સમય કાઢો.

બાઇબલને માન આપનારા જ એની ટીકા કરે ત્યારે . . .

અમુક લોકો એક બાજુ બાઇબલમાં માનવાનો દાવો કરે છે, ને બીજી બાજુ એની ટીકા પણ કરે છે. પણ એનાથી બાઇબલમાં તમારો વિશ્વાસ નબળો પડવા ન દેતા. આજે બાઇબલ પર ટીકા આપનારા ઘણા પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે. પણ ધ ન્યૂ ડિક્શનરી ઑફ થીઓલોજી પ્રમાણે, ‘બાઇબલ માણસોએ લખ્યું છે એમ તેઓ માને છે.’

બાઇબલનાં પુસ્તકો કોણે લખ્યાં એ વિષે ધર્મશાસ્ત્રના ઘણા પંડિતો શંકા ઉઠાવે છે. અમુક લોકો કહે છે કે યશાયાહનું પુસ્તક પ્રબોધક યશાયાહે લખ્યું નથી; એ પુસ્તક તો યશાયાહ થઈ ગયા એના ઘણાં વર્ષો પછી લખાયું હતું. લ્યુથર ક્લાર્ક પોતાના એક પુસ્તકમાં (કન્સાઇસ બાઇબલ કોમેન્ટ્રી) જણાવે છે કે યશાયાહનું પુસ્તક તો ‘ઘણી વ્યક્તિઓએ અનેક સદીઓના ગાળામાં લખ્યું હતું.’ પણ આવું કહેનારા ભૂલી જાય છે કે ઈસુએ અને તેમના શિષ્યોએ ઘણી વાર જણાવ્યું હતું: ‘યશાયાહે આમ કહ્યું છે, કે લખ્યું છે.’—માત્થી ૩:૩; ૧૫:૭; લુક ૪:૧૭; યોહાન ૧૨:૩૮-૪૧; રૂમી ૯:૨૭, ૨૯.

જોન આર. ડ્યુમ્મીલો જેવા બાઇબલના ટીકાકારો તો એવું પણ કહે છે કે દાનીયેલના પુસ્તકમાં લખેલી ભવિષ્યવાણીઓ તો ‘એ પૂરી થઈ ગઈ પછી લખાઈ હતી. લેખકે એ વાતોને એવી રીતે લખી છે જાણે એ ભાવિમાં બનવાની હોય.’ આવું કહેનારા પણ ભૂલી જાય છે કે ઈસુએ દાનીયેલ વિષે શું કહ્યું હતું. ઈસુએ ચેતવણી આપતા કહ્યું હતું કે “ઉજ્જડની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનીયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ . . . ” (માત્થી ૨૪:૧૫) જો આ ભવિષ્યવાણી પૂરી થઈ ગયા પછી લખાઈ હોય, તો શું તમને લાગે છે કે લોકોને મૂર્ખ બનાવવામાં ઈસુનો પણ હાથ હતો? કે પછી એવી ઘડી કાઢેલી વાતને કે જૂઠાણાને ઈસુએ પણ ટેકો આપ્યો હતો? એ તો શક્ય જ નથી.

એનાથી શું ફરક પડે છે?

તમને કદાચ થશે કે ‘બાઇબલના પુસ્તકો ભલે ગમે તેણે લખ્યા હોય, એનાથી શું ફરક પડે છે?’ એનાથી મોટો ફરક પડે છે! એ સમજવા એક દાખલો લો. માની લો કે તમને તમારા મિત્રનું છેલ્લું વસિયતનામું મળે છે. પણ જો તમને ખબર પડે કે એ વસિયતનામું તમારા મિત્રએ લખ્યું નથી તો, તમે એને કેટલું મહત્ત્વ આપશો? માનો કે નિષ્ણાતો તમને કહે છે કે એ વસિયતનામું તમારા મિત્રએ નહિ, પણ એવા લોકોએ લખ્યું છે જેઓ મિત્રની ઇચ્છા જાણે છે અને તેના કુટુંબનું ભલુ ઇચ્છે છે. તોપણ શું તમે એ વસિયતનામાને એટલું જ મહત્ત્વનું ગણશો? ના, એ જાણીને તો તમને એવો ભરોસો જ નહિ રહે કે તમારા મિત્રની ઇચ્છાઓ જ એમાં લખેલી છે.

બાઇબલના કિસ્સામાં પણ એમ જ છે. ઘણા લોકો, અરે જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે તેઓ પણ બાઇબલના નિયમોની ખુલ્લેઆમ અવગણના કરે છે. ખાસ કરીને પ્રમાણિકતા, નૈતિક ધોરણો અને એના જેવા વિષયો પર બાઇબલની સલાહને તેઓ જરાય ધ્યાન નથી આપતા. તમે કદાચ ઘણી વખત લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે, ‘અરે એ તો જૂના કરારમાં છે.’ તેઓને મન જાણે જૂના કરારનું કોઈ મૂલ્ય જ નથી. લોકો જેને જૂનો કરાર કહે છે એને તો પાઊલે ‘ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું પવિત્ર શાસ્ત્ર’ કહ્યું હતું.

