સ્કીપ ટુ કન્ટેન્ટ

શા માટે યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી?

શા માટે યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી?

યહોવાના સાક્ષીઓ નીચેના કારણોને લીધે યુદ્ધમાં ભાગ લેતા નથી:

  1. તેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે. બાઇબલ કહે છે કે ઈશ્વરભક્તો ‘પોતાની તરવારોને ટીપીને કોશો બનાવશે અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.’—યશાયા ૨:૪.

  2. તેઓ ઈસુની આજ્ઞા પાળે છે. પ્રેરિત પીતરને ઈસુએ કહ્યું હતું: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે.” (માથ્થી ૨૬:૫૨) આમ, ઈસુએ બતાવ્યું કે તેમના શિષ્યો યુદ્ધના હથિયાર ઉઠાવશે નહિ.

    ઈસુના શિષ્યો રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી અને ‘દુનિયાનો ભાગ ન બનવાની’ ઈસુની આજ્ઞા પાળે છે. (યોહાન ૧૭:૧૬) તેઓ લશ્કરના કાર્યનો વિરોધ કરતા નથી અને સેનામાં જોડાતા લોકોની આડે આવતા નથી.

  3. તેઓ એકબીજાને પ્રેમ કરે છે. ઈસુએ પોતાના શિષ્યોને “એકબીજા પર પ્રેમ” રાખવાની આજ્ઞા આપી હતી. (યોહાન ૧૩:૩૪, ૩૫) આમ, તેઓ દુનિયા ફરતે ભાઈચારો બતાવે છે. તેઓનું કોઈ પણ સભ્ય પોતાના ભાઈ કે બહેન વિરુદ્ધ લડાઈ કરતું નથી.—૧ યોહાન ૩:૧૦-૧૨.

  4. પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો દાખલો. એન્સાઇક્લોપીડિયા ઑફ રિલીજીયન એન્ડ વૉર નામનું પુસ્તક જણાવે છે: ‘ઈસુના શરૂઆતના અનુયાયીઓ યુદ્ધ અને લશ્કરી સેવામાં જોડાવવાની ના પાડતા હતા.’ તેઓ માનતા કે એ કાર્યો ‘ઈસુએ આપેલા પ્રેમ વિશેના નૈતિક મૂલ્યોની વિરુદ્ધ છે. દુશ્મનોને પ્રેમ કરવો જોઈએ એ નિયમની પણ વિરુદ્ધ છે.’ એવી જ રીતે, પીટર મેનહોલ્ડ નામના જર્મનીના નિષ્ણાત ઈસુના શરૂઆતના શિષ્યો વિશે જણાવે છે: ‘ખ્રિસ્તી હોવાની સાથે સાથે સૈનિક હોવું શક્ય નથી.’

સમાજમાં યોગદાન

યહોવાના સાક્ષીઓ સમાજને મદદ કરતા લોકો છે અને તેઓ જે દેશમાં રહે છે, ત્યાંની સુરક્ષા માટે ખતરો નથી. અમે બાઇબલના આ નિયમની સુમેળમાં સરકારને માન આપીએ છીએ:

  • “દરેક માણસ ઉચ્ચ અધિકારીઓને આધીન રહે.”—રોમનો ૧૩:૧.

  • “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”—માથ્થી ૨૨:૨૧.

અમે નિયમો પાળીએ છીએ, કરવેરા ભરીએ છીએ અને જનતા માટે સરકાર જે મહેનત કરે છે એને સહકાર આપીએ છીએ.