સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | કુટુંબને ખુશીઓથી ભરી દઈએ

કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?

કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?

તમારા કુટુંબમાં અવારનવાર ઝઘડા થતા હોય તો શું? બની શકે કે વારંવાર તકરાર થતી હોવાથી એ મોટું સ્વરૂપ લઈ લે. તમને કદાચ ખબર પણ ન પડે કે, તકરાર કઈ રીતે શરૂ થઈ. જોકે, તમે હજુ પણ એકબીજાને પ્રેમ કરો છો અને એકબીજાને દુઃખ પહોંચાડવા માંગતા નથી.

એ યાદ રાખો કે, મતભેદ હોવાનો અર્થ એ નથી કે તમારું કુટુંબ છિન્નભિન્ન થઈ રહ્યું છે. તમારા કુટુંબમાં શાંતિ રહેશે કે તણાવ એ મતભેદો પર નહિ, પણ એને કઈ રીતે હાથ ધરો છો એના પર આધાર રાખે છે. ઝઘડો શાંત પાડવા મદદ કરી શકે એવાં અમુક પગલાં ચાલો જોઈએ.

૧. વળતો જવાબ ન આપો.

એકબીજાને વળતો જવાબ આપવાથી દલીલો ઊભી થાય છે. પરંતુ, બેમાંથી એક વ્યક્તિ બોલવાને બદલે શાંતિથી સાંભળશે તો, દલીલો શાંત પડી જશે. તેથી, ગુસ્સે હો ત્યારે સામો જવાબ ન આપો. પોતાના પર કાબૂ રાખીને સ્વમાન જાળવો. યાદ રાખો કે, દલીલો જીતવા કરતાં કુટુંબની શાંતિ વધારે મહત્ત્વની છે.

“બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે; અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.”નીતિવચનો ૨૬:૨૦.

૨. કુટુંબના સભ્યની લાગણી સમજો.

બીજાની વાતને અટકાવ્યા વગર ધ્યાનથી અને શાંતિથી સાંભળો. પહેલેથી ધારી ન લો કે સામેની વ્યક્તિ ખોટી છે. એમ કરવાથી, ગુસ્સો સમી જશે અને શાંતિ લાવી શકશો. તેનો વાંક કાઢવાને બદલે તેની લાગણી સમજો. અપૂર્ણ હોવાથી કદાચ ભૂલ થઈ જાય તો, એ માટે વ્યક્તિને નફરત ન કરો. મોટા ભાગે, બદલો લેવાની ભાવનાથી વ્યક્તિ કડવા શબ્દો બોલતી નથી. પરંતુ, વિચાર્યા વગર બોલવાથી અથવા તેનું દિલ દુભાયું હોવાથી તે કદાચ એવા શબ્દો બોલે છે.

“દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.”કોલોસી ૩:૧૨.

૩. ગુસ્સાને શાંત પાડવા સમય આપો.

તમને પણ ગુસ્સો આવવા લાગે તો શું? સારું રહેશે કે થોડા સમય માટે ત્યાંથી જતા રહો. એમ કરવાથી, પોતાને શાંત પાડવા થોડો સમય મળશે. મન શાંત થાય ત્યાં સુધી તમે કદાચ બીજા રૂમમાં જઈ શકો અથવા ચાલવા જઈ શકો. એનો અર્થ એ નથી કે, તમને કશાની પરવા નથી અથવા જાણી જોઈને અળગા રહો છો. એનો મતલબ એ પણ નથી કે તમે અબોલા લીધા છે. પરંતુ, કદાચ ધીરજ અને ઊંડી સમજશક્તિ મેળવવા ઈશ્વરને પ્રાર્થના કરવાનો એ સારો સમય છે.

‘ઝઘડો થતા પહેલાં ત્યાંથી નીકળી જાઓ.’નીતિવચનો ૧૭:૧૪.

૪. શું બોલવું અને કઈ રીતે બોલવું એનું ધ્યાન રાખો.

બીજી વ્યક્તિને દુઃખ પહોંચાડવા પ્રયત્નો કરશો તો, સંજોગો નહિ સુધરે. એના બદલે, એવા શબ્દો કહો જે તેના દિલ પર લાગેલા ઘા રુઝવવા મલમનું કામ કરે. સામેની વ્યક્તિને કેવું લાગવું જોઈએ એ વિશે પોતે નક્કી કરવાને બદલે તેને પોતાની લાગણી જણાવવા કહો. તે તમને કંઈક સમજવા મદદ આપે તો તેનો આભાર માનો.

‘વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ મલમ જેવી છે.’નીતિવચનો ૧૨:૧૮.

૫. તમારો અવાજ ધીમો રાખો અને પ્રેમથી વાત કરો.

કુટુંબની એક વ્યક્તિ ધીરજ ગુમાવી બેસે તો એનાથી બીજી વ્યક્તિને રોષ ચઢી શકે. ભલે તમને ગમે એટલું ખોટું લાગ્યું હોય, પણ કટાક્ષમાં કે અપમાનજનક શબ્દો કે ઊંચે અવાજે બોલવાનું ટાળો. બીજાને દુઃખ પહોંચે એવા આરોપ મૂકવાનું ટાળો. જેમ કે, “તમને તો મારી પડી જ નથી” અથવા “તમે તો ક્યારેય મારું સાંભળતા નથી.” એના બદલે, તમારા લગ્નસાથીને શાંતિથી જણાવો કે કઈ રીતે તેના વર્તનથી તમને દુઃખ પહોંચ્યું છે (જેમ કે, “મને એટલે દુઃખ લાગ્યું કે તમે . . .”). ધક્કો મારવો, લાફો મારવો, લાત મારવી અથવા એના જેવા અત્યાચાર સાવ ખોટા છે. તેમ જ, અપશબ્દો બોલવા, તોછડાઈથી બોલવું અથવા ધાકધમકી આપવી પણ ખોટું છે.

“સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.”એફેસી ૪:૩૧.

૬. તરત માફી માંગો અને સંજોગ સુધારવા શું કરશો એ જણાવો.

તમારો મુખ્ય હેતુ શાંતિ રાખવાનો છે. એટલે, ખોટી લાગણીઓને તમારા પર હાવી થવા દેશો નહિ. ભૂલશો નહિ, ઝઘડો કરવાથી બંનેને નુકસાન થશે. પણ, શાંતિ રાખવાથી બંનેને ફાયદો થશે. પોતાની ભૂલ સ્વીકારો. તમને પૂરી ખાતરી હોય કે તમારી ભૂલ નથી, છતાં અમુક બાબતો માટે તમે માફી માંગી શકો. જેમ કે, ચિડાઈ જવા, અયોગ્ય વર્તન માટે અથવા અજાણતા જે મુશ્કેલી ઊભી થઈ છે એના માટે. ઘમંડ અને જીત મેળવવા કરતાં શાંતિભર્યા સંબંધો વધારે મહત્ત્વના છે. જો કોઈ તમારી પાસે માફી માંગે, તો તરત માફ કરી દો. (g૧૫-E ૧૨)

“જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર.”નીતિવચનો ૬:૩.

તકરારનો અંત આવ્યા પછી કુટુંબમાં શાંતિ લાવવા તમે શું કરી શકો? એ વિશે હવે પછીનો લેખ જણાવે છે.