સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

હવે હું બીજાઓને મદદ કરી શકું છું

હવે હું બીજાઓને મદદ કરી શકું છું
  • જન્મ: ૧૯૮૧

  • દેશ: ગ્વાટેમાલા

  • ભૂતકાળ: કરુણ બાળપણ

મારા વિશે:

મારો જન્મ એકુલ ગામમાં થયો હતો. એ ગામ ગ્વાટેમાલા દેશના પહાડી પ્રદેશમાં આવેલું છે. મારું કુટુંબ માયા સંસ્કૃતિમાંથી આવેલી આયસલ જાતિનું છે. હું મોટો થયો તેમ અમારી પોતાની ભાષા અને સ્પેનિશ ભાષા શીખ્યો. ગ્વાટેમાલામાં ૩૬ વર્ષ સુધી જાતિ-જાતિ વચ્ચેનું યુદ્ધ ચાલ્યું હતું, જેમાં આયસલ જાતિના ઘણા લોકો માર્યા ગયા. મારું બાળપણ એ હિંસક સમયમાં જ વીત્યું હતું.

એક દિવસ મારો સાત વર્ષનો ભાઈ બૉમ્બ સાથે રમતો હતો. અચાનક એ બૉમ્બ ફાટ્યો અને તેણે પોતાનું જીવન ગુમાવ્યું. તેમ જ, મારી આંખોની રોશની પણ જતી રહી. હું ત્યારે ચાર વર્ષનો જ હતો. પછી, મારું બાળપણ ગ્વાટેમાલા શહેરમાં આવેલી અંધજનો માટેની સંસ્થામાં વીત્યું. ત્યાં હું બ્રેઇલ લિપિ શીખ્યો. એ સંસ્થાના સભ્યો કોઈક કારણસર મને બીજાઓ જોડે વાત કરતા અટકાવતા. મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ મારાથી દૂર રહેતા. હું હંમેશાં એકલો રહેતો અને દર વર્ષે એ બે મહિનાની કાગની ડોળે રાહ જોતો જ્યારે, હું મારી મમ્મી પાસે ઘરે જઈ શકતો. મારી મમ્મી ખૂબ પ્રેમાળ અને દયાળુ હતી. જોકે, હું દસ વર્ષનો હતો ત્યારે હજુ એક દુઃખદ બનાવ બન્યો, મારી મમ્મી ગુજરી ગઈ. એ સમયે હું સાવ ભાંગી પડ્યો. કેમ કે, મને પ્રેમ કરનાર મમ્મીએ પણ મારો સાથ છોડી દીધો હતો.

હું ૧૧ વર્ષનો થયો ત્યારે મારા ગામમાં પાછો ગયો અને મારા સાવકા ભાઈ અને તેના કુટુંબ જોડે રહેવા લાગ્યો. તેઓ મારી જરૂરિયાતોનું ધ્યાન રાખતા. પરંતુ, તેઓ મારી લાગણીઓ સમજી શકતા નહિ. કેટલીક વાર હું ઈશ્વરને પોકારી ઊઠતો: “મારી મમ્મી કેમ મરી ગઈ? હું કેમ આંધળો છું?” લોકો મને એવું કહેતા કે, આવા કરુણ બનાવો તો ઈશ્વરની મરજીને લીધે થાય છે. મેં માની લીધું કે, ઈશ્વર પથ્થર દિલ અને અન્યાયી છે. હું આત્મહત્યા કરવા માંગતો હતો પણ, મને કોઈ માધ્યમ મળ્યું નહિ.

