સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

[ડાબેથી જમણે] મારસેલો, યોમારા અને ઇવર. દરેક પાસે સ્પેનિશ બ્રેઇલમાં નવી દુનિયા ભાષાંતર બાઇબલનો એક એક ભાગ છે

તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં

તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં

યોમારા, મારસેલો અને ઇવર ભાઈ-બહેન છે. તેઓ ગ્વાટેમાલાના નાનકડા ગામમાં રહે છે. પહેલા યોમારાએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પછીથી, તેમના ભાઈઓએ પણ શીખવાનું શરૂ કર્યું. પણ એક નડતર હતી. ત્રણેય ભાઈ-બહેન જોઈ શકતાં નથી અને તેઓને બ્રેઇલ ભાષા પણ આવડતી ન હતી. એટલે તેઓને શીખવનાર ભાઈ પોતે ફકરા વાંચતા અને એમાં આપેલી કલમો વાંચી સંભળાવતા.

બીજી પણ એક નડતર હતી. તેઓના ઘરથી પ્રાર્થનાઘર ૪૦ મિનિટ દૂર હતું અને તેઓ એકલા જઈ શકતાં ન હતાં. એટલે મંડળના ભાઈઓએ તેઓને લેવા-મૂકવાની ગોઠવણ કરી. થોડા સમયમાં તેઓને સભામાં ભાગ મળવા લાગ્યા. ભાઈ-બહેનો તેઓને મદદ કરતા, જેથી તેઓ પોતાનો ભાગ યાદ રાખી શકે અને મોઢે રજૂ કરી શકે.

મે ૨૦૧૯થી તેઓના ગામમાં સભાઓ શરૂ થઈ. ત્યાં સુધીમાં તો એક પાયોનિયર યુગલ પણ એ ગામમાં રહેવા આવી ગયું હતું. તેઓએ એ ત્રણ ભાઈ-બહેનોને બ્રેઇલ ભાષા શીખવવાનું નક્કી કર્યું. પણ એ યુગલને બ્રેઇલ ભાષા આવડતી ન હતી. એટલે એ ભાષા શીખવા તેઓ લાઇબ્રેરીમાંથી અમુક પુસ્તકો લાવ્યાં. એ પુસ્તકોમાં એમ પણ જણાવ્યું હતું કે બીજાઓને બ્રેઇલ ભાષા કઈ રીતે શીખવી શકાય.

મારસેલો મંડળની સભામાં જવાબ આપે છે

યોમારા, મારસેલો અને ઇવર અમુક જ મહિનાઓમાં બ્રેઇલ શીખી ગયાં. એના લીધે તેઓ યહોવા સાથેની દોસ્તી વધારે મજબૂત કરી શક્યાં. a આજે એ ત્રણેય પાયોનિયર છે. મારસેલો સહાયક સેવક તરીકે મંડળમાં સેવા આપે છે. આખું અઠવાડિયું તેઓ પૂરા ઉત્સાહથી યહોવાની સેવા કરે છે. એ જોઈને બીજાઓનો પણ ઉત્સાહ વધે છે.

મંડળનાં ભાઈ-બહેનોએ યોમારા અને તેમના ભાઈઓને ખૂબ પ્રેમ બતાવ્યો, તેઓની સારી સંભાળ રાખી. એની ત્રણેય ભાઈ-બહેન બહુ કદર કરે છે. યોમારા કહે છે: “યહોવાના સાક્ષીઓને પહેલી વાર મળ્યાં ત્યારથી લઈને આજ સુધી તેઓ અમને પ્રેમ બતાવતા રહ્યા છે. આને જ તો સાચો પ્રેમ કહેવાય!” મારસેલો કહે છે: “મંડળમાં અમારા ઘણા સારા મિત્રો છે. અમે આખી દુનિયામાં ફેલાયેલા કુટુંબનો ભાગ છીએ, જેમાં બધા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.” આખી પૃથ્વી સુંદર બાગ જેવી બની જશે એ દિવસને નજરોનજર જોવા યોમારા અને તેમના ભાઈઓ આતુર છે.—ગીત. ૩૭:૧૦, ૧૧; યશા. ૩૫:૫.

a આપણા સંગઠને એક મોટી પુસ્તિકા બહાર પાડી છે, જેનું નામ છે, લર્ન ટુ રીડ બ્રેઇલ. જેઓને ઓછું દેખાય છે અથવા જેઓ જરાય જોઈ નથી શકતા, તેઓ આ મોટી પુસ્તિકાની મદદથી બ્રેઇલ ભાષા વાંચવા-લખવાનું શીખી શકે છે.