પણ તમને થશે કે ‘બધા જ નિષ્ણાતો અને વિદ્વાનો જે સાબિતીઓ આપે છે એને આપણે કઈ રીતે નજરઅંદાજ કરી શકીએ?’ તમારી વાત સાચી છે! આપણે તો તેઓના ઋણી છીએ. અમુક નિષ્ણાતોએ તો આપણને બાઇબલની મૂળ પ્રતોને ઓળખવા મદદ કરી છે. જે ખરું છે એ જણાવ્યું છે. ખરું કે સદીઓ દરમિયાન બાઇબલની એક પછી એક નકલ કરવામાં અમુક નાનીસૂની ભૂલો આવી ગઈ છે. પણ આપણે હંમેશા એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ: બાઇબલની નકલો કરતી વખતે આવી ગયેલી ભૂલો સ્વીકારવી અને આખા બાઇબલમાં માણસોએ ઘડી કાઢેલા વિચારો છે એમ કહેવામાં આભ-જમીનનો ફરક છે.

‘પવિત્ર શાસ્ત્રમાં’ વિશ્વાસ રાખો

બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે એમ કહેતા પહેલાં, પાઊલે તીમોથીને જણાવ્યું હતું કે શા માટે એ લખાણો મહત્ત્વનાં છે. તેમણે કહ્યું કે ‘છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.’ (૨ તીમોથી ૩:૧, ૧૩) પાઊલના સમયમાં પણ દુનિયાના અમુક કહેવાતા જ્ઞાનીઓ અને બુદ્ધિમાનો “મનોહર” એટલે કે મીઠી મીઠી વાતોથી લોકોને ભરમાવતા હતા. એમ કરીને તેઓ ઈસુમાં લોકોનો વિશ્વાસ નબળો પાડી દેતા હતા. (૧ કોરીંથી ૧:૧૮, ૧૯; કોલોસી ૨:૪,) એવું ન થાય એ માટે તીમોથીને અરજ કરતા પાઊલે કહ્યું કે ‘જે વાતો તું શીખ્યો તેઓને વળગી રહે. તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે’ જે ઈશ્વર પાસેથી આવ્યું છે.—૨ તીમોથી ૩:૧૪, ૧૫.

આ ‘છેલ્લા સમયમાં’ તમારા માટે પણ એમ કરવું ખૂબ મહત્ત્વનું છે. આજે પણ અમુક ચાલાક લોકો મીઠી મીઠી કે “મનોહર વાતોથી” આપણને ભરમાવીને ખોટે માર્ગે લઈ જવા ચાહે છે. એવા જોખમથી આપણે સાવધ રહેવું જોઈએ. તેઓની વાતોમાં આવી જવાને બદલે, આપણે પણ પહેલી સદીના ખ્રિસ્તીઓને અનુસરીએ. તેઓની જેમ બાઇબલમાંથી ખંતથી શીખતા રહીએ અને એના પર પૂરો ભરોસો રાખીએ. કેમ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.

હા, બાઇબલમાં તમે વિશ્વાસ મૂકી શકો છો! તમને એ વિષે વધારે જાણવું હોય તો, યહોવાહના સાક્ષીઓ ખુશી ખુશી મદદ કરશે. દાખલા તરીકે, તેઓ તમને બતાવશે કે માનવ ઇતિહાસમાં કઈ રીતે બાઇબલના સિદ્ધાંતો ઉપયોગી નીવડ્યા છે. એ આજે પણ લાભદાયી છે. બાઇબલ વિજ્ઞાનની નજરે પણ સાચું છે. શરૂઆતથી છેક અંત સુધી બાઇબલના સર્વ વિચારો એકબીજા સાથે ગૂંથાએલા છે. બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે વગેરે. વધારે માહિતી માટે તમે આ મૅગેઝિનના પ્રકાશકોને લખો. આ મૅગેઝિનથી દુનિયા ફરતે લાખો લોકોને એ સમજવા મદદ મળી છે કે બાઇબલ સાચે જ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. (w10-E 03/01)

[પાન ૫ પર ચિત્રનું મથાળું]

તમે કોઈ વ્યક્તિને મળો ત્યારે, તેમનો વિશ્વાસ કરવો કે નહિ એ કઈ રીતે નક્કી કરો છો?

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

આપણે પ્રમાણિક નિષ્ણાતોના ઋણી છીએ, કેમ કે તેઓએ બાઇબલની મૂળ પ્રતોને ઓળખવા મદદ કરી છે