અંધ હોવાને લીધે હું શારીરિક અને લાગણીમય રીતે હતાશ થઈ ગયો હતો. હું નાનો હતો ત્યારે, ઘણી વાર મારું જાતીય શોષણ કરવામાં આવ્યું. પરંતુ, એ વિશે હું કોઈને જણાવતો નહિ. હું વિચારતો કે કોઈને મારી કંઈ પડી નથી. લોકો મારી સાથે ક્યારેક જ વાત કરતા. તેમ જ, હું પણ કોઈની સાથે વાત ન કરતો. હું સાવ એકલો પડી ગયો અને નિરાશ થઈ ગયો હતો. હું કોઈના પર ભરોસો કરતો નહિ.

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

હું ૧૩ વર્ષનો હતો ત્યારે, યહોવાના સાક્ષીઓનું એક યુગલ મને સ્કૂલની રીસેસ દરમિયાન મળવા આવ્યું. મારા સ્કૂલના શિક્ષક મારા મુશ્કેલ સંજોગો સારી રીતે સમજતા હતા. તેથી, તેમણે એ યુગલને મને મળવા જણાવ્યું. તેઓએ મને બાઇબલનાં વચનો જણાવતાં કહ્યું કે, મરણ પામેલી વ્યક્તિઓ ફરી જીવતી થશે અને અંધ વ્યક્તિઓ ફરી દેખતી થશે. (યશાયા ૩૫:૫; યોહાન ૫:૨૮, ૨૯) તેઓ જે શીખવતા હતા એ મને ગમતું. પરંતુ, તેઓ સાથે બોલવું મારા માટે અઘરું હતું. કેમ કે, બીજાઓ સાથે હું ઓછી વાત કરતો. તેમ છતાં, તેઓ પ્રેમથી અને ધીરજથી મને બાઇબલમાંથી શીખવતા રહ્યા. એ યુગલ ૧૦ કિ.મી. કરતાં વધારે ચાલીને અને પહાડ પાર કરીને મને મળવા આવતું.

એ યુગલ વિશે મારા સાવકા ભાઈએ જણાવ્યું કે, તેઓનો પહેરવેશ સારો હતો. પરંતુ, તેઓ ગરીબ હતા. તેમ છતાં, તેઓ મારામાં રસ લેતા અને મારા માટે નાની-સૂની ભેટ લાવતા. હું પારખી શક્યો કે, સાચા ખ્રિસ્તીઓ જ એવું નિઃસ્વાર્થ વલણ બતાવી શકે.

બ્રેઇલ સાહિત્યની મદદથી હું બાઇબલ શીખ્યો. હું જે શીખતો એને સારી રીતે સમજી શકતો હતો. પરંતુ, અમુક બાબતો સ્વીકારવી મારા માટે અઘરી હતી. દાખલા તરીકે, મારા માટે એ માનવું અઘરું હતું કે, ઈશ્વર મારી કાળજી રાખે છે. તેમ જ, બીજા લોકો પણ તેમની જેમ જ મારી કાળજી રાખે છે. સમય જતાં, હું એ તો સમજી શક્યો કે, યહોવા ઈશ્વર શા માટે દુષ્ટતા ચાલવા દે છે. પણ, યહોવાને એક પ્રેમાળ પિતા તરીકે સ્વીકારવું મારા માટે મુશ્કેલ હતું. *

બાઇબલમાંથી શીખવાને કારણે, મને મારા વિચારોમાં ફેરફાર કરવા મદદ મળી. દાખલા તરીકે, હું શીખ્યો કે લોકોની પીડા જોઈને ઈશ્વર પણ દુઃખી થાય છે. પોતાના ભક્તો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું ત્યારે ઈશ્વરે કહ્યું: ‘મેં મારા લોકનું દુઃખ નિશ્ચે જોયું છે. કેમ કે તેઓનું દુઃખ હું જાણું છું.’ (નિર્ગમન ૩:૭) યહોવાના પ્રેમાળ ગુણોની કદર કરવાનું શીખ્યો તેમ, મને પોતાનું જીવન સમર્પણ કરવાની ઇચ્છા થઈ. પછી, મેં ૧૯૯૮માં બાપ્તિસ્મા લીધું અને યહોવાનો સાક્ષી બન્યો.

