સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર કેવા છે?

ઈશ્વર કેવા છે?

આપણે કોઈ વ્યક્તિના સ્વભાવથી, તેમના ગુણોથી સારી રીતે જાણકાર બનીએ ત્યારે, તેમને વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ. તેમની સાથે આપણી દોસ્તી વધુ ગાઢ બને છે. એવી જ રીતે, યહોવાના ગુણોને વધારે સારી રીતે જાણીશું તો, એ જોઈ શકીશું કે તે કેવા છે. પછી, તેમની સાથે આપણી મિત્રતા વધુ ગાઢ બનશે. યહોવાના અજોડ ગુણોમાં આ ચાર ખાસ છે: શક્તિ, ડહાપણ, ન્યાય અને પ્રેમ.

ઈશ્વર શક્તિશાળી છે

‘હે પ્રભુ યહોવા! તેં તારા મહાન બળથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.’યિર્મેયા ૩૨:૧૭.

સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરની શક્તિ જોવા મળે છે. દાખલા તરીકે, જો તમે ઉનાળામાં બપોરે ઘરની બહાર ઊભા રહો તો કેવું અનુભવશો? સૂર્યનો તાપ અનુભવશો, ખરું ને? ખરેખર તો તમે યહોવાએ બનાવેલા સૂર્યની શક્તિ અનુભવી રહ્યા છો. સૂર્યમાં કેટલી ગરમી છે? એક અંદાજ પ્રમાણે, સૂર્યના કેન્દ્ર ભાગમાં આશરે ૧.૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. કરોડોના કરોડો અણુબૉમ્બ ફોડવાથી જેટલી ગરમી પેદા થાય, એટલી ગરમી સૂર્યમાંથી દર સેકન્ડે બહાર નીકળે છે.

તેમ છતાં, વિશ્વના અબજો તારાઓની સરખામણીમાં આપણો સૂર્ય તો બહુ નાનો છે. વૈજ્ઞાનિકોના અનુમાન પ્રમાણે, યુવાય સ્કુટી નામનો તારો સૌથી મોટા તારાઓમાંનો એક છે. એની પહોળાઈ સૂર્ય કરતાં ૧,૭૦૦ ઘણી વધારે છે. જો યુવાય સ્કુટીને સૂર્યની જગ્યાએ મૂકવામાં આવે તો, એ ગ્રહ ત્યાંથી બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એમ ચારેય ગ્રહોને ઢાંકી દે. અરે, ગુરુ ગ્રહની ભ્રમણકક્ષાને (ઑર્બિટ) પણ ઘેરી લે. આ સમજવાથી યિર્મેયાના શબ્દો આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે યહોવાએ આકાશ અને પૃથ્વી, એટલે એ આખું વિશ્વ પોતાની પ્રચંડ શક્તિથી બનાવ્યું છે.

ઈશ્વરની શક્તિથી આપણને કેવો લાભ થાય છે? સૂર્ય અને પૃથ્વી પરની અનેક ચીજવસ્તુઓ પર આપણું જીવન નભે છે. એ બધું ઈશ્વરે બનાવ્યું છે. ઉપરાંત, ઈશ્વર આપણા દરેકના લાભ માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. કેવી રીતે? પહેલી સદીમાં, યહોવા ઈશ્વરે ઈસુને ચમત્કારિક કામો કરવાની શક્તિ આપી. બાઇબલ જણાવે છે: “આંધળા હવે જુએ છે અને લંગડા ચાલે છે, રક્તપિત્તિયાને શુદ્ધ કરવામાં આવે છે અને બહેરા સાંભળે છે, મરણ પામેલા પાછા ઉઠાડાય છે.” (માથ્થી ૧૧:૫) શું ઈશ્વર આજે પણ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે? બાઇબલ જણાવે છે: ‘નબળાને તે બળ આપે છે. યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે.’ (યશાયા ૪૦:૨૯, ૩૧) આજે ઈશ્વર આપણને જીવનની મુશ્કેલીઓને સહન કરવા ‘માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી’ શક્તિ આપી શકે છે. (૨ કોરીંથીઓ ૪:૭) સાચે જ, ઈશ્વર આપણને પુષ્કળ પ્રેમ કરે છે. આપણી મુશ્કેલીઓમાં સહાય કરવા પોતાની અપાર શક્તિનો ઉપયોગ કરે છે. એવા ઈશ્વરને મિત્ર બનાવવાનું કોને નહિ ગમે!

