સ્કીપ ટુ કન્ટેન્ટ

મુખ્ય વિષય

પોર્નોગ્રાફી—મજા કે સજા?

પોર્નોગ્રાફી—મજા કે સજા?

આજે આખી દુનિયા પોર્નોગ્રાફીથી a ખદબદે છે. એ જાહેરાતોમાં, મૅગેઝિનોમાં, ફેશન મૅગેઝિનોમાં, ફિલ્મોમાં, ગીત-સંગીતમાં, ટી.વી. કાર્યક્રમોમાં, વીડિયો ગેમમાં, ફોનમાં, ટેબ્લેટમાં અને ઇન્ટરનેટ પર જોવા મળે છે. પોર્નોગ્રાફી આજે આખી દુનિયામાં સામાન્ય બની ગઈ છે. લોકો આજે પહેલાં કરતાં પણ વધારે પોર્નોગ્રાફી જુએ છે.— “કડવું સત્ય” બૉક્સ જુઓ.

આજે પોર્નોગ્રાફી પહેલાં કરતાં વધુ ગંદી અને અશ્લીલ બની ગઈ છે. પ્રોફેસર ગેઇલ ડાઇન્સ કહે છે: “થોડા સમય પહેલાં જે અશ્લીલ ચિત્રો જોઈને લોકોને આંચકો લાગતો હતો, એ હવે સામાન્ય બની ગયાં છે.”

તમને શું લાગે છે? શું પોર્નોગ્રાફી મજા છે કે સજા? શું એનાથી નુકસાન થાય છે કે નથી થતું? ઈસુએ કહ્યું હતું: “દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ દરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે.” (માથ્થી ૭:૧૭) તો પોર્નોગ્રાફી કેવું ફળ આપે છે, એટલે કે જોનાર પર એની કેવી અસર થાય છે? એનો જવાબ મેળવવા ચાલો અમુક સવાલો પર વિચાર કરીએ.

પોર્નોગ્રાફીથી એક વ્યક્તિને કેવું નુકસાન થાય છે?

નિષ્ણાતો શું કહે છે? લોકોને એટલી સહેલાઈથી પોર્નોગ્રાફી જોવાની ટેવ પડી જાય છે કે અમુક નિષ્ણાતો એને ડ્રગ્સ સાથે સરખાવે છે.

બ્રાયન b નામના એક છોકરાને ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જોવાની ટેવ પડી ગઈ હતી. તે કહે છે: “મારે પોર્નોગ્રાફી જોવી ન હતી, પણ હું પોતાને રોકી શકતો ન હતો. એવું લાગતું કે જાણે કોઈકે નશીલું ડ્રગ આપી દીધું હોય. મારું દિલ ડંખ્યા કરતું અને એના લીધે હું બેચેન થઈ જતો. મેં એ આદત છોડવાની બહુ જ કોશિશ કરી, છતાં વર્ષો સુધી એ આદત છોડી ન શક્યો.”

પોર્નોગ્રાફી જોનાર લોકો ચાહતા નથી હોતા કે તેઓની એ આદત લોકોના ધ્યાનમાં આવે. એટલે તેઓ એને બીજાઓથી સંતાડતા હોય છે. એમાં કોઈ નવાઈની વાત નથી કે પોર્નોગ્રાફી જોનાર લોકોને એકલું એકલું લાગે છે, શરમ આવે છે, ચિંતા થાય છે અને ગુસ્સો આવે છે. ઘણા કિસ્સામાં તો તેઓને આત્મહત્યાના પણ વિચારો આવે છે. સર્ગી નામનો એક છોકરો દરરોજ તેના ફોન પર પોર્નોગ્રાફી ડાઉનલોડ કરતો હતો. તે કહે છે: “હું હંમેશાં મારો જ વિચાર કરતો. પોર્નોગ્રાફી જોવા હું આકુળ-વ્યાકુળ બની જતો. ઘણી વાર મને લાગતું કે હું નકામો છું, વાંક મારો જ છે. એકલતા મને ઘેરી વળતી. એવું લાગતું કે જાણે કોઈએ મને જાળમાં ફસાવ્યો હોય. મને એટલી શરમ આવતી કે હું બીજાઓ પાસે મદદ માંગતા પણ ગભરાતો હતો.”

ગંદાં ચિત્રોની એક ઝલક પણ આપણા પર ખરાબ અસર કરી શકે છે. પોર્નોગ્રાફીની અસરો પર અભ્યાસ કરનાર એક નિષ્ણાત કહે છે કે ગંદાં ચિત્રો મગજમાં જમા થાય છે અને એને કાઢી નાખવાં ખૂબ જ અઘરું છે. ૧૯ વર્ષની સુઝેન ઇન્ટરનેટ વાપરતી હતી ત્યારે અચાનક અશ્લીલ ચિત્રો તેની સામે આવી ગયાં. તે કહે છે: “એ ચિત્રો મારા મનમાં છપાઈ ગયાં હતાં. ઘણી વાર એ મારી આંખોની સામે આવી જતાં. મને એવું લાગતું હતું કે હું એ ચિત્રોને કદી મારા મનમાંથી ભૂંસી નહિ શકું.”