એ ભાઈના કુટુંબે મને તેમની સાથે રાખ્યો

બાપ્તિસ્માના એકાદ વર્ષ પછી, એસ્કુન્ટલા શહેરની નજીક મેં અંધ વ્યક્તિઓ માટેનો એક કોર્સ કર્યો. મારા મંડળના વડીલ જોઈ શક્યા કે મારા શહેરથી સભાઓમાં આવા-જવામાં મને તકલીફ પડતી હતી. સૌથી નજીકનું મંડળ એ જ પહાડી વિસ્તારમાં હતું, જ્યાંથી સાક્ષી યુગલ મારી જોડે અભ્યાસ કરવા આવતું હતું. સભાઓ માટે ત્યાં જવું ઘણું જ અઘરું હતું. મારા મંડળના વડીલે એસ્કુન્ટલા શહેરમાં રહેતા એક કુટુંબને મારી મદદ કરવા જણાવ્યું. તેઓએ મને ખુશી ખુશી તેમના ઘરે રાખ્યો અને સભામાં જવા પણ મદદ કરી. આજ દિન સુધી તેઓ મને પોતાના કુટુંબનો સભ્ય ગણે છે અને મારી કાળજી રાખે છે.

એવા ઘણા કિસ્સા મને યાદ છે જ્યારે, મંડળનાં ભાઈ-બહેનોએ મને સાચો પ્રેમ બતાવ્યો હતો. એ બધા અનુભવોએ મને ખાતરી અપાવી કે, યહોવાના સાક્ષી તરીકે હું સાચા ખ્રિસ્તીઓ મધ્યે છું.—યોહાન ૧૩:૩૪, ૩૫.

મને કઈ રીતે ફાયદો થયો:

પહેલાં મારું જીવન વ્યર્થ અને અંધકારમય હતું. પરંતુ, હવે મારા જીવનને નવી દિશા મળી છે. યહોવાના સાક્ષીઓ બીજાઓને બાઇબલમાંથી શીખવે છે. એ કામમાં હું મારો પૂરો સમય આપું છું. મારી નબળાઈ પર ધ્યાન આપવાને બદલે હું બીજાઓને બાઇબલ સત્ય શીખવવા પર ધ્યાન આપું છું. મંડળમાં વડીલ તરીકે સેવા આપવાનો મને લહાવો મળ્યો છે. હું બીજાં મંડળોમાં પણ બાઇબલ આધારિત પ્રવચન આપું છું. તેમ જ, મહાસંમેલનોમાં પણ બાઇબલ આધારિત પ્રવચન આપવાનો મને લહાવો મળે છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપે છે.

બ્રેઇલ બાઇબલનો ઉપયોગ કરીને પ્રવચન આપતા

૨૦૧૦માં મને સેવકાઈ તાલીમ શાળામાં (હવે રાજ્ય પ્રચારકો માટે શાળા તરીકે ઓળખાય છે) જવાનો મોકો મળ્યો હતો. એ શાળા અલ સાલ્વાડોર ખાતે યોજાઈ હતી. મંડળમાં સારી રીતે જવાબદારી ઉઠાવવા આ શાળાથી મને ખૂબ મદદ મળી. આ તાલીમ લેવાથી હું જોઈ શક્યો કે યહોવા મારી કદર કરે છે અને પ્રેમ કરે છે. તેમ જ, યહોવા પોતાનું કામ પૂરું કરવા કોઈને પણ લાયક બનાવે છે.

ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આજે હું ખૂબ જ ખુશ છું. હવે હું બીજાઓને મદદ કરી શકું છું, જે મેં વિચાર્યું પણ ન હતું. (w૧૫-E ૧૦/૦૧)

^ ફકરો. 13 ઈશ્વર શા માટે દુષ્ટતા ચાલવા દે છે એ વિશે વધારે જાણવા યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ.