સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

બાઇબલના સરળ અને સ્પષ્ટ જવાબો મારા દિલને સ્પર્શી ગયા

બાઇબલના સરળ અને સ્પષ્ટ જવાબો મારા દિલને સ્પર્શી ગયા
  • જન્મ: ૧૯૪૮

  • દેશ: હંગેરી

  • ભૂતકાળ: જીવનના મહત્ત્વના સવાલોના જવાબ જાણવા હતા

મારા વિશે:

મારો જન્મ હંગેરીના એક પ્રાચીન શહેરમાં થયો હતો. મને હજી પણ યાદ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમારા શહેરને કેટલું બધું નુકસાન થયું હતું.

મારું બાળપણ નાની-નાના સાથે વીત્યું. તેઓએ મને મોટો કર્યો. તેઓ સાથે વિતાવેલી પળોની મીઠી યાદો હજી મારા મનમાં તાજી છે, ખાસ કરીને મારાં નાની એલીઝાબેથ સાથે વિતાવેલી પળો. તેમણે મને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું શીખવ્યું. ત્રણ વર્ષની ઉંમરથી જ હું રોજ સાંજે નાની સાથે પ્રભુની પ્રાર્થના કરતો. પણ ત્રીસેક વર્ષનો થયો ત્યાં સુધી મને એ પ્રાર્થનાનો અર્થ સમજાયો ન હતો.

મમ્મી-પપ્પા રાત-દિવસ કામ કરતા, જેથી થોડા પૈસા બચાવીને એક સારું ઘર લઈ શકે. એટલે મોટા ભાગે મારાં નાની-નાનાએ મારી સંભાળ રાખી હતી. મહિનામાં બે વાર કુટુંબના બધા સભ્યો ભેગા મળતા અને સાથે જમતા. એ પળો મને ખૂબ જ ગમતી.

૧૯૫૮માં મમ્મી-પપ્પાનું સપનું સાકાર થયું. તેઓએ એવું ઘર ખરીદ્યું જ્યાં અમે ત્રણેય સાથે રહી શકતાં હતાં. મારી ખુશીનો કોઈ પાર જ ન હતો, કારણ કે હવે હું મમ્મી-પપ્પા સાથે રહેતો હતો. પણ એ ખુશી લાંબો સમય ન ટકી. છ મહિના પછી મારા પપ્પા કેન્સરને લીધે ગુજરી ગયા.

હું અંદરથી ભાંગી પડ્યો હતો. હું પ્રાર્થના કરતો: “ભગવાન, તમે મારા પપ્પાને સાજા કેમ ન કર્યા? મને તેમની જરૂર છે. મેં તમને કેટલી બધી પ્રાર્થના કરી, તોપણ તમે કેમ એના જવાબો ન આપ્યા?” મારે જાણવું હતું કે મારા પપ્પા ક્યાં છે. હું વિચારતો, ‘શું પપ્પા સ્વર્ગમાં ગયા છે, કે પછી તેમનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું?’ જ્યારે હું બીજાં બાળકોને તેઓના પપ્પા સાથે જોતો, ત્યારે મને તેઓની ખૂબ ઈર્ષા થતી.

ઘણાં વર્ષો સુધી હું મોટા ભાગે રોજ પપ્પાની કબરે જતો. ત્યાં ઘૂંટણિયે પડીને હું પ્રાર્થના કરતો: “ભગવાન, મને જણાવો કે મારા પપ્પા ક્યાં છે.” એટલું જ નહિ, મારે જાણવું હતું કે આ દુનિયામાં આવવાનું કારણ શું છે. એ કારણ જાણવા પણ હું ભગવાનને પ્રાર્થના કરતો.

૧૩ વર્ષની ઉંમરે મેં જર્મન ભાષા શીખવાનું શરૂ કર્યું. જર્મન ભાષામાં સાહિત્યનો ભંડાર છે, એટલે મને થયું કે કદાચ એમાંથી મને મારા સવાલોના જવાબ મળશે. ૧૯૬૭માં મેં પૂર્વ જર્મનીના જીના શહેરમાં ભણવાનું શરૂ કર્યું. મેં જર્મન ફિલસૂફોનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં, ખાસ કરીને એવાં પુસ્તકો જેમાં માણસોના અસ્તિત્વ વિશે જણાવ્યું હતું. એમાંથી મને ઘણી નવી નવી વાતો જાણવા મળી, પણ મારા સવાલોના જવાબ ન મળ્યા. એ સમયગાળા દરમિયાન મેં પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું હતું.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

૧૯૭૦માં હું હંગેરી પાછો ફર્યો. ત્યાં હું રોઝને મળ્યો, જેની સાથે મેં પછીથી લગ્‍ન કર્યાં. એ સમયગાળામાં હંગેરીમાં સામ્યવાદી સરકાર હતી. લગ્‍નના થોડા જ સમય પછી અમે ઑસ્ટ્રિયા રહેવા ગયાં. અમારી ઇચ્છા તો ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં વસવાની હતી, જ્યાં મારા મામા રહેતા હતા.