ઈશ્વરની બુદ્ધિનો કોઈ પાર નથી

“હે યહોવા, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.”ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪.

યહોવાની સૃષ્ટિ વિશે જેમ જેમ શીખતા જઈશું, તેમ તેમ આપણા દિલમાં તેમના ડહાપણ માટે કદર વધતી જશે. વૈજ્ઞાનિકો યહોવાની સૃષ્ટિનો અભ્યાસ કરીને નવી નવી વસ્તુઓ બનાવે છે, અને પોતે બનાવેલી વસ્તુઓમાં સુધારો કરતા રહે છે. એ સ્ટડીને બાયોમિમેટીક્સ અથવા બાયોમિમિક્રી કહે છે. વૈજ્ઞાનિકો કેમેરાના લેન્સથી લઈને વિમાનની રચનામાં આ સ્ટડીનો ઉપયોગ કરે છે.

મનુષ્યની આંખ, ઈશ્વરની અદ્ભુત કરામત

ઈશ્વરની બુદ્ધિનો સૌથી અદ્ભુત દાખલો, માનવ શરીરની અજોડ રચના છે. વિચાર કરો કે એક બાળક કેવી રીતે વિકસે છે. એક જ કોષમાંથી આખું શરીર બનવાનું શરૂ થાય છે. એ કોષમાં બાળકના વિકાસ માટેની બધી જરૂરી માહિતી હોય છે. એ પ્રથમ કોષમાંથી એના જેવા ઘણા કોષ બને છે. પરંતુ યોગ્ય સમયે એ કોષોના જુદા જુદા ગ્રૂપ થાય છે, જેમ કે લોહીના કોષ, સ્નાયુઓ અને હાડકા બનાવતા કોષ. જલદી જ એ કોષોમાંથી શરીરના અંગો બનીને કામ કરવાનું શરૂ કરી દે છે. ફક્ત નવ મહિનામાં જ એક કોષમાંથી સંપૂર્ણ શિશુ વિકાસ પામે છે, જે લાખો કરોડો કોષોનું બનેલું હોય છે. માનવ શરીરની રચના જોઈને ઘણા લોકો બાઇબલના આ શબ્દો સાથે સહમત થાય છે: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.

ઈશ્વરની બુદ્ધિથી આપણને કેવો લાભ થાય છે? આપણા સર્જનહાર જાણે છે કે આપણી ખુશી શેમાં રહેલી છે. તેમની પાસે અપાર જ્ઞાન અને સમજશક્તિ હોવાથી, તે બાઇબલ દ્વારા આપણને સારી સલાહ આપે છે. દાખલા તરીકે, તે અરજ કરે છે: “એકબીજાને દિલથી માફ કરો.” (કોલોસીઓ ૩:૧૩) શું આ સલાહ યોગ્ય છે? હા. ડૉક્ટરોને જોવા મળ્યું છે કે માફ કરવાથી વ્યક્તિને મીઠી ઊંઘ આવે છે અને બ્લડપ્રેશર પણ ઓછું થાય છે. એટલું જ નહીં, ડિપ્રેશન અને આરોગ્યને લગતી બીજી અનેક બીમારીઓ પણ અટકાવી શકાય છે. ઈશ્વરમાં અપાર બુદ્ધિ છે અને તે આપણું ખૂબ ધ્યાન રાખે છે. તે સારી અને ઉપયોગી સલાહ આપવાનું કદી ચૂકતા નથી. (૨ તિમોથી ૩:૧૬, ૧૭) શું તમને આવા મિત્ર નહિ ગમે?