આપણે શું શીખ્યા? પોર્નોગ્રાફી વ્યક્તિને વશમાં કરી લે છે અને તેનું જીવન બરબાદ કરી નાખે છે.—૨ પિતર ૨:૧૯.

પોર્નોગ્રાફીથી કુટુંબોને કેવું નુકસાન થાય છે?

નિષ્ણાતો શું કહે છે? વેન્ડી અને લેરી મોલ્ટ્‌ઝે લખેલા ધ પોર્ન ટ્રેપ નામના પુસ્તકમાં લખ્યું છે: “પોર્નોગ્રાફી કુટુંબો અને લગ્‍નજીવનને તોડે છે.”

કુટુંબો અને લગ્‍નજીવન પર પોર્નોગ્રાફીની આવી ખરાબ અસરો થાય છે:

  • પતિ-પત્ની એકબીજા પર ભરોસો કરી શકતા નથી, તેઓનો સંબંધ નબળો પડે છે અને પ્રેમ ઓછો થઈ જાય છે.—નીતિવચનો ૨:૧૨-૧૭.

  • પોર્નોગ્રાફી જોનાર વ્યક્તિ સ્વાર્થી બની જાય છે, પોતાના લગ્‍નસાથીથી દૂર થઈ જાય છે અને પોતાના સાથીથી ખુશ નથી હોતી.—એફેસીઓ ૫:૨૮, ૨૯.

  • પોર્નોગ્રાફી જોનાર વ્યક્તિ સેક્સની કલ્પનામાં રચીપચી રહે છે અને તેની જાતીય વાસના વધારે ને વધારે પ્રબળ બને છે.—૨ પિતર ૨:૧૪.

  • તે પોતાના લગ્‍નસાથીને અયોગ્ય રીતે સેક્સ માણવા દબાણ કરે છે.—એફેસીઓ ૫:૩, ૪.

  • તે પોતાનાં વિચારો અને કાર્યોથી લગ્‍નસાથીને બેવફા બને છે.—માથ્થી ૫:૨૮.

બાઇબલમાં લખ્યું છે કે લગ્‍નસાથી એકબીજા સાથે ‘કપટથી ન વર્તે.’ (માલાખી ૨:૧૬) વ્યભિચાર સંસારમાં આગ લગાડે છે. એનાથી પતિ-પત્નીના સંબંધો વણસી જાય છે. તેઓ અલગ થઈ જાય છે, છૂટાછેડા લઈ લે છે અને એની બાળકો પર પણ ખરાબ અસર પડે છે.

પોર્નોગ્રાફીની બાળકો પર સીધેસીધી અસર પડી શકે છે. બ્રાયનનો વિચાર કરો, જેના વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “હું દસેક વર્ષનો હતો. એક દિવસે હું સંતાકૂકડી રમતો હતો. અચાનક મારા હાથમાં પપ્પાનાં મૅગેઝિન આવી ગયાં. એમાં અશ્લીલ ચિત્રો હતાં. પછી હું સંતાઈ સંતાઈને એ ચિત્રો જોવા લાગ્યો. મને ખબર પણ ન હતી કે મને કેમ એ ચિત્રો જોવાં ગમે છે, તોય હું એ જોતો. મને એની લત લાગી ગઈ હતી અને યુવાન થયો ત્યાં સુધી એ લતથી છૂટી ન શક્યો.” અમુક અભ્યાસ પરથી જોવા મળે છે કે પોર્નોગ્રાફી જોનાર તરુણો નાની ઉંમરથી જ સેક્સ કરવા લાગે છે, એક કરતાં વધારે લોકો સાથે શરીરસંબંધ બાંધે છે અને સેક્સ વખતે હિંસક બની જાય છે. એટલું જ નહિ, તેઓ પોતાની લાગણીઓ કાબૂમાં રાખી શકતા નથી અને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકતા નથી.

આપણે શું શીખ્યા? પોર્નોગ્રાફી ઝેરનું કામ કરે છે. એનાથી સંબંધોમાં કડવાશ આવે છે અને પ્રેમનું સ્થાન વેદના લઈ લે છે.—નીતિવચનો ૬:૨૭.

પોર્નોગ્રાફી વિશે ઈશ્વરના વિચારો કેવા છે?