મને જલદી જ ઑસ્ટ્રિયામાં કામ મળી ગયું. મારી સાથે કામ કરતા માણસે એક દિવસે મને કહ્યું કે મારા બધા સવાલોના જવાબ મને બાઇબલમાંથી મળશે. તેણે મને બાઇબલ વિશેની અમુક ચોપડીઓ આપી. મેં એ બધી ચોપડીઓ ફટાફટ વાંચી નાખી. મારે વધારે શીખવું હતું, એટલે મેં યહોવાના સાક્ષીઓને પત્ર લખ્યો, જેઓએ એ ચોપડીઓ છાપી હતી. મેં તેઓને વધારે ચોપડીઓ મોકલવા વિનંતી કરી.

અમારાં લગ્‍નની પહેલી વર્ષગાંઠના દિવસે ઑસ્ટ્રિયાના એક સાક્ષી ભાઈ અમને મળવા આવ્યા. એ યુવાન ભાઈ અમારા માટે ચોપડીઓ લઈ આવ્યા, જે વિશે મેં વિનંતી કરી હતી. તેમણે મને પૂછ્યું, “શું તમારે બાઇબલમાંથી શીખવું છે?” મેં હા પાડી. હું શીખવા માટે ખૂબ ઉત્સુક હતો, એટલે અમે અઠવાડિયામાં બે વાર અભ્યાસ કરતા. દર વખતે અમે ચારેક કલાક અભ્યાસ કરતા.

યહોવાના સાક્ષીઓ મને બાઇબલમાંથી શીખવતા, એનાથી મારી ખુશીનો પાર ન રહ્યો. તેઓએ મને મારા હંગેરીયન ભાષાના બાઇબલમાંથી બતાવ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે. એ જાણીને હું તો છક થઈ ગયો. હું ૨૭ વર્ષ સુધી ચર્ચમાં જતો હતો, પણ ત્યાં મને એક વાર પણ ઈશ્વરનું નામ સાંભળવા ન મળ્યું. મને મારા સવાલોના જવાબો બાઇબલમાંથી મળ્યા. એના સરળ અને સ્પષ્ટ જવાબો મારા દિલને સ્પર્શી ગયા. જેમ કે, મને શીખવા મળ્યું કે ગુજરી ગયેલાઓ કંઈ જાણતા નથી. તેઓ તો જાણે મરણની ઊંઘમાં છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦; યોહાન ૧૧:૧૧-૧૫) મને બાઇબલની એ આશા વિશે પણ જાણવા મળ્યું કે બહુ જલદી આ દુનિયામાં ‘મરણ રહેશે નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪) હું એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે “લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે” અને હું મારા પપ્પાને ફરી મળી શકીશ.—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

રોઝ પણ પૂરા દિલથી મારી સાથે બાઇબલમાંથી શીખવા લાગી. સાક્ષીઓ અમને જે ચોપડીમાંથી શીખવતા હતા, એ અમે બે મહિનામાં જ પૂરી કરી દીધી. અમે યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં થતી દરેક સભામાં જતા. તેઓ વચ્ચેનો પ્રેમ, એકબીજાને મદદ કરવાની ભાવના અને તેઓની એકતા અમારાં દિલને સ્પર્શી ગઈ.—યોહાન ૧૩:૩૪, ૩૫.

૧૯૭૬માં હું અને રોઝ ઑસ્ટ્રેલિયા રહેવા જતાં રહ્યાં. ત્યાં અમે તરત યહોવાના સાક્ષીઓને શોધ્યા અને તેઓ અમને મળી ગયા. તેઓએ અમને જરાય એવું ન લાગવા દીધું કે અમે ઘરથી દૂર છીએ. ૧૯૭૮માં અમે બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષીઓ બન્યાં.

મને કઈ રીતે ફાયદો થયો:

આખરે મને એ સવાલોના જવાબ મળી ગયા, જે વર્ષોથી મારા મનમાં ભમ્યા કરતા હતા. હું યહોવા ઈશ્વરની વધારે નજીક ગયો અને તે મારા પિતા બન્યા, સૌથી શ્રેષ્ઠ પિતા! (યાકૂબ ૪:૮) હું મારા ગુજરી ગયેલા પપ્પાને ફરી મળી શકીશ, એ આશાથી તો મને ખૂબ જ રાહત મળે છે.—યોહાન ૫:૨૮, ૨૯.

અમે ચાહતાં હતાં કે અમારું કુટુંબ, મિત્રો અને બીજાઓ પણ બાઇબલમાંથી શીખે, એટલે ૧૯૮૯માં હું અને રોઝ હંગેરી પાછાં ફર્યાં. અમે સેંકડો લોકોને બાઇબલમાંથી શીખવ્યું અને એમાંથી ૭૦ કરતાં વધારે લોકો યહોવાના સાક્ષી બન્યા. મારી વહાલી મમ્મી પણ એમાંની એક હતી.

મારા સવાલોના જવાબ મેળવવા મેં ૧૭ વર્ષ સુધી પ્રાર્થના કરી. બીજાં ૩૯ વર્ષ પસાર થઈ ગયાં છે અને હું હજીયે પ્રાર્થના કરું છું, પણ હવે હું ફક્ત એટલું કહું છું, “સ્વર્ગમાં રહેતા મારા વહાલા પિતા, હું બાળપણથી જે સવાલો પૂછતો હતો એના જવાબ આપવા માટે તમારો લાખ લાખ આભાર!”