ઈશ્વર ન્યાયી છે

“યહોવાને ઇન્સાફ પસંદ છે.”ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

ઈશ્વર જે ખરું હોય એ જ કરે છે. “એવું બની જ ન શકે કે સાચા ઈશ્વર દુષ્ટતા કરે, એવું શક્ય જ નથી કે સર્વશક્તિમાન કશું ખોટું કરે!” (અયૂબ ૩૪:૧૦) તેમનો ન્યાય હંમેશાં ખરો હોય છે. એક ઈશ્વરભક્ત યહોવાને કહે છે: “લોકોને તમે સાચો ન્યાય તોળી આપશો.” (ગીતશાસ્ત્ર ૬૭:૪) “યહોવા હૃદય તરફ જુએ છે,” આથી તેમને છેતરી શકાય નહીં. તે હંમેશાં પારખી શકે છે કે સાચું શું છે અને એના આધારે તે ખરો ન્યાય આપી શકે છે. (૧ શમૂએલ ૧૬:૭) એ ઉપરાંત, ઈશ્વર ધરતી પર થતા દરેક અન્યાય અને ભ્રષ્ટાચારથી વાકેફ છે. તેમણે વચન આપ્યું છે કે તે જલદી જ ધરતી પરથી સર્વ દુષ્ટોને મિટાવી દેશે.—નીતિવચનો ૨:૨૨.

જોકે ઈશ્વર નિર્દય ન્યાયાધીશ નથી જે સજા આપવાની તાકમાં બેઠા હોય. કોઈ સુધરવા માંગે ત્યારે તે દયા બતાવે છે. બાઇબલ જણાવે છે: “યહોવા દયાળુ તથા કરુણાળુ છે.” એવા દુષ્ટ લોકો સાથે પણ જેઓ દિલથી પસ્તાવો કરે છે. શું આને ખરો ન્યાય ન કહેવાય?—ગીતશાસ્ત્ર ૧૦૩:૮; ૨ પીતર ૩:૯.

ઈશ્વરના ન્યાયથી આપણને કેવો લાભ થાય છે? “ઈશ્વર પક્ષપાત કરતા નથી. પરંતુ, દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.” (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫) આપણે ઈશ્વરના ન્યાયથી લાભ મેળવી શકીએ છીએ, કેમ કે તે કદી ભેદભાવ કે પક્ષપાત કરતા નથી. ભલે આપણે ગમે એ જાતિ કે દેશના હોઈએ, ભણેલા-ગણેલા કે અભણ હોઈએ, આપણે ઈશ્વરની કૃપા પામીને તેમના ભક્ત બની શકીએ છીએ.

ઈશ્વર પક્ષપાત નથી કરતા. ભલે ગમે એ જાતિના હોઈએ, ભણેલા-ગણેલા કે અભણ હોઈએ, આપણે તેમની કૃપા મેળવી શકીએ

ઈશ્વર ચાહે છે કે આપણે તેમના ન્યાયને સમજીએ અને એમાંથી લાભ મેળવીએ. એ માટે તેમણે આપણને અંતઃકરણ આપ્યું છે. બાઇબલ જણાવે છે કે અંત:કરણ જાણે ‘હૃદયમાં લખેલો નિયમ’ છે. એ જાણે “સાક્ષી પૂરે છે” કે આપણું વર્તન સારું છે કે ખરાબ. (રોમનો ૨:૧૫) એનાથી આપણને શું લાભ થાય છે? અંતઃકરણને સારી રીતે કેળવ્યું હશે તો, એ આપણને ખરાબ અને અન્યાયી કામોથી દૂર રહેવા મદદ કરે છે. જો આપણાથી ભૂલ થઈ જાય, તો એ આપણને પસ્તાવો કરીને સાચા માર્ગે ચાલવા પ્રેરશે. સાચે જ, ઈશ્વરના ન્યાયને સમજવાથી તેમને નજીકથી ઓળખવા મદદ મળે છે.

