સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’

જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’

૧૯૭૦માં એન ગેડીનો વીંટો મળ્યો હતો. એના બળેલા ટુકડા વંચાય એવા ન હતા. કોમ્પ્યુટરની મદદથી ખબર પડી કે એ લેવીયના પુસ્તકનો ભાગ છે. એ વીંટામાં ઈશ્વરનું નામ છે

ઈસવીસન ૧૯૭૦માં ઇઝરાયેલમાં મૃત સરોવરના પશ્ચિમ કિનારા પાસે એન ગેડી નામની જગ્યાએથી નિષ્ણાતોને બળી ગયેલો વીંટો મળી આવ્યો હતો. તેઓને એ વીંટો એક યહુદી સભાસ્થાનના (સિનેગોગ) ખોદકામ દરમિયાન મળ્યો. આશરે છઠ્ઠી સદીમાં એ ગામનો નાશ કરવામાં આવ્યો ત્યારે એ સભાસ્થાનને સળગાવી દેવામાં આવ્યું હતું. બળેલા વીંટાની હાલત એટલી ખરાબ હતી કે કંઈ વંચાય એમ ન હતું. જો વાળવાની કોશિશ કરવામાં આવે તો એ ફાટી જાય એવો હતો. પણ, એ સમયે ટૅક્નોલૉજી કામમાં આવી. થ્રી-ડી સ્કેનિંગથી એ વીંટો ‘ખોલવામાં આવ્યો.’ કોમ્પ્યુટરના નવા સોફ્ટવેરની મદદથી એનું લખાણ વાંચવું શક્ય બન્યું.

કેવું લખાણ હતું, એ વીંટા પર? એના પર બાઇબલનું લખાણ હતું. એ બળી ગયેલા વીંટા પર અમુક જ કલમો બચી હતી. એ કલમો લેવીયના પુસ્તકના શરૂઆતના ભાગની હતી. એ કલમોમાં ઈશ્વરનું નામ હિબ્રૂ ભાષામાં લખેલું હતું. ચાર હિબ્રૂ મૂળાક્ષરો (યહવહ) વપરાયા હતા. એમ લાગે છે કે એ વીંટો પહેલી સદીના બીજા ભાગથી લઈને ચોથી સદીની વચ્ચે લખાયો હશે. કૂમરાન હસ્તપ્રતો પછી, એ વીંટો બાઇબલનો સૌથી જૂનો હિબ્રૂ વીંટો કહી શકાય. ધ જેરૂશાલેમ પોસ્ટ નામના મૅગેઝિનમાં ગીલ જોહર લખે છે: ‘મૃત સરોવરના વીંટાઓ આશરે ઈ.સ. પૂર્વે ૧૦૦ના હતા. અલેપ્પો કોડેક્ષ આશરે ઈ.સ. ૯૩૦નું હતું. એ બંને લખાણો વચ્ચેના આશરે ૧૦૦૦ વર્ષના સમયગાળામાં લખાયું હોય, એવું બીજું કોઈ સાહિત્ય પ્રાપ્ય ન હતું. એક ખાલી જગ્યા હતી. આ જગ્યા હવે એન ગેડીના વીંટાથી પૂરાઈ ગઈ.’ નિષ્ણાતો જણાવે છે કે, આ વીંટો ખુલવાથી ખબર પડે છે કે મુસાનાં પુસ્તકો (તોરાહ) ‘સદીઓ સુધી સચવાઈ રહ્યાં છે. નકલ બનાવનારની ભૂલોની એના પર અસર પડી નથી.’