ઈશ્વર કહે છે: “તમારા શરીરનાં અંગોને મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર, અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના, લાલસા અને લોભ જે મૂર્તિપૂજા છે.”—કોલોસીઓ ૩:૫.

સાદા શબ્દોમાં કહીએ તો, યહોવા c ઈશ્વર પોર્નોગ્રાફીને ધિક્કારે છે. તે સેક્સની વિરુદ્ધ નથી. તેમણે પોતે માણસોમાં સેક્સની ઇચ્છા મૂકી છે. તે ચાહે છે કે પતિ-પત્ની જાતીય સંબંધ દ્વારા એકબીજાને ખુશ કરે, એકબીજાની નજીક આવે અને બાળકોનું સુખ મેળવે.—યાકૂબ ૧:૧૭.

તો પછી શાના આધારે કહી શકીએ કે યહોવા પોર્નોગ્રાફીને ધિક્કારે છે? ચાલો એનાં અમુક કારણ જોઈએ.

  • તે જાણે છે કે પોર્નોગ્રાફી જીવન બરબાદ કરી શકે છે.—એફેસીઓ ૪:૧૭-૧૯.

  • તે આપણને પ્રેમ કરે છે અને મુસીબતોથી આપણું રક્ષણ કરવા માંગે છે.—યશાયા ૪૮:૧૭, ૧૮.

  • યહોવા લગ્‍નને અને કુટુંબોને સલામત રાખવા માંગે છે.—માથ્થી ૧૯:૪-૬.

  • તે ચાહે છે કે આપણે ચારિત્ર શુદ્ધ રાખીએ અને બીજાઓના અધિકારને માન આપીએ.—૧ થેસ્સાલોનિકીઓ ૪:૩-૬.

  • યહોવા ચાહે છે કે આપણે આપણાં જાતીય અંગોને માન આપીએ અને એનો ખોટો ઉપયોગ ન કરીએ.—હિબ્રૂઓ ૧૩:૪.

  • યહોવા જાણે છે કે શેતાન પોર્નોગ્રાફી દ્વારા માણસોના મનમાં સેક્સ વિશે ખોટા વિચારો નાખે છે તેમજ તેઓને સ્વાર્થી અને વિકૃત બનાવે છે.—ઉત્પત્તિ ૬:૨; યહૂદા ૬, ૭.

આપણે શું શીખ્યા? પોર્નોગ્રાફીથી યહોવા સાથેના સંબંધમાં તિરાડ પડે છે.—રોમનો ૧:૨૪.

જેઓ પોર્નોગ્રાફીના પંજામાંથી છૂટવા માંગે છે, તેઓને યહોવા સાચે જ મદદ કરવા માંગે છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા દયા અને કરુણા બતાવનાર છે, તે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના સાગર છે. તે આપણી રચના સારી રીતે જાણે છે, તે યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૧૪) તે ચાહે છે કે નમ્ર લોકો તેમની પાસે આવે, જેથી ‘મદદની જરૂર હોય ત્યારે દયા અને અપાર કૃપા મેળવી શકે.’—હિબ્રૂઓ ૪:૧૬; “ પોર્નોગ્રાફીના પંજામાંથી છૂટવું” બૉક્સ જુઓ.

ઘણા લોકોએ ઈશ્વરની મદદ સ્વીકારી છે. શું તેમની મદદથી ફાયદો થાય છે? ધ્યાન આપો કે જેઓએ પોતાની ખરાબ આદતો છોડી છે, તેઓ વિશે બાઇબલમાં શું લખ્યું છે: “તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે. તમને પવિત્ર કરવામાં આવ્યા છે. આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક ઠરાવવામાં આવ્યા છે.” (૧ કોરીંથીઓ ૬:૧૧) પ્રેરિત પાઉલની જેમ તેઓ પણ કહી શકે છે: “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિપીઓ ૪:૧૩.

આપણે અગાઉ જે સુઝેન વિશે જોઈ ગયા, તે સમય જતાં પોર્નોગ્રાફીની ખરાબ આદત છોડી શકી. તે કહે છે: “ફક્ત યહોવા જ તમને પોર્નોગ્રાફીની લતમાંથી આઝાદ કરી શકે છે. જો તમે તેમની મદદ અને માર્ગદર્શન સ્વીકારશો, તો તેમના મિત્ર બની શકશો. તે તમારો સાથ કદીયે નહિ છોડે.”

a “પોર્નોગ્રાફી” શબ્દ એવી માહિતીને બતાવે છે, જે જોનારની, વાંચનારની કે સાંભળનારની જાતીય વાસનાને ભડકાવે છે. એમાં ચિત્રો, ઑડિયો અને લેખિત સાહિત્યનો પણ સમાવેશ થાય છે.

b આ લેખમાં નામ બદલ્યાં છે.

c શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.