ઈશ્વર પ્રેમ છે

“ઈશ્વર પ્રેમ છે.”૧ યોહાન ૪:૮.

ઈશ્વર શક્તિશાળી છે, એટલે તે ધારે એ કરી શકે છે. તે જે કંઈ કરે એમાં તેમનું ડહાપણ કે બુદ્ધિ જોવા મળે છે અને તે ન્યાયથી વર્તે છે. પણ બાઇબલ જણાવે છે કે ઈશ્વર પ્રેમ છે. બીજા શબ્દોમાં, તે જે કંઈ કરે એ પ્રેમથી પ્રેરાઈને કરે છે.

યહોવા ઈશ્વરને કશાની ખોટ ન હતી. તેમ છતાં, તેમણે પ્રેમથી પ્રેરાઈને સ્વર્ગદૂતો અને માણસોનું સર્જન કર્યું. તેઓ બધી રીતે ઈશ્વરનો પ્રેમ અનુભવી શકે છે. યહોવાએ ઉદાર દિલે સુંદર ધરતી બનાવી અને મનુષ્યોને ઘર તરીકે રહેવા આપી. તે આજે પણ મનુષ્યો પર પ્રેમ વરસાવતા રહે છે. “તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે તથા નેક અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.”—માથ્થી ૫:૪૫.

એ ઉપરાંત, “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.” (યાકૂબ ૫:૧૧) તેમને એવા લોકો પર ખૂબ લાગણી છે, જેઓ ખરા દિલથી તેમને ઓળખવા અને તેમની નજીક આવવા પગલાં ભરે છે. તેઓ દરેકને ઈશ્વર સારી રીતે જાણે છે. અરે, “તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.

ઈશ્વરના પ્રેમથી આપણને કેવો લાભ થાય છે? આથમતો સૂર્ય જોવો કોને ન ગમે! એ સુંદર નજારો મન મોહી લે છે. બાળકનો ખિલખિલાટ સાંભળીને આપણું દિલ નાચી ઊઠે છે. સગાં-વહાલાંના પ્રેમ વગર આપણું જીવન અધૂરું લાગે છે, ખરું ને? સાચું કે આ બધા વગર પણ આપણે જીવી શકીએ છીએ, પણ એ હોવાથી જીવન મજાનું બની જાય છે.

આપણે ઈશ્વરનો પ્રેમ બીજી વાતમાં પણ અનુભવીએ છીએ. એ છે પ્રાર્થના. બાઇબલ આપણને અરજ કરે છે: “કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો.” એક પ્રેમાળ પિતાની જેમ, ઈશ્વર ઇચ્છે છે કે આપણે આપણી સૌથી અંગત મુશ્કેલીઓમાં પણ તેમની મદદ માંગીએ. એમ કરીશું તો, યહોવા વચન આપે છે કે તે આપણને નિઃસ્વાર્થ ભાવે “ઈશ્વરની શાંતિ” આપશે, “જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.”—ફિલિપીઓ ૪:૬, ૭.

આપણે ઈશ્વરના ખાસ મુખ્ય ગુણો વિશે જોઈ ગયા. શક્તિ, ડહાપણ, ન્યાય અને પ્રેમ. શું એનાથી હવે તમે સારી રીતે જોઈ શકો છો કે ઈશ્વર કેવા છે? ચાલો હવે જોઈએ કે ઈશ્વરે આપણા માટે શું કર્યું છે અને ભાવિમાં તે આપણા ભલા માટે શું કરવાના છે. એ જાણીને ઈશ્વર માટે તમારું દિલ કદરથી ઉભરાઈ જશે.

ઈશ્વર કેવા છે? યહોવા જેવું શક્તિશાળી બીજું કોઈ નથી. તેમની બુદ્ધિ અને ન્યાયની તોલે કોઈ ન આવી શકે. એમાંય તેમનો પ્રેમ આપણા દિલને સ્પર્શી જાય છે