સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હુલ્ડાબહેનની મહેનત રંગ લાવી!

હુલ્ડાબહેનની મહેનત રંગ લાવી!

ઇન્ડોનેશિયામાં સેંગિર બેસોર નામનો એક નાનો ટાપુ છે. ત્યાં આપણી ત્રણ બહેનો રહે છે. થોડાં વર્ષો પહેલાં જો તમે ત્યાં ગયા હોત, તો એ ત્રણ બહેનોને દરિયા કિનારે જોયાં હોત. ટાપુ પર રહેતા મોટા ભાગના લોકો જાણે છે કે એ બહેનો લોકોને બાઇબલમાંથી શીખવે છે. પણ આ વખતે તેઓ કંઈક અલગ કરી રહ્યાં હતાં.

ઉત્તર ઇન્ડોનેશિયામાં સેંગિર બેસોર નામનો ટાપુ

સૌથી પહેલા, આ બહેનો પાણીમાં જાય છે અને ભારે પથ્થરો ઊંચકીને કિનારે લઈ આવે છે. અમુક પથ્થરો તો ફૂટબોલ જેટલા મોટા હોય છે. પછી તેઓ લાકડાંના પાટલા પર બેસે છે અને હથોડીથી એના નાના નાના ટુકડા કરે છે. એ ટુકડા મરઘીનાં ઈંડાં જેટલાં હોય છે. પછી એ નાના ટુકડાઓને પ્લાસ્ટિકની ડોલમાં ભરીને પોતાના ઘરે લઈ જાય છે. ત્યાં સુધી પહોંચવા તેઓએ થોડું ચાલવું પડે છે અને દાદરા ચઢવા પડે છે. પછી તેઓ એ પથ્થરોને કોથળામાં ભરે છે, જેથી ટેમ્પો ભરી શકાય. એ પથ્થરો રોડ બનાવવામાં વપરાય છે.

હુલ્ડાબહેન દરિયા કિનારે પથ્થર ભેગા કરે છે

એમાંના એક બહેનનું નામ હુલ્ડા છે. તેમના સંજોગોને લીધે તે બીજાઓ કરતાં વધારે સમય કામ કરી શકતાં હતાં. મોટા ભાગે તે પોતાની આવકથી કુટુંબની રોજની જરૂરિયાતો પૂરી કરતાં. પણ આ વખતે તે થોડા પૈસા બચાવવા માંગતાં હતાં. કેમ કે તેમણે એક ટેબ્લેટ ખરીદવું હતું, જેથી JW લાઇબ્રેરી ઍપ વાપરી શકે. તે જાણતા હતા કે ઍપમાં આપેલાં વીડિયો અને બીજાં સાહિત્યથી તે સારી રીતે પ્રચાર કરી શકશે અને પોતે બાઇબલનો અભ્યાસ કરીને એની વધારે સમજણ મેળવી શકશે.

હુલ્ડાબહેને દોઢ મહિના સુધી રોજ સવારે બે કલાક વધારે કામ કર્યું. દોઢ મહિનામાં તેમણે એટલા પથ્થર તોડ્યા કે નાનો ટેમ્પો ભરાઈ ગયો. આખરે, ટેબ્લેટ ખરીદવાના પૈસા ભેગા થઈ ગયા!

હુલ્ડાબહેનના હાથમાં ટેબ્લેટ છે

હુલ્ડાબહેને જણાવ્યું: “પથ્થર તોડી તોડીને હું થાકીને લોથપોથ થઈ જતી. શરીરનું એકેએક અંગ દુઃખતું. પણ જ્યારે હું વિચારતી કે આ ટેબ્લેટથી મને અને બીજાઓને કેવો ફાયદો થતો, ત્યારે મારો થાક ક્યાંય ગાયબ થઈ જતો. ટેબ્લેટ દ્વારા હું બીજાઓને સારી રીતે ખુશખબર જણાવી શકતી અને સભાઓની સારી તૈયારી કરી શકતી.” તેમણે એમ પણ જણાવ્યું કે મહામારીની શરૂઆતમાં ટેબ્લેટ ઘણું કામમાં આવ્યું, કેમ કે એ સમયે સભાઓ અને પ્રચારકામ ઓનલાઇન થતાં હતાં. આપણને કેટલી ખુશી છે કે હુલ્ડાબહેનની મહેનત રંગ લાવી!